સુરત, 15 માર્ચ : ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની આરોગ્ય સુખાકારી માટે રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા ‘આયુષ્માન ભારત’ આરોગ્યલક્ષી યોજના અમલી છે, જેમાં ગંભીર બીમારી, ઓપરેશન માટે સો ટકા નિઃશુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ છે. આ યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. નિરાધાર ગંગાસ્વરૂપા મહિલાઓ માટે આધારરૂપ બનેલી ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવી અનેક માતાઓ-બહેનો શાંતિપૂર્વક જીવન નિર્વાહ કરી રહી છે. કતારગામ ખાતે એકલા રહેતા 76 વર્ષીય ગંગાસ્વરૂપા ભાનુમતીબહેન સુધીરભાઈ કળસરીયાએ ‘આયુષ્માન ભારત’ યોજનાનો લાભ મેળવ્યો, સાથોસાથ ગંગાસ્વરૂપા યોજનામાં પણ માસિક પેન્શન મેળવીને ઢળતી ઉંમરે સુખમય જીવન વિતાવી રહ્યા છે.

ભાનુમતીબેન મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના થોરડી ગામના વતની છે, અને વર્ષોથી કતારગામની અવધૂતનગર સોસાયટી રહે છે. તેમણે રાજ્ય સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, હું વતનમાં શિક્ષક તરીકે ફરજ બજાવતી હતી, પરંતુ લગ્ન કર્યા બાદ પતિના કહેવાથી નોકરી છોડીને પરિવારની જવાબદારી સંભાળી હતી. મારે સંતાનમાં ચાર દિકરીઓ છે. મારા પતિ કાપડનો વ્યવસાય કરતાં હતાં, દિકરીઓ સાથે હસતા રમતા સુખી જીવન પસાર કરી રહ્યા હતા. પરંતુ વર્ષ 2008માં મારા પતિને કિડનીની બિમારી લાગુ પડી. ઘણી સારવાર કરવા છતાં સ્વસ્થ ન થયાં અને બંને કિડની ફેઈલ થઈ જવાથી તેમનું દુઃખદ અવસાન થયું. ઘરનો આધાર છીનવાઈ જતાં મારા પરિવારની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ. દિકરીઓના સહારે ગુજરાન ચાલતું હતું. સમય જતા ચારેય દિકરીઓના લગ્ન કર્યા, અને દીકરીઓને સાસરે વળાવ્યા બાદ હવે એકલવાયું જીવન જીવી રહી છું. આવા સમયમાં ગુજરાન ચલાવવા રાજ્ય સરકારની ગંગાસ્વરૂપા યોજના જ મારા ઘડપણની લાકડી સમાન બની છે, દર મહીને રૂ.1250ની સહાય મળે છે, જેથી હું મારી જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓ લાવી શકું છું, આજે આ યોજનામાં મળતાં પેન્શનના સહારે જ હું સ્વમાનભેર જીવન જીવી રહી છું.

‘આયુષ્માન ભારત’ યોજના થકી આ વૃદ્ધાની નિ:શુલ્ક બાયપાસ સર્જરી પણ થઈ છે. આ અંગે ભાનુમતીબેન જણાવે છે કે, વર્ષ 2017માં અચાનક મને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. સુરતની મહાવીર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી, જ્યાં સારવાર કરતાં ડોક્ટરોએ તાકીદે બાયપાસ સર્જરીની જરૂરિયાત હોવાનું કહ્યું. બાયપાસ સર્જરીનો મોટો ખર્ચ થશે તો આટલા રૂપિયા ક્યાંથી લાવીશ એની ચિંતા સતાવતી હતી, ત્યારે આવા મુશ્કેલ સમયમાં મારી વ્હારે આયુષ્માન કાર્ડ આવ્યું. હોસ્પિટલમાં આ યોજનાના કાઉન્ટર પર આરોગ્યમિત્રને મળ્યાં અને કાર્ડ બતાવ્યું તો તેમણે કહ્યું કે, મારી બાયપાસ સર્જરીની સંપૂર્ણ સારવાર ‘મા’ યોજના હેઠળ વિનામૂલ્યે થઈ જશે.“મા’ યોજના ના હોત તો હું કદાચ સારવાર જ ન કરાવી શકી હોત એવી લાગણી વ્યક્ત કરતાં તેમણે વધુમાં જણાવ્યું કે, મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને છેલ્લે રજા આપવામાં આવી ત્યાં સુધીની સંપૂર્ણ સારવાર નિ:શુલ્ક મળી છે. મારી પાસે એક પણ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. બાયપાસ સર્જરીએ મને મોટા આર્થિક બોજથી બચાવી લીધી અને આજે તેઓ ખુબ જ સ્વસ્થ અને સુખમય જીવન જીવી રહ્યા હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત