
સુરત,16 માર્ચ : સમગ્ર દેશ હાલ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે.જોકે, આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ દેશમાં એવા કેટલાય વણ ઉકેલ્યા રહસ્યો ધરબાયેલા પડ્યા છે કે જેને દેશના નાગરીકો જાણતા જ નથી.આવા રહસ્યોને ધરબી દેવામાં જે તે સમયના સત્તાધીશોએ ભૂંડી ભૂમિકા ભજવી છે તેવું કહીએ તો કડવું પણ સો ટચનું સત્ય કહેવાશે.આવું જ એક કડવું સત્ય એટલે દેશના અભિન્ન અંગ એવા જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 1990માં કાશ્મીરી પંડિતો સાથે આચરવામાં આવેલા જઘન્ય હત્યાકાંડ છે.કાશ્મીરી પંડિતો સાથે બર્બરતાપૂર્ણ આચરવામાં આવેલા આ હત્યાકાંડ અને તેમને જમ્મુ-કાશ્મીર છોડવા પર મજબુર કરવામાં આવેલી સમગ્ર ઘટનાને કેન્દ્રની અને રાજ્યની સરકારે જાણી જોઈને કાળની ગર્તામાં ધરબી દીધી હતી.

આઝાદીના આટલા વર્ષો બાદ આ હત્યાકાંડ પર ” ધ કાશ્મીર ફાઇલ્સ ” ફિલ્મ બનાવી સત્યને ઉજાગર કરવાની હિંમત ફિલ્મના લેખક અને ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ બતાવી છે ત્યારે, દેશના બહુમત હિન્દૂ સમાજ તેમજ ખાસ કરીને યુવા પેઢી આ ફિલ્મને નિહાળે અને આ નૃશંસ હત્યાકાંડથી માહિતગાર થાય તે હેતુથી દેશભરના વિવિધ શહેરોમાં અનેકવિધ સામાજિક સંસ્થાઓ-એનજીઓ ” ધ કાશ્મીર ફાઇલ્સ ” ના વિશેષ શો નું આયોજન કરી રહી છે.સુરત શહેરમાં અનેકવિધ સેવાકીય અને રાષ્ટ્રીય પ્રવૃત્તિ કરતા ” વન સ્ટેપ ચેરીટેબલ ટ્રસ્ટ ” એ પણ આ બીડું ઝડપ્યું હતું અને બુધવારે શહેરની 3 શાળા અને 3 કોલેજના 235 વિદ્યાર્થીઓ માટે ” ધ કાશ્મીર ફાઇલ્સ ” ના વિશેષ શો નું આયોજન કર્યું હતું.

ફિલ્મના પ્રારંભ પૂર્વે ભારતમાતા સમક્ષ દીપ પ્રકટાવી ભારતમાતાના જયઘોષ સાથે ઉપસ્થિત લોકો સમક્ષ આ સંસ્થાની પ્રવૃત્તિ વિષે રોનકબેન ધૃવ એ વિસ્તૃત માહિતી આપી હતી.સંસ્થાના અગ્રણી તરુણ હરસોરાએ સૌને આવકારી જણાવ્યું હતું કે આ ફિલ્મ જોઈને યુવાધનમાં રાષ્ટ્ર ભક્તિ વધુને વધુ પ્રબળ બને અને કાશ્મીર વિષે યુવા પેઢી અવગત થાય તે હેતુથી આ વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

ફિલ્મને નિહાળતા પૂર્વે જ થિયેટરના પ્રાંગણમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ દ્વારા દેશની આન,બાણ,શાન સમાન તિરંગાને લહેરાવી ‘ ભારત માતા કી જય ‘ અને ‘ વંદે માતરમ ‘નો જયઘોષ કરવામાં આવ્યો હતો.” દૂધ માંગોગે તો ખીર દેંગે, કશ્મીર માંગોગે તો ચીર દેંગે ” ના નાદ સાથે સમગ્ર પરીસર ગુંજી ઉઠ્યું હતું. આ શો દરમિયાન ઉપસ્થિત રહેલા વીએચપી-બજરંગદળના કાર્યકર્તાઓ પણ દેવીપ્રસાદ દુબેની આગેવાનીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ફિલ્મને નિહાળતા સમયે સમગ્ર થીયેટરમાં દર્શકો ભાવનાત્મક લાગણીથી જોડાયેલા જોવા મળ્યા હતા.ફિલ્મ દરમિયાન સમયાંતરે દેશભક્તિના નારાઓથી સમગ્ર પરીસર ગુંજી ઉઠ્યું હતું.વન સ્ટેપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ” ધ કાશ્મીર ફાઇલ્સ ” ફિલ્મના વિશેષ શો ના આયોજનને સૌ કોઈએ વખાણ્યું હતું અને આયોજકોનો આભાર માન્યો હતો.આ શો ને સફળ બનાવવવા ટ્રસ્ટના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત