
સુરત, 19 માર્ચ : સુરત શહેરમાં અનેકવિધ સંસ્થાઓ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરીને માનવીય સંવેદનાનું કાર્ય કરી રહી છે.આવી જ એક સંસ્થા રક્ષક ગ્રુપ પણ શહેર તથા આંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં વર્ષોથી સેવાકીય કર્યો કરી રહી છે.દક્ષિણ ગુજરાતના આંતરિયાળ ગામડાઓમાં શાળાઓમાં ભણતા જરૂરિયાતમંદ બાળકો મોંઘુ સ્કૂલ બેગ વિકટ આર્થિક પરિસ્થિતિના કારણે ખરીદી શકતા નથી.ત્યારે, આવા બાળકોની વ્હારે હવે રક્ષક ગ્રુપ આવ્યું છે.રક્ષક ગ્રુપ દ્વારા સુરત શહેરમાં લોકો સમક્ષ તેમના જુના જીન્સ પેન્ટની બેગ બનાવવા સંસ્થાને આપવા અપીલ કરી હતી.આ અપીલને શહેરભરમાંથી પ્રબળ પ્રતિસાદ મળ્યો હતો. સંસ્થાએ લોકો પાસેથી આ જીન્સના પેન્ટ ઉઘરાવી અને જીન્સની સ્કૂલ બેગ તૈયાર કરાવી છે.આ સ્કૂલ બેગની ખાસ વાત એ છે કે આ સ્કૂલ બેગ વિધવા તથા જરૂરિયાત મંદ બહેનો પાસે તૈયાર કરાવવવામાં આવી છે.જેથી, તેમને પણ રોજગાર મળી રહે. આમ,” એક પંથ દો કાજ ” ની ઉક્તિને સાર્થક કરીને એક સાથે બે સેવાકીય કર્યો કર્યા છે.શહેરભરમાંથી મોટી સંખ્યામાં ઉઘરાવવામાં આવેલા જીન્સના પેન્ટમાંથી જીન્સની મજબૂત એવી 25,000 સ્કૂલ બેગ તૈયાર કરવામાં આવી છે.આગામી દિવસોમાં આ સ્કૂલ બેગ દક્ષિણ ગુજરાતના આંતરિયાળ ગામડાઓમાં જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવશે.

રક્ષક ગ્રુપના અધ્યક્ષ ગૌરવ પટેલ અને સંગઠન મહામંત્રી વિરલ વ્યાસ તથા સમગ્ર રક્ષક ગ્રુપના સભ્યો શનિવારે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને મળ્યા હતા.સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્કૂલ બેગ અને અન્ય કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિથી પાટીલને માહિતગાર કરવામાં આવ્યા હતા.પ્રદેશ અધ્યક્ષે રક્ષક ગ્રુપની આ સુંદર સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી અને વધુમાં વધુ સેવાકીય પ્રવૃત્તિ કરવા અંગે શુભેચ્છાઓ અર્પી હતી.
અટલ રાષ્ટ્ર ન્યૂઝ // ભાવેશ ત્રિવેદી // સુરત