સુરતની વનસમૃદ્ધિ : દરિયાકિનારાના 8૦૦૦ હેકટર વિસ્તારમાં આવેલા છે ચેરના વૃક્ષો

સ્થાનિક
Spread the love

સુરત, 20 માર્ચ : 21મી માર્ચ એટલે વિશ્વ વન દિવસ. ઈ.સ.1971ના રોજ 23મી યુરેપિયન કન્ફેડરેશનલ ઓફ એગ્રીકલ્ચર’ની સામાન્ય સભામાં વન દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયુ હતું. જેથી યુનોએ સમગ્ર વિશ્વમાં 21મી માર્ચને ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. આજે વૃક્ષોના મહત્વ વિશે જેટલું કહીએ તેટલુ ઓછું છે. પર્યાવરણની રક્ષા માટે તડકો છાંયડો વેઠીને અડીખમ રહી મનુષ્યને ડગલે ને પગલે ઉપયોગી થતા વૃક્ષોનો અનેરો મહિમા છે. ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરવાનું અમોઘ શસ્ત્ર જો કોઈ હોય તો તે સમગ્ર જીવસૃષ્ટિના આધાર સમા વૃક્ષો છે. પ્રદૂષણ સામે ઝીંક ઝીલીને પર્યાવરણને શુદ્ધ રાખતા, જમીનનું ધોવાણ અને સમુદ્રની ખારાશને આગળ વધતી અટકાવતા પરમ હિતકારી સંત જેવા વૃક્ષોને સાચવવાની, ઉછેરવાની, સંભાળવાની જવાબદારી આપણા સૌની છે. વૃક્ષોનું જતન અને રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. જેથી ભાવિ પેઢીને સ્વસ્થ વાતાવરણ આપી શકીએ.

આ વર્ષે વિશ્વભરમાં ‘ફોરેસ્ટ એન્ડ સસ્ટેનેબલ પ્રોડકશન એન્ડ કન્ઝમ્પશન’ની થીમ પર વન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરત વનવિભાગ દ્વારા સુરત જિલ્લાને હરિત બનાવવા અને વન પ્રદેશમાં વધારો થાય, વધુમાં વધુ વૃક્ષોના વાવેતર થકી પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
સુરત જિલ્લાના નાયબ વન સંરક્ષક પુનિત નૈયર જણાવે છે કે, સુરત જિલ્લામાં 50,000 હેકટર વન વિસ્તાર આવેલો છે. જેમાં ડુમસ, મહુવા, માંડવી, માંગરોળ અને ઉમરપાડા વિસ્તારના જંગલ વિસ્તારનો સમાવેશ થાય છે. સુરતના દરિયાકિનારાના વિસ્તારોમાં 8000 હેકટર વિસ્તારમાં ચેરના વૃક્ષો આવેલા છે. પ્રાકૃતિક આપદા, સુનામી જેવા સમયે ઢાલ બનીને અડીખમ ઉભા રહેતા ચેરના વૃક્ષોની સંખ્યામાં પણ ખાસ્સો વધારો થયો છે. જિલ્લામાં જંગલ વિસ્તાર બહાર 2017ના વર્ષમાં હેકટરદીઠ 40 વૃક્ષો હતા, જે 2021ના વર્ષમાં વધીને હેકટરદીઠ 48 વૃક્ષો થયા છે.

તા.21મી માર્ચ-વિશ્વ વન દિવસે સવારે 9 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું લાઈવ સંબોધન રાજયભરના બાયસેગ સેટકોમ કેન્દ્રો પરથી પ્રસારિત થનાર છે. જેમાં જિલ્લાના 1434 સેટકોમ કેન્દ્રો પરથી 65,000 વિદ્યાર્થીઓ જોડાશે.નોંધનીય છે કે, વન વિભાગ દ્વારા વૃક્ષોની સંખ્યામાં વધારો થાય અને સુરતની વનસમૃદ્ધિ વધે એ માટે જિલ્લાની 183 વનસમિતિઓ કાર્યરત છે. જંગલ વિસ્તારમાં સારી કામગીરી કરનારી સમિતિઓને પ્રોત્સાહનરૂપે પુરસ્કાર આપવામાં આવે છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *