સુરત : બાંગ્લાદેશનું પ્રતિનિધી મંડળ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાતે આવ્યું

સ્થાનિક
Spread the love

સુરત, 21 માર્ચ : બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એન્ડ એકસપોર્ટર્સ એસોસીએશનના વાઇસ પ્રેસિડેન્ટ મોહંમદ શાહીદુલ્લાહ અઝીમની આગેવાની હેઠળ બાંગ્લાદેશનું એક પ્રતિનિધી મંડળ સોમવાર, તા. 21 માર્ચ, 2022ના રોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાતે આવ્યું હતું. ચેમ્બરે સુરતના ટેકસટાઇલના ઉદ્યોગપતિઓ અને બાંગ્લાદેશના પ્રતિનિધી મંડળ વચ્ચે વાર્તાલાપનું આયોજન કર્યું હતું.
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ભારતથી બાંગ્લાદેશ ખાતે કરવામાં આવતા કોમર્શિયલ એકસપોર્ટ ઉપર 80 ટકા ડયૂટી લાગે છે. આથી તેમણે બાંગ્લાદેશના પ્રતિનિધી મંડળને પ્રથમ તો આ ડયૂટી હટાવવા માટે તેઓની સરકારને રજૂઆત કરવા માટે અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે કહયું હતું કે, આજે રૂબરૂ થયેલો વાર્તાલાપ આગળ પણ ઓનલાઇનના માધ્યમથી સતત જારી રાખીશું અને બાંગ્લાદેશ તથા ભારતના બાયર્સ અને સેલર વચ્ચે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એન્ડ એકસપોર્ટર્સ એસોસીએશન સેતુની ભૂમિકા ભજવશે. સાથે જ તેમણે ચેમ્બર દ્વારા યોજાનારા વિવનીટ એકઝીબીશન અને યાર્ન એકસ્પોમાં બાંગ્લાદેશના ગારમેન્ટ મેન્યુફેકચરર્સ સહિતના પ્રતિનિધી મંડળને આમંત્રણ આપ્યું હતું.

બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એન્ડ એકસપોર્ટર્સ એસોસીએશનના વાઇસ પ્રેસિડેન્ટ મોહંમદ શાહીદુલ્લાહ અઝીમે જણાવ્યું હતું કે, ભારતમાં ઘણી વખત આવ્યા છે પણ સુરતમાં પ્રથમ વખત આવવાનું થયું છે. ભારતમાં સુરત એમએમએફ ટેકસટાઇલનું હબ છે તે તેઓને આજે ખબર પડી છે. અત્યાર સુધી તેઓ ભારતમાંથી કાપડ અનુક્રમે મુંબઇ, કોલકાતા, ચેન્નાઇ અને તિરુપુરથી આયાત કરતા હતા. પરંતુ સુરતની કેપેસિટી જોઇ હવે તેઓ સુરતથી જ કાપડ મંગાવશે તેવી બાંયધરી તેમણે આપી હતી. બાંગ્લાદેશ વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું ગારમેન્ટ એકસપોર્ટર છે. વાર્ષિક 40 બિલિયન યુએસ ડોલર જેટલું એકસપોર્ટ કરે છે. તેઓની સરકાર દ્વારા વર્ષ 2024 સુધીમાં ગારમેન્ટ એન્ડ એપેરલ એકસપોર્ટનો ટાર્ગેટ 80 બિલિયન યુએસ ડોલરનો રાખવામાં આવ્યો છે અને તેઓને વિશ્વાસ છે કે તેઓ સરળતાથી તેને હાંસલ કરી લેશે. કારણ કે, તેઓના ગારમેન્ટ એન્ડ એપેરલનો વિકાસ દર વાર્ષિક 40 ટકા જેટલો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં તેઓ ભારતમાંથી કોટન બેઇઝ્‌ડ કાપડની આયાત કરી રહયા છે. બાંગ્લાદેશ હાલ ભારતમાંથી વાર્ષિક 2.2 બિલિયન યુએસ ડોલરનું ટેકસટાઇલ આધારીત માલ–સામાન આયાત કરી રહયું છે, પરંતુ જે રીતે વૈશ્વિક સ્તરે એમએમએફ ટેકસટાઇલની માંગ વધી રહી છે તે જોતા બાંગ્લાદેશને ચોકકસપણે સુરત તરફ ધ્યાન કરવું પડશે. તેમણે કહયું કે, બાંગ્લાદેશમાં નવેમ્બર– 2022માં ફેશન વીક યોજાનાર છે. આ ફેશન વીકમાં બાંગ્લાદેશના મોટા ભાગના બાયર્સ ઉપસ્થિત રહેતા હોય છે. આથી તેમણે કાપડ બનાવતા સુરતના ઉદ્યોગપતિઓને તેઓની પ્રોડકટ આ ફેશન વીકમાં પ્રદર્શિત કરવા માટે આમંત્રણ આપ્યું હતું.

બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એન્ડ એકસપોર્ટર્સ એસોસીએશનની ટ્રેડ ફેર કમિટીના ચેરમેન મોહંમદ કમાલુદ્દીને પણ સુરતના ઉદ્યોગપતિઓને જરૂરી માહિતી પુરી પાડી હતી.
ચેમ્બરના માનદ્‌ મંત્રી દીપકકુમાર શેઠવાલાએ વાર્તાલાપનું સંચાલન કર્યું હતું. આ વાર્તાલાપમાં સુરતના ટેકસટાઇલના ઉદ્યોગપતિઓ અને બાંગ્લાદેશ પ્રતિનિધી મંડળમાં સામેલ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ વચ્ચે ફેસ ટુ ફેસ ચર્ચા કરવામાં આવી હતી. અંતે ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સર્વેનો આભાર માની વાર્તાલાપનું સમાપન કર્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *