સુરત જિલ્લામાં પાઈનેપલનો સ્વાદ ધરાવતા તરબૂચની અનોખી ખેતી

સ્થાનિક
Spread the love

સુરત, 21 માર્ચ : સામાન્ય રીતે આપણે લાલ તરબૂચ જોઈએ છીએ અને તેનો સ્વાદ માણીએ છીએ. પરંતુ સુરત જિલ્લામાં સંભવત: પ્રથમ વખત પાઈનેપલ મિશ્રિત સ્વાદ ધરાવતા પીળા તરબૂચની ખેતી કરવામાં આવી રહી છે. હાલ ઉનાળાના આગમનની સાથે બજારમાં મીઠા-મધુરા તરબૂચની હાટો જોવા મળે છે. ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવતા તરબૂચનું સેવન તમામ વયના લોકો માટે પહેલી પસંદ રહે છે, ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલા ગામના 42 વર્ષીય યુવા ખેડુત પ્રવિણ વલ્લભ માંગુકિયાએ દેશી તરબૂચના સ્થાને તાઈવાનના રંગીન અને સ્વાદિષ્ટ તરબૂચ ઉગાડીને આધુનિક ખેતીને અનોખો આયામ આપ્યો છે. તેમણે ખેતરમાં મલ્ટીક્રોપ કોન્સેપ્ટથી આંબા કલમોની સાથે તરબૂચની ખેતીનો સફળ પ્રયોગ કર્યો છે. વિદેશી તરબૂચની પ્રગતિશીલ ખેતીના કારણે આજુબાજુના ત્રણ ગામોના શ્રમિકોને રોજગારી પણ આપી રહ્યાં છે.

સુરત જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો ન માત્ર કૃષિમાં વૈવિધ્યકરણ કરી રહ્યાં છે, બલકે આધુનિક ખેતીમાં અદ્યતન ટેકનોલોજીનો સહારો લઈને અન્ય ખેડૂતોને નવી રાહ પણ ચીંધી રહ્યાં છે. આવા જ એક ખેડૂત પ્રવિણ માંગુકિયાએ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ઉનાળુ સિઝનમાં રંગબેરંગી અને રસીલા તાઈવાની તરબૂચનું વાવેતર કરીને જેકપોટ સમાન ઉત્પાદનનો અંદાજ સેવતા તા.21મી માર્ચે પ્રથમ જ દિવસે જ 20 ટન તરબૂચનું ઉત્પાદન પણ મેળવી લીધું છે. તેમણે વાવેતર કર્યાના માત્ર 90 દિવસ બાદ રૂ.21 લાખનું ઉત્પાદન થવાની સંભાવના વ્યકત કરી હતી. જે પૈકી રૂા.7 લાખના દવા, મજૂરી તથા અન્ય ખર્ચને બાદ કરતા તેમને રૂ.14 લાખનો ચોખ્ખો નફો થશે તેમ તેમણે કહ્યું હતું. વિશેષ વાત એ છે કે તેમણે 9 એકર જમીનમાં મલ્ટી ક્રોપનો પ્રયોગ કરતાં 4400 આંબાની કલમો પણ વાવી છે, અને વચ્ચેના ભાગમાં તરબૂચ ઉગાડ્યા છે. જમીનનો સદુપયોગ કરી બે આંતરપાકો થકી વધુ આવક મેળવવાનો માર્ગ અખત્યાર કર્યો છે. આ ઉપરાંત, તેમણે સોલર પાવર, ખેતતલાવડી અને ટપક પદ્ધતિથી સિંચાઈ સુવિધા ઊભી કરી છે. જેથી ભરઉનાળે સિંચાઈના પ્રશ્નનું કાયમી નિરાકરણ પણ મળ્યું છે.

અતિઘનિષ્ઠ ફળપાક યોજના હેઠળ આંબા કલમો વાવવા સાથે અંદરથી લાલ અને બહારથી પીળા હોય એવી વિશાલા જાત અને બહારથી લીલા દેખાતા અને અંદરથી પીળા હોય એવી આરોહી જાતના ઓછા બીજવાળા અને અતિ સ્વાદિષ્ટ તાઈવાની તરબૂચની ખેતીનો આ વર્ષે પ્રયોગ કર્યો, જેમાં પ્રવિણભાઈને પ્રથમ પ્રયાસે જ સફળતા મળી છે. અધૂરામાં પૂરૂ કેન્દ્ર અને રાજ્ય સરકારની અધધ રૂા.31 લાખની યોજનાકીય સબસિડી મળતાં તેઓને કૃષિમાં અવનવા પ્રયોગો કરવા માટે પાંખો મળી છે.

પ્રવિણભાઈના જણાવ્યા અનુસાર તરબૂચનું વાવેતર કર્યાના 75 દિવસ વિત્યા હોવાથી પાક તૈયાર થઈ ચૂકયો છે. હવે 75 થી 90 દિવસના સમયગાળામાં તરબૂચનું ઉત્પાદન થવાં લાગશે. જેથી 8 એકરમાંથી અંદાજે 140 ટન જેટલા તાઈવાની તરબૂચ પાકશે. પ્રવિણભાઈએ સાહસ કરીને જોખમભરી ખેતી હોવા છતાં રંગબેરંગી તરબૂચ ઉગાડ્યા છે. તેમણે કહ્યું કે, ‘નાન્યુ ઈન્ડિયા’ મૂળ તાઈવાનની કંપની છે. તેના બીજમાંથી બનતા રોપા પૂનાથી ખરીદીને વાવેતર કર્યું છે. આ તરબૂચ સામાન્ય તરબૂચ કરતાં વધુ મોંઘા વેચાય છે. વિશાલા, આરોહી વેરાયટીની વધુ માંગ છે. ખાસ કરીને હોટેલોમાં આ તરબૂચની વધુ માંગ રહે છે. તેથી તે મોંઘા પણ છે. જે રૂ.20થી 30 પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જેનું વજન 4 થી 5 કિલો રહે છે. સામાન્ય રીતે હોટેલ-રેસ્ટોરન્ટમાં જોવા મળતાં તાઈવાનના રંગીન તરબૂચ હવે કિફાયતી દરે ઉપલબ્ધ થતાં સુરત અને દક્ષિણ ગુજરાતના લોકોને સ્વાદમાં નવી વેરાયટી મળશે.

તેઓ વધુમાં જણાવે છે કે, તેમણે ગત તા.10મી જાન્યુઆરીએ મહારાષ્ટ્રના પૂનાની નર્સરીથી રોપાદીઠ રૂા.6 ના ભાવે 29000 વિશાલા અને આરોહી જાતના રોપા ઓર્ડર આપી મંગાવ્યા હતા. આ તરબૂચના રોપાને માટીના બદલે નારિયેળના પાવડરમાં તૈયાર કરવામાં આવે છે. પહેલાં સ્લોટમાં 5 એકરમાં વાવેતર કર્યા બાદ ફરીવાર બીજા સ્લોટમાં તા.2 ફેબ્રુઆરીએ વધુ 15000 રોપા મંગાવ્યા હતાં, જેને વધુ 4 એકર જમીનમાં વાવેતર કર્યું હતું. બે હરોળ વચ્ચે 12 ફૂટ અને બે રોપા વચ્ચે 6 ઈંચના અંતરે વાવેતર કર્યું. કુલ 9 એકરમાં પ્લાન્ટ રોપ્યા બાદ પોલી પ્રોપિલીન કવર(ગ્રો કવર) ઢાંકવામાં આવ્યું હતું. જેના થકી શિયાળાના ધુમ્મસ અને ઉનાળાના તડકાથી પાકને રક્ષણ મળે છે. મલ્ચીંગના કારણે જમીનમાં ભેજ અને પોષકતત્વો જરૂરિયાત પ્રમાણે જળવાઈ રહે છે તેમજ નિંદણનો પ્રશ્ન પણ ઓછો રહે છે. જ્યારે પ્લાસ્ટિકના ગ્રો કવર દ્વારા પાકનું અનેક રીતે રક્ષણ થતા રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે. ગ્રોકવર ભીની માટી સાથે ફળોનો સંપર્ક ટાળે છે. તેથી ફળોમાં થતી ઈજા અટકે છે. માખી સહિતની જીવાતો તથા અન્ય વાયરસથી રક્ષણની સાથે ઝાકળ, ભેજ અને કમોસમી વરસાદ જેવા વાતાવરણની પ્રતિકુળ અસરની સામે પાકને રક્ષણ મળે છે. રાજ્ય સરકાર દ્વારા ટ્રેક્ટર સાથે પાવરટીલર, ઓટોમેટિક હળ, પાંચિયા સહિતના સાધનો તેમજ ડ્રિપ ઈરીગેશન માટે માતબર સબસિડી મળી છે. રૂા.18 લાખના ટ્રેકટર ખરીદવા માટે તેમને રૂા.7 લાખ, પી.એમ.કુસુમ યોજનામાં 5 સોલર પંપ માટે રૂ.6.10 લાખ, ડ્રીપ ઈરીગેશનમાં રૂ.3.35 લાખ અને રાજય સરકારની તાર ફેન્સીંગ યોજના હેઠળ 3800 મીટર ફેન્સીંગ માટે રૂ.14.25 લાખની સબસિડી મળી હોવાનું તેઓ જણાવે છે.

ખેતીમાં પાણીનો વપરાશ ઘટે અને પાણીનો બગાડ ન થાય એ માટે પણ આ પ્રગતિશીલ ખેડૂતે નમૂનેદાર આયોજન કર્યું છે. તેઓ કહે છે કે, ઓછા પાણીએ વધુ ઉત્પાદન મેળવી શકાય તે માટે ડ્રીપ ઈરીગેશન પદ્ધતિથી જ ખેતી કરી રહ્યા છે. તરબૂચના પાકને સતત પાણીની જરૂરિયાત રહેતી હોવાથી મેં મારા ખેતરમાં જ એક એકરમાં 6 મીટર ઊંડી વિશાળ ખેતતલાવડી બનાવી છે, જે 1.50 કરોડ લીટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવે છે. તેઓ કહે છે કે, મારી સમગ્ર વાડીમાં સ્વચ્છ અને પ્રદુષણમુકત ઉર્જાના સ્ત્રોત તરીકે સોલાર પાવર પ્લાન્ટના ઉપયોગથી સમગ્ર વાડીમાં પિયત કરૂ છું. મે પી.એમ.કુસુમ યોજના હેઠળ સોલાર પ્લેટો મુકાવી છે. જેમાં મે 7.5 હોર્સ પાવરની 5 મોટર મૂકી છે. એક હોર્સ પાવર દીઠ મને રૂા.3.60 લાખનો ખર્ચ થાય છે, જેમાં 60 ટકા સબસિડી મળે છે. એક પમ્પ દીઠ રૂ.1.22 લાખ એટલે 5 પમ્પ માટે રૂ.6.10 લાખની સબસીડીનો લાભ મળ્યો છે.

હાલના સમયમાં પરંપરાગત ખેતીમાં ખર્ચ વધવાને કારણે ખેડૂતોને નફો ઘણો ઓછો થાય છે. તેથી ખેતીની હાઈટેક પદ્ધતિઓ અપનાવવી જોઈએ. જેના કારણે ખેતી નુકસાનને બદલે નફાકારક સાબિત થશે અને યુવા ખેડૂતોનો ખેતી પ્રત્યેનો મોહભંગ પણ અટકશે. આજ સુધી માર્કેટ યાર્ડ સુધી પાકને લઈ જવાની જરૂર જ પડી નથી, પણ સોશ્યલ મીડિયા અને મિત્રો-પરિચિતોના ગ્રુપમાં સીધું જ વેચાણ થઈ જતું હોવાનું પ્રવિણભાઈએ કહ્યું હતું.

દક્ષિણ ગુજરાતના લોકોને રંગબેરંગી અને રસીલા તાઈવાની તરબૂચના સ્વાદનું ઘેલું લાગ્યું છે, ત્યારે પ્રવિણભાઈ જણાવે છે કે, એક્ઝોટિક વોટરમેલન તરીકે ઓળખાતા વિશાલા અને આરોહી તરબૂચ પાઈનેપલનો સ્વાદ પણ આપે છે. મને એ વાતનો પણ હર્ષ છે કે, આજુબાજુના ત્રણ ગામોના શ્રમિકોને રોજગારી મળી રહી છે, જેમને લેવા-મૂકવા માટે પણ ટેમ્પો-પિકઅપ વાનની દરરોજ નિ:શુલ્ક વ્યવસ્થા કરૂ છું.આમ, ઓછા સમયગાળામાં વધુ નફો આપતી મીઠા-મધુરા તરબૂચની ખેતી દક્ષિણ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને નવી ઓળખ આપી રહી છે. પ્રવિણભાઈ જેવા યુવા કિસાનો અથાગ મહેનત અને કોઠાસૂઝથી નફાકારક ખેતીને વધુ ઉચ્ચતા બક્ષી રહ્યાં છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *