સુરત જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં 52,214 નોંધો મંજૂર કરાઈ

સ્થાનિક
Spread the love

સુરત, 22 માર્ચ : રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા મહેસૂલી કામગીરીને ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું હોવાથી સાચા માણસને ન્યાય મળી રહ્યો છે. રાજ્યભરની મોટાભાગની મહેસૂલી સેવાઓ ડિજિટાઇઝ થયેલ છે જે i-ORa પોર્ટલ થકી કાર્યરત છે, જેના દ્વારા પ્રશ્નોનો ત્વરિત નિકાલ થઈ જાય છે અને નાગરિકોના સમય નાણાંની બચત થાય છે.હકકપત્રક નોંધો ઓનલાઇન કરવામાં આવી છે જેમાં વિવિઘ જોગવાઇઓ અનુસાર ઘટતી કાર્યવાહી કરવાની હોય છે. નોંધોની મંજૂરી અંગેના કિસ્સામાં કોઇ વાંધો હોય તો પ્રથમ સંબંધિત પ્રાંત અઘિકારીને અરજી કરવી, પ્રાંત અધિકારીને વાંધો જણાય તો સંબંધિત કલેક્ટરને અરજી કરવી, કલેકટરના નિર્ણય સામે પણ વાંધો જણાય તો સચિવ, વિવાદને અરજી કરીને વાંધા સૂચનો રજૂ કરી શકાય છે.

સુરત જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં વિવિધ 62,591 નોંધો પાડવામાં આવી છે. જે પૈકી 52,214 નોંધો મંજૂર કરી છે. જ્યારે 1696 નોંધો નામંજૂર કરાઇ છે. નામંજૂર કરવાના કારણો જોઇએ તો ખેડૂત ખાતેદારના પુરાવા રજૂ થયેલ ન હોવાથી, વારસાઈ કેસમાં મરણ દાખલા, પેઢીનામું ન હોવાથી, કોર્ટ કેસ ચાલતો હોય અને મનાઈ આપેલ હોવાથી તથા ક્ષેત્રફળમાં વિસંગતતા હોવાથી– વગેરે જેવાં વિવિધ કારણોસર આ નોંધો મંજૂર કરાઇ નથી. સુરત જિલ્લામાં તા.31/12/2021ની સ્થિતિએ 8681 હકકપત્રક નોંધનો નિકાલ બાકી છે. તે પૈકી ત્રણ માસની અંદર તકરારી સિવાયની 47 નોંધ અને તકરારી 153 જેટલી નોંધ બાકી છે. છેલ્લાં ત્રણ માસમાં મહેસૂલ વિભાગ દ્વારા નોંધ નિકાલની કામગીરીમાં વિશેષ વેગ પકડવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ મહેસૂલી મેળાઓના કારણે મહેસૂલી તંત્રની કામગીરીમાં ગતિ આવી છે અને પ્રજાલક્ષી અભિગમથી મહેસૂલી પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવે છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *