શહીદ દિને સુરતમાં 301 રક્તદાતાઓએ અમૂલ્ય રક્તનું દાન કરી આપી શ્રધ્ધાંજલી

સ્થાનિક
Spread the love

સુરત, 23 માર્ચ : માં ભોમને અગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની પૂણ્યતિથિ તથા સ્વાતંત્ર્યસેનાનીઓની યાદમાં આજે 23મી માર્ચે દેશમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની બ્લડ બેન્ક તથા ડાયમંડ કંપનીઓ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરીને 301 યુનિટ રકત એકત્ર કરીને શહીદોને સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તમામ યુનિટ રક્ત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં એનાયત કરાયું હતું.

સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રક્તની માંગને પહોંચી વળવા સુરતના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલી નિલમાધવ ઈમ્પેક્ષ સહિત હિર જેમ્સ, એસ એસ ડી જેમ્સ, ધનલક્ષ્મી ડાયમંડ, વર્ણી જેમ્સ, ઓમકાર ઈમ્પેક્ષ, ડેઝલ ડાયમંડ, ગોરસીયા બ્રધર્સ, લિટલ સ્ટાર હોસ્પિટલ, સવાણી હોસ્પિટલ દ્વારા દેશના વીરોને શ્રદ્ધાંજલિ આપવા વરાછા વિસ્તારની માતાવાડી નિલમાધવ ઈમ્પેક્ષ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

નિલમાધવ ઈમ્પેક્ષના માલિક જગદિશ લુખીએ શહિદોની વીરતાને યાદ કરતા કહ્યું હતું કે, દેશની આઝાદી માટે અનેકવીરોએ પોતાના બલિદાનો આપ્યા છે. જે કયારેય ભુલી શકાય તેમ નથી. દેશની ઉન્નતિ માટે સામાન્ય વ્યક્તિએ યથા યોગ્ય યોગદાન આપવું જોઈએ. દેશ ભક્તિના સંગીતમય માહોલ વચ્ચે જુદી જુદી ડાયમંડ કંપનીના રત્નકલાકારો સહિત સેવાકિય વ્યક્તિઓએ પણ ઉમળકાભેર રક્તદાન કરવા આવ્યા હતા. સાથે શહિદોની સાચી શ્રદ્ધાજંલિ પાઠવવા મોટી સંખ્યામાં રિટાયર્ડ આર્મી ઓફિસર્સ અને સુરત જિલ્લા માજી સૈનિક સેવા મંડળના ઓફિસર્સ સહિત અગ્રણીઓએ હાજરી આપી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *