
સુરત, 24 માર્ચ : હાલ ઉનાળાની ઋતુનો પ્રારંભ થઇ ચુક્યો છે.આ વર્ષે ઉનાળાના પ્રારંભથી કાળઝાળ ગરમી પડી રહી છે.આ અસહ્ય ગરમીને સહન કરવી માનવજાત માટે કઠિન હોય ત્યારે અબોલ પશુ-પક્ષીની શું સ્થિતિ થતી હશે ? જોકે, આવી કાળઝાળ ગરમી વચ્ચે પણ માનવતા અને સેવાની સરવાણીઓ વહેવનારાઓની આ દુનિયામાં હજુ કમી નથી.ત્યારે, સુરત શહેરમાં અબોલ પક્ષીઓની તરસ છીપાવવા માટે ગુરુવારે મજુરા ફાયર સ્ટેશન પાસે કૂંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.શહેરમાં અનેકવિધ સામાજિક અને સેવાકીય કાર્યો કરતા સમાજસેવી ધર્મેશ ગામી અને તેની ટીમ દ્વારા ગુરુવારે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને અબોલ પક્ષી માટે 300થી વધુ કૂંડાઓનું વિતરણ કરવામાં આવ્યું.
આ સેવાકીય કાર્ય દરમિયાન ધર્મેશ ગામીએ જણાવ્યું હતું કે માનવજાત તો અસહ્ય ગરમીમાંથી રાહત મેળવવા અનેક વિકલ્પ અજમાવે છે.જયારે, અબોલ પશુ અને પક્ષી તેમની તકલીફ તો કહી પણ શકતા નથી.અમે દર વર્ષે સંખ્યામાં આ પ્રકારે કુંડાનું વિતરણ કરીને અબોલ પક્ષીઓ માટે કઈંક કરી છૂટવાનો પ્રયત્ન કરીએ છીએ.કુંડાનું વિતરણ કરતા સમયે અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ પણ અબોલ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરે અને અન્યને પણ આ પ્રકારની સેવા કરવા પ્રેરણા આપે.દર વર્ષે અમને આ કુંડા વિતરણ માટે વિવિધ સેવાભાવીઓનો સહયોગ મળી રહે છે. આ કુંડ વિતરણ માટે અમોને દેવકીનંદન નો સહયોગ પ્રાપ્ત થયો છે.આ સેવાકીય કાર્યમાં અમારી ટીમના વિનોદ કુસ્વા અને સંદીપ રાજપૂતે પણ ભારે જહેમત ઉઠાવી છે.શહેરની જનતા અબોલ પશુ -પક્ષી માટે આ કારમી ગરમીમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી તેમના જીવનને બચાવે તેવી નમ્ર અપીલ પણ કરીએ છીએ.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત