
સુરત, 24 માર્ચ : સમગ્ર વિશ્વમાં 24 માર્ચને વિશ્વ ટીબી.દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.ત્યારે, સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના સાયન્સ સેન્ટર ખાતે ક્ષય નાબુદી દિનની ઉજવણી કરવામાં આવી હતી.શહેર મનપા અને વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા ટીબીના દર્દીઓને પ્રોટીનયુક્ત ન્યુટ્રિશિયન કીટ આપવામાં આવી હતી.સુરત શહેરમાં ઘનિષ્ઠ પ્રયાસોના કારણે ટીબીના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક સમયે શહેરમાં ટીબીના દર્દીઓની સંખ્યા 12 હજાર સુધી પહોંચી હતી તે હવે 6 થી 7 હજાર જેટલી નોંધાઈ છે.પ્રધાનમંત્રી મોદીએ વર્ષ 2025 સુધીમાં સમગ્ર દેશને ટીબીમુક્ત કરવાની જાહેરાત કરી છે તેના અનુસંધાને અનેક પ્રકારના કાર્યક્રમો દ્વારા ટીબીને નાબૂદ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ગુરુવારે શહેરના સાયન્સ સેન્ટર ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા દર્દીઓને પ્રોટીનયુક્ત ન્યુટ્રિશિયન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ટીબીના રોગની સારવાર અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં 101 જેટલા ટી.બી.ના દર્દીઓને ત્રણ મહિના સુધી ચાલે તેટલું રાશન તેમજ 1 કિલો પ્રોટીન પાઉડર આપવામાં આવ્યો હતો.જે દર્દીઓની આર્થિક સ્થિતિ સારી નથી તેવા દર્દીઓને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા દત્તક લેવામાં આવ્યા છે તેમજ આ દર્દીઓની તમામ પ્રકારની પોષણયુક્ત આહાર પહોંચાડવાની જવાબદારી પણ આ સંસ્થાઓ દ્વારા સ્વીકારવામાં આવી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત