ગુજરાત સરકારે નવસારી ખાતે પીએમ–મિત્રા પાર્ક સ્થાપવા માટેની પ્રારંભિક પ્રોજેકટ દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી

પ્રાદેશિક
Spread the love

સુરત, 25 માર્ચ : કેન્દ્ર સરકારે સાત વર્ષ દરમ્યાન વર્ષ 2027–28 સુધીમાં 7 પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેકસટાઇલ રિજન અને એપેરલ (પીએમ મિત્રા) પાર્કની સ્થાપના માટે ગ્રીનફિલ્ડ/બ્રાઉનફિલ્ડ સાઇટસમાં પ્લગ એન્ડ પ્લે ફેસિલિટી સહિત વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવા માટે રૂપિયા 4445 કરોડના ખર્ચે મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને પ્રાથમિક પ્રોજેકટ રિપોર્ટ સાથેની દરખાસ્ત મંત્રાલયને વિચારણા માટે મોકલવા વિનંતી કરી હતી અને દરખાસ્તો સબમિટ કરવાની છેલ્લી તારીખ 15મી માર્ચ 2022 નકકી કરવામાં આવી હતી. જે અંતર્ગત કેન્દ્ર સરકારને રાજ્ય સરકારો તરફથી કુલ 17 જેટલી પ્રારંભિક પ્રોજેકટ દરખાસ્તો પ્રાપ્ત થઈ છે. આ દરખાસ્તો પ્રોજેકટ એપ્રુવલ કમિટી દ્વારા વિચારણા માટે ચકાસણી હેઠળ છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારને મળેલી કુલ 17 જેટલી પ્રારંભિક પ્રોજેકટ દરખાસ્તો પૈકી ગુજરાત સરકારે નવસારી પાસે પીએમ–મિત્રા પાર્ક સ્થાપવા માટેની દરખાસ્ત મોકલી છે. આ ઉપરાંત કર્ણાટકા સરકાર દ્વારા 2 સ્થળે વિજયપુરા અને ગુલબર્ગ, આંધ્રપ્રદેશન દ્વારા કડાપા, રાજસ્થાન દ્વારા જોધપુર, ઓરિસ્સા દ્વારા ગંજામ, મધ્યપ્રદેશ દ્વારા 4 સ્થળે રતલામ, દેવાસ, ધાર અને કટની, તેલંગાણા દ્વારા વારંગલ, પંજાબ દ્વારા લુધિયાણા, છત્તીસગઢ દ્વારા મહાસમુદ, ઉત્તરપ્રદેશ દ્વારા લખનઉ/હરદોઇ, બિહાર દ્વારા વેસ્ટ ચંપારન, તામિલનાડુ દ્વારા વિરૂધનગર અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા અમરાવતિ ખાતે પીએમ–મિત્રા પાર્ક સ્થાપવા માટે પ્રારંભિક પ્રોજેકટ દરખાસ્તો કેન્દ્ર સરકારને મોકલી છે.

સુરત ખાતે ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ દેશના અન્ય શહેરો કે રાજ્યો કરતા વધારે થયું હોવાથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દેશના 7 જેટલા પીએમ મેગા ઇન્ટીગ્રેટેડ ટેકસટાઇલ રિજન એન્ડ એપેરલ (પીએમ મિત્રા) પાર્કમાંથી 1 પાર્ક દક્ષિણ ગુજરાતમાં ફાળવવામાં આવે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સતત રજૂઆતો કરવામાં આવી હતી. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પીએમ–મિત્રા પાર્ક માટે નવસારી પાસે વાસી–બોરસી ખાતેની 1000 એકર જમીન યોગ્ય હોઇ તે અંગે ગુજરાત સરકારને સૂચન કરવામાં આવ્યું હતું. જેના ઉપર અંતે ગુજરાત સરકાર દ્વારા મંજૂરીની મહોર લગાવી હતી.

હવે સરકાર દ્વારા એસવીપી (સ્પેશિયલ વ્હીકલ પર્પઝ) બનાવવામાં આવશે. આ રિપોર્ટના આધારે મેગા ડેવલપર્સની નિયુકિત કરવામાં આવશે અને ત્યારબાદ પાર્કમાં ડેવલપમેન્ટ કરવામાં આવશે. એક અંદાજ મુજબ પીએમ – મિત્રા પાર્કમાં ટેકસટાઇલના 150 એકમો આવશે. જેમાં વિવિંગ, સ્પીનિંગ, પ્રોસેસિંગ, ગારમેન્ટીંગ અને ટેકનીકલ ટેકસટાઇલ વિગેરે એકમોનો સમાવેશ થશે. આ મેગા ટેકસટાઇલ પાર્કમાં નવી ટેકનોલોજી સાથે મશીનરી સ્થપાશે. જેના કારણે એક સરખી કવોલિટીના કાપડનું ઉત્પાદન થશે ત્યારે જ સુરત ચાઇનાને ટકકર આપી શકશે. આ પાર્ક સંપૂર્ણપણે તૈયાર થયા બાદ પ્રત્યક્ષ રીતે એક લાખ અને પરોક્ષ રીતે જોવા જઇએ તો બે લાખથી વધુ લોકોને રોજગારી મળવાની સંભાવના છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *