મુંબઇ ખાતે યોજાનારા ‘CMAI FAB SHOW’માં સુરતથી SGCCI પેવેલિયન ભાગ લેશે

વેપાર જગત
Spread the love

સુરત, 25 માર્ચ : ધી કલોથીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા (CMAI) દ્વારા આગામી તા.11,12 અને 13 એપ્રિલ, 2022 દરમ્યાન મુંબઈ ખાતે ‘સીએમએઆઇ ફેબ શો’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનું SGCCI પેવેલિયન પણ ભાગ લેનાર છે.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, સીએમઆઇ દ્વારા મુંબઇ સ્થિત બાન્દ્રા ઇસ્ટ ખાતે આવેલા જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સીએમએઆઇ ફેબ શો’ યોજાનાર છે. જેમાં સમગ્ર ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને સોર્સિંગ માટે તક આપવામાં આવશે. આથી આ શોમાં સુરતથી એસજીસીસીઆઇ પેવેલિયન પણ ભાગ લેશે. 1200 સ્કવેર મીટર એરીયામાં એસજીસીસીઆઇ પેવેલિયન પાર્ટીસિપેટ કરનાર છે. જેમાં 40 જેટલા સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારો ભાગ લઇ પોતાનું ફેબ્રિકસ, મેડ–અપ, જોર્જેટ, શિફોન, ક્રેપ, સેટીન, લોજિસ્ટીક્સ અને નેરો ફેબ્રિકસ વિગેરે પ્રોડકટનું પ્રદર્શન કરશે.

ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ તેમજ સીએમએઆઇના દક્ષિણ ગુજરાતના રિજીયોનલ ચેરમેન ડો. અજોય ભટ્ટાચાર્યે જણાવ્યું હતું કે, સીએમઆઇ છેલ્લાં 60 વર્ષોથી મુંબઈ ખાતે નેશનલ ગારમેન્ટ ફેરનું આયોજન કરતી આવી છે અને અત્યાર સુધીમાં 74 જેટલા સફળ નેશનલ ગારમેન્ટ ફેર યોજ્યા છે. હવે સૌપ્રથમ વખત સીએમએઆઇ દ્વારા આગામી તા.11, 12 અને 13 એપ્રિલ, 2022 દરમ્યાન મુંબઈ ખાતે ‘સીએમએઆઇ ફેબ શો’નું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 10,000 સ્કવેર મીટર એરીયામાં યોજાનારા ફેબ શોમાં 250થી વધુ એકઝીબીટર્સ ભાગ લેનારા છે. જેમાં વિવિધ ફેબ્રિક, નેરો ફેબ્રિક, એમ્બ્રોઇડરી, એસેસરીઝ, લોજિસ્ટીકસ, આઇટી સોલ્યુશન્સ અને મશીનરી વિગેરે પ્રદર્શિત કરવામાં આવશે.સામાન્યપણે ગારમેન્ટ મેન્યુફેકચરર્સને રેડીમેડ ગારમેન્ટ બનાવવા માટે જુદા–જુદા સોર્સ ઉપર નિર્ભર રહેવું પડતું હોય છે. સીએમએઆઇનો આ ફેબ શો બધા જ સોર્સને એક જ છત્ર હેઠળ એકત્રિત કરવાનું મહત્વનું કામ કરશે. આથી ગારમેન્ટ મેન્યુફેકચરર્સને એક જ પ્લેટફોર્મ ઉપર ઘણા બધા વેપારીઓનો સંપર્ક થશે અને ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને ડેવલપ થવામાં વધુ પ્રોત્સાહન મળશે.

આ ફેબ શોમાં સીએમએઆઇના 5000થી વધુ મેમ્બર્સ કે જેઓ ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીના ટોપ બ્રાન્ડ્સ અને ટોપ બાયર્સ છે તેઓ આ શોની મુલાકાત લેશે. સુરતના 5000 જેટલા ગારમેન્ટ મેન્યુફેકચરર્સ, ગારમેન્ટ બ્રાન્ડ્સ, એકસપોર્ટર્સ, વેન્ડર્સ અને ડિઝાઇનર્સ વિગેરે આ ફેબ શોમાં સોર્સિંગ કરવા માટે આવશે એવી આશા છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *