
સુરત : વર્ષ 1990માં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો સાથે થયેલા અમાનવીય હત્યાકાંડનું કડવું સત્ય હવે ‘ ધ કાશ્મીર ફાઇલ્સ ‘ ફિલ્મથી બહાર આવ્યું છે.આ ફિલ્મને લઈને સમગ્ર દેશમાં એક સુર ઉઠ્યો છે કે આ જઘન્ય હત્યાકાંડના જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવે.ત્યારે, હવે આ ફિલ્મને લઈને રાજકીય રોટલા શેકવાની રાજનીતિ પણ આ દેશમાં શરૂ થઇ ગઈ છે.

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં કાશ્મીરી પંડિત અને મૂવીને લઈને કેટલાક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હોવાનું સામે આવ્યું છે.જેને લઈને સમગ્ર દેશમાં તેમના વિરુદ્ધ આક્રોશ પ્રગટ થઇ રહ્યો છે.સુરતમાં પણ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકર્તાઓએ શુક્રવારે શહેરના સીમાડા નાકા પર આમ આદમી પાર્ટીના કાર્યાલય બહાર જ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પૂતળાનું દહન કરી ઉગ્ર રોષ પ્રગટ કર્યો હતો.આ સમયે બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા કેજરીવાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા.પૂતળા દહન બાદ કેજરીવાલને ભગવાન સદબુદ્ધિ આપે તેવા આશય સાથે કાર્યક્રતાઓએ રામધૂન પણ બોલાવી હતી.

બીજેયુમોના શહેર અધ્યક્ષ ટોપીવાલાએ મીડિયા સમક્ષ જણવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ હંમેશા દેશ વિરોધી નિવેદનો આપતા હોય છે. ‘ ધ કાશ્મીર ફાઇલ્સ ‘ ફિલ્મમાં કાશ્મીરી પંડિતો સામે થયેલા અત્યાચારને સચોટ રીતે દર્શવવામાં આવ્યા છે. કેજરીવાલ દ્વારા કાશ્મીરી પંડિત અને આ ફિલ્મને લઈને અનેક ટિપ્પણીઓ વિધાનસભામાં કરવામાં આવી રહી છે. જે યોગ્ય નથી.આ કાશ્મીરી પંડિતોનું અપમાન છે તે ક્યારેય સાંખી લેવામાં નહીં આવે.આથી જ કાર્યકર્તાઓએ તેમના ઉગ્ર રોષ સાથે આજે અરવિંદ કેજરીવાલના પૂતળા દહન કર્યું છે.

શુક્રવારે આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા સુરત મહાનગર અધ્યક્ષ ભાવિન ટોપીવાલા મોરચાના મહામંત્રી પાર્થ માધાણી , વિવેક પટેલ, સુરત શહેર ઉપાધ્યક્ષ આર.કે લાઠીયા તથા લક્ષ્મણ કોરાટ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત