
સુરત, 26 માર્ચ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ ભાજપમાં વિવિધ પક્ષોના કાર્યકર્તાઓનો જોડાવાનો સિલસિલો જારી રહ્યો છે. ત્યારે, શનિવારે સુરત શહેરના કોંગી અગ્રણી સુરેન્દ્ર લશ્કરી તથા પ્રવીણ બારૈયાની આગેવાનીમાં લગભગ 300 ઉપરાંત કોંગ્રેસના કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ,પ્રદેશ ઉપાધ્યક્ષ જનક બગદાણાવાળાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં થયેલ કોંગ્રેસના કરૂણ રકાસને જોઈ સુરત મહાનગરમા કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમના સમર્થકો સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં તેમના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરી વિધિવત ભાજપમાં પ્રવેશ લીધો હતો. આ કાર્યમાં વૈશાલી પાઠક, કલ્પેશ નવસારીવાળાનું વિશેષ યોગદાન રહ્યું હતું.

અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે સુરત શહેર ભાજપા કાર્યાલય પર સોશિયલ મીડિયા અને આઇ.ટી. સેલની બેઠક આયોજિત કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. શહેર ભાજપ કાર્યાલય પર ચાલી રહેલા દક્ષિણ ઝોન મહિલા મોરચાનો પ્રશિક્ષણ વર્ગનું શનિવારે સમાપન થયું હતું. આ વર્ગના સમાપન સત્રમાં પણ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ઉપરોક્ત કાર્યક્રમો દરમિયાન પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ , પ્રદેશ ઉપાધ્યક્ષ જનક બગદાણાવાળા, ગુજરાત રાજ્યના રાજ્ય મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્યો પ્રવીણ ઘોઘારી, અરવિંદ રાણા, વિવેક પટેલ, સંગીતા પાટીલ, પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરા, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ, ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી, શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપુત, મહામંત્રીઓ મુકેશ દલાલ, કાળુભાઈ ભીમનાથ તથા સંગઠનના પદાધિકારીઓ, કોર્પોરેટરો , વોર્ડના પ્રમુખ-મહામંત્રી,આઈ.ટી. અને સોશિયલ મીડિયાના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત