
સુરત, 26 માર્ચ : સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિનની ઉજવણી કેક કાપી, પરિવાર અને મિત્રવર્તુળ સાથે હોટેલમાં પાર્ટી કરીને કરતાં હોય છે, પરંતુ કોરોનાની વિકટ સ્થિતિમાં નવી સિવિલ હોસ્પિટલમાં અવિરત ઓક્સિજન પૂરો પાડનાર આઈનોક્ષ ઓક્સિજન સપ્લાય એજન્સીના માલિક એ.ડી.મોરેએ તેમના 75માં જન્મદિનની સેવાસભર અને પ્રેરક ઉજવણી કરી હતી..મોરેએ 75માં જન્મદિનના અમૃત્ત વર્ષની ઉજવણીને સેવાભાવના સાથે યાદગાર બનાવવા 175 કિલો ગોળ અને 175 કિલો ખજુરની પોષણ કીટ નવી સિવિલ હોસ્પિટલના સ્ત્રી વિભાગની 175 સગર્ભા માતાઓ, પ્રસુતા બહેનો અને જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ મહિલા સફાઈ કર્મચારીઓને અર્પણ કરી હતી. જે પૈકી 175 દર્દીઓ અને 75 સગર્ભા અને પ્રસુતા માતાઓને કીટ અર્પણ કરાઈ હતી.

નોંધનીય છે કે,મોરેએ કોરોનાની કપરી પરિસ્થિતિમાં ઓક્સિજનની તીવ્ર અછત સર્જાઈ હતી ત્યારે સિવિલ હોસ્પિટલના કોવિડ દર્દીઓને વિના વિક્ષેપ ઓક્સિજન પૂરવઠો મળી રહે એ માટે સતત ખડેપગે કામગીરી નિભાવી હતી. તેઓએ રાત્રિના ત્રણ વાગ્યા સુધી જાગીને પણ ઓક્સિજન સપ્લાયને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

આ પ્રસંગે આ પ્રસંગે મેડિકલ કોલેજના ડીન ડો.ઋતુંભરા મહેતા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર, RMO ડો. કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા સહિત એ.ડી.મોરેના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં.મોરેની દીકરી કરિશ્માએ પિતાને જન્મદિનની અનોખી ઉજવણી કરવા માટે સરપ્રાઈઝરૂપે નવી સિવિલમાં સેવાકીય કાર્યોથી ઉજવણીનું ઉમદા આયોજન કર્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત