
સુરત, 26 માર્ચ : સમાજમાં તબીબોની જરૂરિયાતની વધતી માંગને જોતા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સરકારી અને ગુજરાત મેડિકલ એજ્યુકેશન & રિસર્ચ સોસાયટી- GMERS દ્વારા હાલની મેડિકલ કોલેજોની મેડિકલ બેઠક ક્ષમતામાં ઝડપભેર વધારો કરવામાં આવી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાના હસ્તે રૂ.70 કરોડના ખર્ચે નવી સિવિલ કેમ્પસમાં સાકારિત થયેલા અદ્યતન સરકારી મેડિકલ કોલેજના ભવનનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહેશે.
કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના- PMSSY હેઠળ વર્ષ 2017માં સરકારી મેડિકલ કોલેજમાં મેડિકલની 150 બેઠકોમાં વધુ 100 બેઠકોનો ઉમેરો કરીને 250 બેઠકો કરવામાં આવી છે. હાલ 250 વિદ્યાર્થીઓની ચોથી બેચે 24 ફેબ્રુઆરી 2022થી પ્રવેશ મેળવ્યો છે.
નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસ ખાતે કેન્દ્ર સરકારની કુલ રૂ.120 કરોડની ગ્રાન્ટ સાથે ન્યુ મેડિકલ કોલેજ બિલ્ડીંગનું નિર્માણ બે તબક્કામાં કરવામાં આવનાર છે. જે પૈકી પ્રથમ તબક્કામાં રૂ.70.18 કરોડના ખર્ચે કુલ 33,963 ચોરસ મીટરમાં નવા ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવા બિલ્ડીંગમાં કુલ 5 માળ, પાર્કિંગની સુવિધા માટે ગ્રાઉન્ડ ફ્લોર, વહીવટી બ્લોક, 750 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતા 3 પરીક્ષા હોલ સહિત 300 વિદ્યાર્થીઓને સમાવી શકે તેવા ૪ લેક્ચર હોલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બિલ્ડીંગમાં ઉત્તમ કક્ષાની ફાયર સલામતી, સ્ટાન્ડર્ડ લિફ્ટ, શ્રેષ્ઠ વેન્ટિલેશન સહિતની સુવિધાઓથી સજ્જ છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત