
સુરત, 26 માર્ચ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતી અને ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા તથા યુએસ કોન્સ્યુલેટના કોમર્શિયલ ઓફિસર હારોલ્ડ (લી) બ્રેયમન વચ્ચે વર્ચ્યુઅલ મિટીંગ મળી હતી. જેમાં ચેમ્બરના ગૃપ ચેરમેન અમિષ શાહ અને ચેમ્બરની કોન્સ્યુલેટ લાયઝન / ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન કમિટીના ચેરમેન હર્ષલ ભગત જોડાયા હતા.
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા યુએસ ખાતે આગામી જૂન 2022માં યોજાનાર ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’એકઝીબીશનને ટેકો જાહેર કરી સહયોગ આપવાની યુએસ કોન્સ્યુલેટના કોમર્શિયલ ઓફિસર હારોલ્ડ (લી) બ્રેયમને ખાતરી આપી હતી. તેમણે સ્થાનિક ટેક્ષ્ટાઇલ એસોસીએશન અને નવી ટેકનોલોજી સાથે ઇન્ટ્રોડયુસ કરવા માટેની પણ બાંયધરી આપી હતી.આ ઉપરાંત ટેકનીકલ ટેક્ષ્ટાઇલ તથા સ્પેશિયલ ફેબ્રિકસ જેવા કે મિલિટરી અને સિકયુરિટી માટે વપરાતા ફેબ્રિકસ બનાવતી અમેરિકન કંપનીઓની મુલાકાત કરાવવાની પણ તૈયારી દર્શાવી હતી. તેઓ યુએસના જે વિસ્તારોમાં ભારતીય મૂળના લોકો વસવાટ કરે છે એ વિસ્તારોમાં ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’એકઝીબીશનનું પ્રમોશન કરવા માટે મદદરૂપ થશે. સાથે જ ટેક્ષ્ટાઇલમાં નવી ટેકનોલોજી સાથેની મશીનરી તથા ટેકનીકલ ટેક્ષ્ટાઇલ બનાવતી અમેરિકન કંપનીઓની મુલાકાત કરાવી તે અંગેનું નોલેજ પણ આપશે તેમ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આગામી તા.10 અને 11 જૂન, 2022ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના એટલાન્ટા શહેરમાં ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’એકઝીબીશન યોજાનાર છે. સાથે જ તા.15 જૂનના રોજ ટેકસીસ રાજ્યના ડેલેસ શહેરમાં તથા તા. 18 જૂનના રોજ કેલીફોર્નિયા રાજ્યના લોસ એન્જલસ શહેરમાં ટેબલ ટોપ બાયર – સેલર મીટ પણ યોજાશે. જેમાં વિશ્વભરના ખરીદદારો – વેચાણકારો તથા ઉત્પાદકો એક મંચ ઉપર આવશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત