
સુરત, 29 માર્ચ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સિતારમન અને જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંગના નેતૃત્વ હેઠળ મળેલી બેઠકમાં પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવાના લેવાયેલ નિર્ણયને રાજ્યના જળસંપતિ અને પાણીપુરવઠા મંત્રી ઋષિકેશ પટેલે રાજ્ય વતી આવકાર્યો હતો.
મંત્રી ઋષિકેશ પટેલે આ સંદર્ભે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કેન્દ્ર સરકારના વર્ષ ૨૦૨૨-૨૩ ના બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારમન દ્વારા ગુજરાતમાં પાર-તાપી-નર્મદા ઇન્ટર લિંક પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકારના નિર્ણયને અંતિમ નિર્ણય ગણવો તે પ્રકારનો સ્પષ્ટ મત રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાતના આદિવાસી બાંધવોના વિશાળ જનહિતને ધ્યાને લઇ ગુજરાત સરકારે ક્યારેય આ પ્રોજેક્ટ માટે સંમતિ દર્શાવી નથી. કોંગ્રેસ દ્વારા આ યોજનાના અમલીકરણથી દક્ષિણ ગુજરાતના અનેક આદિવાસી બંધુઓ વિસ્થાપીત થશે તે પ્રકારના મુદ્દે આદિવાસી બાંધવોને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કેન્દ્ર સરકારને શરૂઆતથી જ પાર-તાપી-નર્મદા લીંક પ્રોજેક્ટને સ્થગિત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. તદઉપરાંત ભા.જ.પ. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, દક્ષિણ ગુજરાતના સાંસદો, ધારાસભ્યો દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારને આ મુદ્દે રજૂઆત કરી હતી. ગુજરાતના આદિજાતિ બાંધવોની લાગણી અને માંગણીને ઠેસ પહોંચે તેવું કોઇપણ કાર્ય સરકારે આજદિન સુધી કર્યુ નથી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ , કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમન, જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંગ તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સાંસદ અને ધારાસભ્યો ની મળેલી બેઠકમાં વિશાળ જનહિતને કેન્દ્ર સ્થાને રાખીને પાર-તાપી ઇન્ટર લિન્ક પ્રોજેક્ટને સ્થગિત રાખવાનો નિર્ણય હાથ ધરાયો છે જે બદલ મંત્રીએ રાજ્ય સરકાર વતી તમામનો આભાર માન્યો હતો.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત