
સુરત, 29 માર્ચ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં તૃતીય રાષ્ટ્રીય જળ પુરસ્કાર વિતરણ અને ‘ કેચ ધ રેઇન અભિયાન-2022 ‘નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રપતિ તેમજ કેન્દ્રીય જળ સંસાધન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના હસ્તે જળસંરક્ષણ, જળપ્રબંધનની શ્રેષ્ઠ કામગીરી કરનારા વ્યક્તિઓનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં સુરત જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ કલેક્ટર કચેરીથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર વાય.બી.ઝાલા, નાયબ વનસંરક્ષક પુનિત નૈયર સહિતના અધિકારીઓએ વર્ચ્યુલી જોડાઈને કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

નોંધનીય છે કે, વર્તમાન સમયમાં ભારતમાં દર વર્ષે 1100 બિલિયન ક્યુબિક મીટર પાણીની જરૂરિયાત રહે છે. જે વર્ષ 2050 સુધીમાં 1447 બિલિયન કયુબિક મીટર સુધી વધવાની સંભાવના છે. જળ એ દેશનું મહત્વપૂર્ણ સંસાધન છે. ભારત વિશ્વની કુલ વસ્તીના 18 ટકા આબાદી ધરાવે છે. જળ સમૃદ્ધ ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે દેશભરમાં વિવિધ રાજ્યો, જિલ્લા, વ્યક્તિઓ, સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના જળસંરક્ષણ, જળપ્રબંધનના પ્રેરક કાર્યો અને પ્રયાસોને પ્રોત્સાહિત કરવા વર્ષ 2018થી વિવિધ 11 કેટેગરીમાં કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય જળ પુરસ્કાર આપવામાં આવે છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત