
સુરત,31 માર્ચ : ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના 17 જિલ્લાઓમાં અપસ્કેલીંગ આપદા મિત્ર તાલીમ યોજના શરૂ કરવામાં આવી છે

આ યોજના હેઠળ સુરત જિલ્લાનો પણ સમાવેશ કરાયો છે. અપસ્કેલીંગ આપદા મિત્ર તાલીમ હેઠળ સુરત જિલ્લાના 200 જેટલા આપદા મિત્રોને ભરૂચ જિલ્લામાં સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ-વાલિયા ખાતે 12 દિવસની સઘન તાલીમ આપવામાં આવી હતી. કુદરતી કે માનવસર્જિત આપત્તિ વેળાએ કોઇપણ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ આપદા મિત્રોને સઘન તાલીમ આપવામાં આવી હતી. તાલીમાર્થીઓને રાહત, સહાય, પૂર, વાવાઝોડુ, ભૂકંપ, દુષ્કાળ, સુનામી જેવી આફત કે જોખમ સમયે વ્યવસ્થાપન, શોધ અને બચાવ/પ્રાથમિક સારવાર, જન જાગૃતિ જેવા પાસાઓથી તાલીમબદ્ધ કરવામાં આવ્યાં હતાં.

આમ, પૂર, વાવાઝોડા, ભૂકંપની આકસ્મિક પરિસ્થિતિના મુકાબલા માટે ‘આપદા મિત્રો’ જીવનરક્ષક બનશે. આપદા મિત્રની તાલીમ મેળવવા ઈચ્છુક વ્યક્તિઓ ગ્રુપ ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના કંટ્રોલ રૂમ નં. 0261-2663200 ઉપર સંપર્ક કરી શકે છે એમ જિલ્લા અધિકારી ડીપીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટની યાદીમાં જણાવાયું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત