
સુરત, 31 માર્ચ : રાજ્ય સરકારના રોજગાર અને તાલીમ વિભાગ હેઠળ કાર્યરત સુરત જિલ્લાની એક માત્ર મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા- ભીમરાડ ખાતે તાલીમાર્થીઓના કૌશલ્યને પ્રોત્સાહન મળી રહે તે માટે સ્વનિર્મિત કૃતિઓ, નમૂનાઓ અને ચાર્ટનું ‘ એક્ઝિબીશન-2022 ‘ યોજાયું હતું. જેમાં સંસ્થાના કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ફેશન ડિઝાઈન ટેકનોલોજી, ઈન્ટીરીયર ડેકોરેશન અને ડિઝાઈન, કોસ્મેટોલોજી, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર તેમજ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી સિસ્ટમ મેઈન્ટેનન્સ ટ્રેડના કુલ 112 મહિલા તાલીમાર્થીઓએ ભાગ લઈને હસ્તકલાકૃત્તિઓને પ્રદર્શિત કરી હતી.

પ્રદર્શનમાં વિવિધ ડ્રેસ, હાથવણાટ, એમ્બ્રોઈડરી વર્ક, પેઈન્ટિંગ, ડ્રોઈંગ, ફેન્સી માસ્ક, પોકેટ, પર્સ, વુલન ડ્રેસ, ફોટોફ્રેમ,ફર્નિચરના નમુના, નેચરલ મહેંદી, ફેસપેક, પર્યાવરણ જાગૃતિ, હ્રદય અને આંખની સમજ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, MRI મશીન, સુશોભન અને આભુષણ, આર્ટ એન્ડ ક્રાફ્ટની વિવિધ ચીજવસ્તુઓ, મોબાઈલ એપ સિક્યુરિટી, વાયરલેસ નેટવર્ક, સાયબર ક્રાઈમ, ઓનલાઈન બેંકિંગ જેવા વિષયો પરની કુલ 67 કૃતિઓ, ચાર્ટ પ્રદર્શિત કરવામાં આવ્યાં હતા. સંસ્થાના આચાર્યએ સંસ્થાની પ્રવૃત્તિઓ અને વ્યવસાયી કોર્ષ અંગે માહિતી આપી હતી.

આ પ્રસંગે સુરત રિજીયનના નાયબ નિયામક(તાલીમ) દક્ષા જોષી, ગામના અગ્રણીઓ, મહિલાઓ, તાલીમાર્થીઓના પરિજનો તથા સંસ્થાના ભુતપૂર્વ તાલીમાર્થી મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત