આદ્યશક્તિના ઉપાસના પર્વ એવા ચૈત્રી નવરાત્રીના પ્રારંભે જાણીએ ગાયત્રીમંત્રના રહસ્યો

ધર્મ
Spread the love

સુરત, 1 એપ્રિલ : સનાતન ધર્મમાં આદ્યશક્તિની ઉપાસનાનું અતિ મહત્વ છે.આપણે ત્યાં વર્ષ દરમ્યાન માતાજીની ઉપાસના માટે ચાર નવરાત્રી પર્વ આવે છે.તે પૈકી ચૈત્ર અને શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે. સોમવારથી હિન્દૂઓના નવા વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે.સમગ્ર દેશમાં અને ખાસ કરીને મહારાષ્ટ્ર અને જ્યાં જ્યાં પણ મહારાષ્ટ્રીયન સમાજ વસે છે ત્યાં આ દિવસે ગુડી પડવાના આ મહાપર્વને ભારે ઉત્સાહ અને આસ્થાસભર વાતવરણમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રી 2 એપ્રિલ, શનિવારથી શરૂ થઈ રહી છે અને 11 એપ્રિલે સોમવારે સમાપ્ત થશે. ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રીને ચૈત્ર નવરાત્રી અને પાનખરમાં આવતી નવરાત્રી શારદીય નવરાત્રી તરીકે ઓળખાય છે.2જી એપ્રિલથી જયારે ચૈત્ર મહિનાનો પ્રારંભ થઇ રહ્યો છે.ત્યારે, ચૈત્રી નવરાત્રીમાં માતાજીના ભક્તો વિવિધ પ્રકારે માં ને રીઝવવા અનેક પ્રકારે પૂજા-અર્ચના, ઉપાસના કરતા હોય છે.આ ચૈત્રી નવરાત્રી દરમિયાન અનેક લોકો માં ગાયત્રીનું અનુષ્ઠાન કરતા હોય છે. આ અનુષ્ઠાન મુજબ 9 દિવસમાં 24,000 ગાયત્રી મંત્ર કરવાના હોય છે. ત્યારે તો આ ગાયત્રી મંત્ર ખરેખર શું છે ? આવો જાણીએ શું છે આ ગાયત્રીમંત્રના રહસ્યો ?

આપણે ગાયત્રી મંત્રના રહસ્યો વિશે ચર્ચા કરતા સૌ પ્રથમ તો આ મંત્રનો અર્થ સમજી લઈશું એટલે એનું મહત્વ આપોઆપ સમજાઈ જશે. કોઈપણ મંત્રમાં પહેલો અક્ષર ૐ આવે છે. ૐ નો ઉચ્ચાર કરવાથી નાભીમાં આવેલા સૂર્યના મણીપુર ચક્રમાંથી નાદબ્રહ્મ બહાર આવે છે. ૐ નો ઉચ્ચાર કરવાથી તમે જે પણ મંત્ર એની સાથે બોલો છો એ અવાજનાં મોજાં સીધાં દિવ્ય ચેતના તરફ આગળ વધે છે. તમે ખાલી નમઃ શિવાય બોલો તો એ શબ્દોનો માત્ર શિવને નમસ્કાર કરું છું એટલો જ અર્થ થાય. પરંતુ આગળ ૐ બોલો તો એ મંત્ર બની જાય અને એ મંત્ર બ્રહ્માંડમાં સીધો દિવ્ય ચેતનાને સ્પર્શ કરે. દરેક મંત્રની સાથે ૐ જોડાય તો જ એનાં આંદોલનો બ્રહ્માંડમાં દિવ્ય ચેતના તરફ આગળ વધે !! ૐ એ મંત્ર રૂપી ટ્રેઈનનું એન્જિન છે જે મંત્રને બ્રહ્માંડમાં ઉપર લઈ જાય છે !


ગાયત્રી મંત્રના પહેલા ત્રણ શબ્દો ભૂર્ ભુવઃ સ્વઃ છે. બ્રહ્માંડમાં સાત ઊર્ધ્વલોક ની વાત કરી છે. આ સાત ઊર્ધ્વલોકમાં સૌથી પ્રથમ ત્રણ લોક એ ભૂર્ ભુવઃ અને સ્વઃ છે.જગતના મોટાભાગના જીવો મૃત્યુ પછી આ ત્રણ લોક સુધી જ ગતિ કરતા હોય છે. ત્રીજા લોક થી ઉપરના સાતમા લોક સુધીની યાત્રા કરવા માટે કુંડલિની જાગૃત હોવી જોઈએ. અને એ અનાહત ચક્ર અને એનાથી ઉપરનાં ચક્રો સુધી જવી જોઈએ. સાત લોક આપણાં સાત ચક્રો સાથે જ સીધે સીધાં જોડાયેલાં છે. ધ્યાનમાં બેસીને તમે જેટલાં ચક્ર સુધી પહોંચી શકો અને તમારાં જેટલાં ચક્રો ખુલી જાય એટલા લોકમાં જવાનો તમને અધિકાર મળે.તમે ધ્યાનમાં જો ત્રીજા ચક્ર મણીપુર ચક્ર સુધી જઈ શકતા હો તો મૃત્યુ પછી ત્રીજા લોક સુધી આરામથી જઈ શકો છો.

મોટાભાગના મૂઢ જીવો પહેલા બીજા ચક્રમાં જ રમે છે. જે ચક્રોમાં માત્ર ધન સંપત્તિ, કામ વાસના અને ખાવા પીવાનું જ લક્ષ્ય રહેતું હોય છે ! શરૂઆતનાં આ બે ચક્રો માત્ર માયાનાં છે. ત્રીજું ચક્ર સત્તાનું અને અધિકારનું છે.
પ્રથમ ત્રણ લોક એ બ્રહ્માંડનાં શરૂઆતનાં ત્રણ પગથિયાં છે. ગાયત્રીમંત્રમાં આ ત્રણ પગથિયાં થી ઉપર જવાની વાત છે.ગાયત્રી મંત્રનો સીધો સાદો ભાવાર્થ એટલો જ છે કે સમગ્ર બ્રહ્માંડમાં એટલે કે સાતેય લોકમાં પ્રકાશ અને ઉર્જા આપનારા એ પવિત્ર સૂર્યના દિવ્ય પ્રકાશનું અમે ધ્યાન ધરીએ છીએ કે જે અમારી બુદ્ધિને જાગૃત કરે. અમને માર્ગદર્શન આપે. અમારો હાથ પકડી અમારી ઉર્ધ્વગતિ કરે ! જોવાની ખૂબી એ છે કે ગાયત્રી મંત્ર માત્ર આધ્યાત્મિક પ્રગતિ નથી કરાવતો. પરંતુ એ માનવીના હૃદયમાં પેદા થતી તમામ ઈચ્છાઓની પૂર્તિ પણ કરે છે. કોઈપણ વસ્તુ આ મંત્રથી અશક્ય નથી. ગાયત્રી મંત્ર કામધેનુ છે. જે માંગો તે મળે છે.ગાયત્રીમંત્રની વિશેષતા એ છે કે ભોગો તો મળે જ કારણ કે આ બ્રહ્માંડ આખું જગદંબાની માયાથી વ્યાપ્ત છે પરંતુ સાથે સાથે અંદરથી આધ્યાત્મિકતા પણ પ્રગટે છે. એટલે ભોગોથી પહેલાં તૃપ્તિ થાય છે અને પછી ધીમે ધીમે અરુચિ થાય છે. જેમ જેમ ઉપર તમારી ગતિ થાય તેમ તેમ નીચેની વસ્તુઓ નાની અને નાની થતી જાય છે. તમારો દ્રષ્ટિકોણ વિશાળ બનતો જાય એટલે કેટલીક બાબતો જેની તમે જ ઈચ્છા કરી હતી તે ક્ષુલ્લક બનતી જાય. જ્ઞાન પ્રગટે એટલે અજ્ઞાન દૂર થાય. ગાયત્રી મંત્ર કોઈ ધર્મનો મંત્ર નથી.

સૂર્યની આ દિવ્ય પ્રકાશ શક્તિનું નામ ઋષિઓએ ગાયત્રી આપ્યું. ગાયત્રીનો મતલબ જેનું ગાન કરવાથી તરી જવાય.પૃથ્વી ઉપરનો કોઈપણ જીવ પછી તે ગમે તે ધર્મનો હોય સૂર્યનું ધ્યાન કરી શકે છે.સૂર્યનો આભાર માની શકે છે. સૂર્યને પ્રાર્થના કરી શકે છે.સૂર્ય પાસેથી પ્રકાશ અને માર્ગદર્શન માગી શકે છે. ગાયત્રી મંત્ર આપણી અંદર દીવા પ્રગટાવે છે એટલે આપણે શું કરવું એની અંતઃ પ્રેરણા થવા લાગે છે. ભવિષ્યમાં જે થવાનું હોય એની અગાઉથી સ્ફુરણા થવા લાગે છે. વાકસિદ્ધિ મળે છે. શરીરના તમામ કોષો નવપલ્લવિત થાય છે. એટલે તમામ રોગો દૂર થાય છે. ગીતામાં જે સ્થિતપ્રજ્ઞની વાત કરી છે એ સ્થિતપ્રજ્ઞતા હૃદયમાં પ્રગટવા લાગે છે એટલે આપણી આજુબાજુ બનતા બનાવોથી આપણે ડિસ્ટર્બ થતા નથી. એક ઘટનાક્રમ તરીકે સ્વીકારી લઈએ છીએ. આ પ્રત્યક્ષ અનુભવ છે ગાયત્રી મંત્રથી ચક્રો ધીમે ધીમે ખુલવા લાગે છે અને જેમ જેમ ઉપરનાં ચક્રો ખુલતાં જાય તેમ તેમ મૃત્યુ પછી આપણી ગતિ પણ ચોથા પાંચમા અને છઠ્ઠા લોક સુધીની થતી જાય છે. જ્યાં સુધી પૃથ્વી ઉપર છીએ ત્યાં સુધી ગાયત્રી મંત્ર સારા ભોગો પણ આપે છે. ગાયત્રી મંત્ર બ્રહ્માંડની પ્રાર્થના છે. ગાયત્રી મંત્ર દ્વારા આપણે યુનિવર્સ પાસે, બ્રહ્માંડ પાસે માર્ગદર્શન માગીએ છીએ. સૂર્ય એ પ્રત્યક્ષ નારાયણ છે ! તો આ છે આ મહામંત્રના રહસ્યો..

2જી એપ્રિલથી જયારે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે, સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવના સાથે માં આદ્યશક્તિના ચરણોમાં શત શત વંદન સાથે હિન્દૂઓના નવા વર્ષના પ્રારંભે સૌ વાંચક મિત્રોને ” અટલ રાષ્ટ્ર ન્યુઝ ” દ્વારા હાર્દિક શુભકામના

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *