
સુરત, 1 એપ્રિલ : સુરતની સચિન GIDC ખાતે ગત 6 જાન્યુ. 2022 ના રોજ વહેલી સવારે કેમિકલ લિકેજથી સર્જાયેલી આકસ્મિક દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 6 શ્રમિકોના પરિવારજનોને આજ રોજ સુરત સર્કિટ હાઉસ ખાતે કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી કુલ રૂ. 24 લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. પ્રત્યેક સ્વ.શ્રમિક દીઠ રૂ. 4 લાખની સહાયના ચેક અર્પણ કરી મંત્રીએ હતભાગી દિવંગતો પ્રતિ સંવેદના પ્રગટ કરી હતી. સાથોસાથ વિશ્વપ્રેમ ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ મિલ્સ, સચિન GIDCના માલિક વેદપ્રકાશ અગ્રવાલ દ્વારા પણ સંવેદના પ્રગટ કરતા પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂ. બે લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, સચિન GIDCની દુર્ઘટના દુઃખદ હતી. જેમાં નિધન પામેલા 6 શ્રમિકોના પરિવારો પ્રત્યે રાજ્ય સરકાર સંવેદનશીલ છે, ત્યારે સરકારે ઝડપી પ્રક્રિયા હાથ ધરી કુલ રૂ.24 લાખની સહાય મંજૂર કરી છે. ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન સર્જાય એ માટે પણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ઔદ્યોગિક એકમો સાથે યોગ્ય સંકલન જાળવવામાં આવશે. તેમણે સહાયના ચેકો મેળવનાર પરિવારજનોની સાથે રાજ્ય સરકાર ઊભી છે એમ હૈયાધારણા પણ આપી હતી.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઝંખના પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ સંદીપ દેસાઈ, સચિન નોટીફાઈડ એરિયાના ચેરમેન મહેન્દ્ર રામોલિયા, સહકારી અગ્રણી નરેશ પટેલ, મામલતદાર ભરત સક્સેના, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતી સહિત મૃતકોના પરિવારજનો, વારસદારો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત