પ્રદેશ અધ્યક્ષ પાટીલે આપ્યો મુખ્યમંત્રીની પ્રથમ 200 દિવસની કામગીરીનો વિસ્તૃત ચિતાર

પ્રાદેશિક
Spread the love

સુરત, 2 એપ્રિલ : રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રથમ 200 દિવસ સફળતાપૂર્વક સંપન્ન થયા છે. ત્યારે, આ સંદર્ભે સુરત શહેરના ઉધના સ્થિત “પંડિત દીનદયાલ ભવન” ખાતે આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ મુખ્યમંત્રીના નેતૃત્વ તળે કરવામાં આવેલી કામગીરીની ઉપસ્થિત મીડિયા સમક્ષ વિસ્તૃત ચિતાર રજૂ કર્યો હતો.

આદરણીય પ્રદેશ અધ્યક્ષ પાટીલે જણાવ્યું હતું કે ધરતીપુત્રોની જમીન વધુ ફળદ્રુપ બને અને રાસાયણિક ખાતરોથી જમીનને થતા નુકશાનને અટકાવવા માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય આપી ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડની રચના કરવામાં આવી છે. ગુજરાતના ડાંગ જિલ્લાને 100 ટકા પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના માછીમારો માટે રૂ.275 કરોડનું આર્થિક પેકેઝ જાહેર કરીને મત્યસ્ય ખેડૂતોની પડખે ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલ સરકાર ઉભી રહી છે. સરકારે “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” શરૂ કરી છે.જેના માટે ૫૦૦ કરોડ રૂપિયાની બજેટમા જોગવાઇ કરી છે.રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ મેળવવામાં એક સૂત્રતા જળવાય એ માટે ‘ડિજિટલ ગુજરાત’ અન્વયે આવકના પ્રમાણપત્રો ગ્રામ્યકક્ષાએ તલાટી-કમ-મંત્રી દ્વારા ઈ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્ર પરથી કાઢી આપવામાં આવે છે.અનુસૂચિત જાતિના1.14 લાખ વિદ્યાર્થીઓને રૂ. 196.23 કરોડની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ આપવામાં આવી. ભિક્ષા નહીં શિક્ષાના મંત્ર સાથે શહેરના સિગ્નલ પાસે ભિક્ષાવૃત્તિ કરતા કે અધવચ્ચે શાળા છોડી ગયેલા દરિદ્ર બાળકોને શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે‘સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં આ પ્રોજેક્ટ માટે 30થી વધુ મોબાઈલ સ્કૂલ બસનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે.

નારી શક્તિનું સન્માન અને મહિલા સશક્તિકરણને આપવામાં આવેલા પ્રાધાન્ય અંગે વિસ્તૃત જાણકારી આપતા પાટીલે જણાવ્યું હતું કે“એક હજાર દિવસની સંભાળ – સ્વસ્થ રહે માતા અને બાળ” આ મંત્ર સાથે સુપોષિત માતા – સ્વસ્થ બાળ યોજના શરૂ કરી છે. જેમાં સગર્ભા અને ધાત્રી માતા તથા બાળકને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે એક હજાર દિવસ સુધી પ્રતિ માસ 1 કિલો તુવેરદાળ, 2 કિલો ચણા અને 1 લિટર ખાદ્ય તેલ વિનામુલ્યે આપવામાં આવશે. જે માટે બજેટમાં 850કરોડ રૂપિયાની માતબર રકમની ફાળવણી કરી છે.

યુવા વિકાસ અને યુવાનોના કૌશલ્ય નિર્માણમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે જાણકારી આપતા પ્રદેશ અધ્યક્ષએ જણાવ્યું હતું કે બાળકોમાં સંસ્કાર સિચનને પ્રાધાન્ય આપવા માટે શિક્ષણમાં ભાગવતગીતાનો સમાવેશ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. નવી શિક્ષણનીતિના દિશાદર્શનના રોડ મેપ અને Student Startup and Innovation Policy 2.0 નું લોન્ચિંગ થયું. જે અંતર્ગત સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર આ નીતિ અન્વયે આર્થિક સહાય આપે છે. આઇ.ટી. ક્ષેત્રમાં વર્ષે 25 હજાર કરોડની નિકાસના લક્ષ્ય સાથે ગુજરાતમાં I.T. અને IteS પોલિસી 2022 જાહેર કરવામા આવી છે. તેના લીધે આગામી પાંચ વર્ષમાં 1 લાખ નવી રોજગારીની તકો રાજ્યમાં નિર્માણ થશે. ગુજરાત સરકાર દ્વારા બાયોટેકનોલોજી પોલિસી 2022-27 ની જાહેરાત કરવામાં આવી છે. આ નવી બાયોટેકનોલોજી પોલિસી ઇકો સિસ્ટમને વધુ મજબૂત બનાવશે.

200 દિવસમાં જન જનના સ્વાસ્થ્ય સુરક્ષા અંગે કરવામાં આવેલી કામગીરી અંગે જાણકારી આપતા તેમણે જણાવ્યું હતું કે એર એમ્બ્યુલન્સ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. કોરોના વિરોધી રસીકરણ ઝુંબેશમાં સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. હવે રાજ્યમાં 12-14 વર્ષની વયના બાળકોનું રસીકરણ અભિયાન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, અને અત્યાર સુધીમાં (તારીખ 24 માર્ચ, 2022ની સ્થિતિએ) 9 લાખથી વધુ બાળકોને કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.
જળ વ્યવસ્થાપનમાં કરવામાં આવેલી કામગીરી અંગે પ્રદેશ અધ્યક્ષ પાટીલે જણાવ્યું હતું કે નલ સે જલ કાર્યક્રમમાં 93 ટકા કામગીરીપૂર્ણ થઇ છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાનાં પાણીની વ્ય્વસ્થા સુદ્રઢ કરવા માટેના વડા-બોટાદ-ગઢડા ચાવંડ અને બુધેલથી બોરડા સુધીની 143 કિલોમીટર બલ્ક પાઇપલાઇનના કામ માટે બજેટમાં રૂપિયા 310 કરોડની માતબર રકમની જોગવાઇ કરવામાં આવી છે.ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં શિરમોર રહ્યું છે. ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો અને બેટરીના મેન્યુફેક્ચરિંગ માટે જાપાનની પ્રમુખ ઓટોમોબાઈલ કંપની સુઝુકી મોટર્સ કોર્પોરેશન (SMC) એ ગુજરાત સરકાર સાથે MoU સાઇન કર્યા. આ માટે સુઝુકી ગુજરાતમાં રૂ.10,400 કરોડના રોકાણો કરશે. ગુજરાતને નેટ ઝીરો કાર્બન ફ્રી બનાવવાના હેતુ સાથે ગ્રીન એનેર્જી ક્ષેત્રમાં ૫ લાખ કરોડથી વધુનો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સાથે એમ.ઓ.યુ. થયા. જે અંદાજિત 10 લાખ રોજગારીનું સર્જન કરશે.ગુજરાતના મુન્દ્રામાં પર્યાવરણ-મૈત્રી પૂર્ણ એકીકૃત સ્ટીલ મિલની સ્થાપના તેમજ અન્ય વ્યવસાયોમાં વ્યાપક તકોનું નિર્માણ થશે.વાયબ્રન્ટ ઇન્ડસ્ટ્રિયલ પાર્કે એક ઔદ્યોગિક પાર્ક સ્થાપિત કરવા માટે રૂ. 4500 કરોડના એમ.ઓ.યુ. સાઇન કર્યા છે, જ્યાં કેમિકલ, ફાર્માસ્યુટિકલ, પેપર, ટેક્સટાઇલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં 350 ઔદ્યોગિક એકમો સ્થપાશે અને નવી રોજગારી તકોનું સર્જન થશે. ડિફેન્સ રીચર્સ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે સેન્ટર ઓફ એક્સલેન્સ માટે રૂ. 100 કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે.

મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રીના પ્રજાલક્ષી કાર્યક્રમો અંગે પ્રદેશ અધ્યક્ષ પાટીલે જણાવ્યું હતું કે સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત સાત તબક્કામાં 2.46 કરોડ કરતા વધુ અરજીઓ પૈકી 99.87 ટકા અરજીઓનો સ્થળ ઉપર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. આપણું ગામ, આપણું ગૌરવ – ગુજરાત પંચાયત મહાસંમેલનનું આયોજન થયું. જેમાં સમગ્ર રાજ્યના પંચાયતના પ્રતિનિધિઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2023 સુધીમાં ગામડાઓને સમૃદ્ધ અને સમર્થ બનાવવા ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. ભૂપેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું 2 લાખ 44 હજાર કરોડનું આ બજેટ પ્રસ્તૂત થયુ. પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં સૂર પુરાવતું 17 હજાર કરોડના વધારા સાથે અને કોઇ જ નવા કરવેરા વિનાનું પૂરાંતવાળું આ બજેટ રજૂ થયું. “નમો વડ વન’ અન્વયે રાજ્યના 33 જિલ્લાઓમાં 75 વડવન સ્થપાશે અને પ્રત્યેક વનમાં 75 વડ વૃક્ષનું વાવેતર વન વિભાગ કરશે. રાજ્યના જાહેર સ્થળો ઉપરના લખાણને ફરજિયાત ગુજરાતી ભાષામાં લખવાનો મહત્વપૂર્ણ અને પારદર્શક નિર્ણય. રાજ્યના 4 હજાર ગામોમાં મફત વાઇફાઇ સુવિધા પુરી પાડવામાં આવશે. યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા અન્વયે ભારત પરત લાવવામાં આવતા મુંબઇ અને દિલ્હી હવાઇમથકેથી ગુજરાતમાં તેમના નિવાસસ્થાને પહોંચાડવા માટેની સુદૃઢ ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા કરવામાં આવી. લેન્ડ રેવન્યુ કોડની કલમ 73-એની મંજુરીની પ્રક્રિયાઓ ઓનલાઇન કરીને વધુ પારદર્શક બનાવાઇ.
સમગ્ર દેશમાં ગુજરાત વિકાસની દ્રષ્ટીએ અવ્વલ રહ્યું છે ત્યારે રાજ્યની વિવિધ સિદ્ધિઓ અંગે વિસ્તૃત જાણકારી આપતા પ્રદેશ અધ્યક્ષ પાટીલે જણાવ્યું હતું કે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પ્રસિદ્ધ કરેલા લોજિસ્ટિક્સ ઇઝ એક્રોસ ધ સ્ટેટ (LEADS) – 2021માં ગુજરાત પ્રથમ છે. નીતિ આયોગ દ્વારા જાહેર એક્સપોર્ટ કોમ્પિટેટીવનેસ ઇન્ડેક્સ 2020 મુજ્બ નિકાસ ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત નંબર એક પર છે. નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ નાણાકીય વ્યવસ્થાપનના માપદંડોમાં ગુજરાત દેશમાં સર્વ પ્રથમ છે. ભારત સરકારના ડી.એ.આર.પી.જી દ્વારા જાહેર કરવામાં આવેલ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ગુજરાત દેશમાં સર્વ પ્રથમ છે.

આ પત્રકાર પરીષદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ઉપાધ્યક્ષ જનક બગદાણાવાળા, પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ, સુરત શહેર અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા, મહામંત્રી મુકેશ દલાલ, કિશોર બિંદ્લ, કાળુ ભીમનાથ, મેયર હેમાલી બોઘાવાલા, ધારાસભ્યો તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *