
સુરત, 2 એપ્રિલ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતી અખબારી યાદીમાં જણાવે છે કે, ચેમ્બરના ઈતિહાસમાં પ્રથમ વખત કોઇપણ ઇલેકટ્રીસિટી ટેરિફ પીટીશનનો સીધો વિરોધ પ્રથમ વખત કરવામાં આવ્યો છે. જેમાં ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા વર્ષ 2022–2023 માટે ટેરિફની મંજૂરી માટે દાખલ કરવામાં આવેલી ટેરિફ પિટિશન સામે ચેમ્બર અને સુરત સિટીઝન કાઉન્સીલ દ્વારા સંયુકત રીતે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને તેમાં સફળતા મળી છે. દર વખતે ઇલેકટ્રીસિટી ટેરિફ પીટીશનનો વિરોધ કરવાની ભૂમિકા સુરત સિટીઝન કાઉન્સિલ દ્વારા એકલા જ ભજવવામાં આવતી હતી. ટોરેન્ટ પાવર લિમિટેડે તેની ટેરિફ પિટિશન નંબર 2034/2021 દ્વારા ગુજરાત એનર્જી રેગ્યુલેટરી કમિશનને વિનંતી કરી હતી કે, (1) FPPPA દરમાં પ્રતિ યુનિટ રૂપિયા 2.22 ની માંગ કરવામાં આવી હતી, હાલના દરથી 84 પૈસા પ્રતિ યુનિટ વધારે હતી (2) 4.5 % ની ડિસ્ટ્રીબ્યુશન લોસ મંજૂર કરવી. (3) સુરત વિતરણ વિસ્તારની વીજ ખરીદ કિંમતની મંજૂરી (4) રેગ્યુલેટરી ચાર્જ તરીકે પ્રતિ યુનિટ 17 પૈસા, બે વર્ષ માટે વસૂલ કરવા પરવાનગી અને (5) 50 પૈસાનો વધારાનો ગ્રીન ટેરિફ મંજૂર કરવા વિગેરે બાબતે પિટીશન કરી હતી.

ટોરેન્ટની ઉપરોક્ત તમામ માંગણીઓનો ચેમ્બર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ચેમ્બર દ્વારા ગુજરાત એનર્જી રેગ્યુલેટરી કમિશનને લેખિતમાં કરવામાં આવેલા વિરોધમાં જણાવવામાં આવ્યું હતું કે (1) FPPPA દરમાં કોઇપણ વધારો મંજૂર કરવો જોઇએ નહીં. કારણ કે, ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા માંગવામાં આવેલ પાવર ખરીદ ખર્ચ સ્પર્ધાત્મક સ્ત્રોતો દ્વારા થયો નથી. (2) ટોરેન્ટ પાવર લિમિટેડ સુરતની ગયા વર્ષની ડિસ્ટ્રીબ્યુશન લોસના મેળવેલા આંકડા કરતા વધુ ડિસ્ટ્રીબ્યુશન લોસ માટે મંજૂરી આપવી નહીં. (3) ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા તેની પિટીશનમાં જે પાવર પરચેઝ મેટ્રિકસ સબમિટ કરવામાં આવેલ છે તેને બદલવો પડશે અને જેમાં રિન્યુએબલ એનર્જીના સ્ત્રોતોમાંથી તેની કુલ પાવર ખરીદીમાં વધારોમાં ફરજ પાડવામાં આવે તેવી માંગણી ચેમ્બર દ્વારા કરવામાં આવી હતી.
ચેમ્બર દ્વારા દાખલ કરવામાં આવેલા ઉપરોકત વાંધાના આધારે, જીઇઆરસી દ્વારા તા. 31 માર્ચ, 2022ના રોજના તેના આદેશ દ્વારા ચેમ્બરના તમામ સૂચનોનો તેમના ઓર્ડરમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે.
(1) ટોરેન્ટ પાવર લિમિટેડ – સુરતની FPPPA ની રૂપિયા 2.22ની માંગની સામે રૂપિયા 1.48 નો દર મંજૂર કરવામાં આવ્યો.
(ર) ટોરેન્ટ પાવર લિમિટેડની ડિસ્ટ્રીબ્યુશન લોસની 4.5 % માંગ સામે માત્ર 3.54 % નો લોસ જ મંજૂર કરવામાં આવ્યો.
(૩) જીઇઆરસી દ્વારા ટોરેન્ટના પાવર પરચેસ મેટ્રિકસમાં બદલાવનું સૂચન કરવામાં આવ્યું અને તેના થકી તેની કુલ ઉર્જાની જરૂરિયાતની સામે 17 % જેટલી ઊર્જાને રિન્યુએબલ સ્ત્રોતોમાંથી ખરીદ કરવાનો ઓર્ડર પાસ કરવામાં આવ્યો છે, ટોરેન્ટ દ્વારા તેની ટેરિફ પિટિશનમાં આ આંકડો 13 % નો હતો, જેને વધારવા માટે ચેમ્બર દ્વારા માંગ કરાઇ હતી.
અંતે, ચેમ્બર દ્વારા પડકારવામાં આવેલી ટોરેન્ટની ટેરિફ પિટિશનના કારણે ગુજરાત એનર્જી રેગ્યુલેટરી કમિશન દ્વારા ટોરેન્ટ પાવર લિમીટેડ સુરતની નાણાંકીય વર્ષ 2022–23 માટે એન્યુઅલ રેવેન્યુ રિકવાયરમેન્ટમાં રૂપિયા 311.1કરોડનો ઘટાડો કર્યો છે. ટોરેન્ટ પાવર લિમીટેડ દ્વારા તેની પિટિશનમાં સુરત ડિસ્ટ્રીબ્યુશન એરિયા માટે એન્યુઅલ રેવન્યુ રિકવાયરમેન્ટ રૂપિયા 2379.92 કરોડની માંગણી કરાઇ હતી. જેની સામે જીઇઆરસી દ્વારા રૂપિયા 2068.82 કરોડ મંજૂર કરાયા છે. આમ ચેમ્બરના હસ્તક્ષેપથી સુરતના ટોરેન્ટ પાવર લિમિટેડના ગ્રાહકોના રૂપિયા 311.1કરોડની બચત થઇ છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત