
સુરત, 2 એપ્રિલ : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્લેટિનમ હોલ સરસાણા એક્ઝિબિશન સેન્ટર ખાતે BNI ગ્રેટર-સુરત દ્વારા વ્યાવસાયિકો અને ઉદ્યોગસાહસિકોને ઉમદા પ્લેટફોર્મ મળી રહે એ માટે તા.2 થી 3 એપ્રિલ દરમિયાન આયોજિત ‘સુરત બિઝફેસ્ટ’ને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરત શહેર હીરા અને ટેક્ષટાઈલ ક્ષેત્રે ભારત સહિત સમગ્ર વિશ્વમાં વર્ચસ્વ ધરાવે છે. સુરતના વ્યવસાયકારોએ છેલ્લા પાંચ વર્ષમાં નોંધપાત્ર વિકાસ કરીને વૈશ્વિક સ્તરે નામના મેળવી છે. તેમણે વ્યાપારીઓને ટીમવર્કથી કાર્ય કરવાના ઉત્સાહવર્ધક અને ઝડપી પરિણામ મળતા હોવાનું જણાવી પરસ્પર સહયોગી બની ‘ટીમ સુરત’ સમૂહભાવનાથી આગળ વધવા અનુરોધ કર્યો હતો. ગુજરાતના લોકો પ્રતિભાવાન છે, ત્યારે છેવાડાના ગામડાઓમાં વસતા કુશળ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા ખેલમહાકુંભ આશીર્વાદરૂપ બન્યો છે. આ વર્ષે ખેલમહાકુંભમાં 56 લાખ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જે દર્શાવે છે કે ગુજરાતના યુવાનોમાં ટેલેન્ટની કોઈ કમી નથી. આવા પ્રતિભાશાળી યુવાનોને યોગ્ય દિશાદર્શન અને માર્ગદર્શન આપવા માટે આગામી દિવસોમાં સુરતમાં રૂ.210 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્તરનું અત્યાધુનિક હાઈપરફોર્મન્સ ‘સ્પોર્ટસ ટ્રેનિંગ સેન્ટર’ સાકાર કરવામાં આવશે. જેનાથી રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા સ્પર્ધકોને સ્પોર્ટસ ફેસિલિટી ઉપલબ્ધ થશે એમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીએ રાજ્ય સરકારની નવી આઈટી પોલિસીથી વાકેફ થઈને તેનો લાભ લેવા જણાવી ટેક્ષટાઈલ અને ડાયમંડ વ્યવસાયકારોની કોઈ પણ સમસ્યાઓના નિવારણ માટે સરકાર હરહંમેશ તત્પર હોવાનું કહ્યું હતું. એક પરિવારની માફક BNI ગ્રેટર અનેક ક્ષેત્રના વ્યવસાયકારોને સાથે લઇ કાર્ય કરી રહ્યું હોવાનું જણાવી અભિનંદન પાઠવ્યા હતા, અને ઉપસ્થિત સૌને જીવનને સતત પરિવર્તિત કરી નવી દિશા અને નવા વિચારો અપનાવવા પર મંત્રીએ ભાર મૂક્યો હતો. તેમણે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સ, વાહન સંબંધિત સેવાઓ જેવી અનેકવિધ કામગીરીને ડિજિટલ કરવાની દિશામાં રિસર્ચ પ્રોગ્રામનું કાર્ય પ્રગતિમાં હોવાનું પણ જણાવ્યું હતું.

આ પ્રસંગે BNI ગ્રેટર-સુરતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગૌરવ સિંઘવી સહિત વ્યાવસાયિકો અને ઉદ્યોગસાહસિકો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત