
સુરત, 3 એપ્રિલ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા સુરત શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલ રાજપુતના માર્ગદર્શન હેઠળ સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિરમાં પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ, શહેરીજનોએ ભ્રસ્તીકા, કપાલભાતિ,અનુલોમ-વિલોમ અને પ્રાણાયામ સહીત વિવિધ યોગાસનો કરી શરીરને તંદુરસ્ત રાખવાના સંકલ્પ લીધા હતા.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપુતએ યોગને ભારતીય સંસ્કૃતિની દેન ગણાવી યોગથી શરીરને થતા વિવિધ ફાયદાઓથી લોકોને માહિતગાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, યોગ એક કલ્પવૃક્ષ છે તેમજ ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ તરફ લઇ જતું માધ્યમ છે. હાલ ગુજરાતમાં 60,000થી વધુ યોગકેન્દ્રો કાર્યરત છે. તેમણે દેશને નશામુક્ત અને રોગમુક્ત કરવા તેમજ ભારતને વિશ્વગુરૂ બનાવવા યોગ એક મહત્વની ભૂમિકા ભજવશે તેમ કહ્યું હતું.

યોગ શિબિરમાં ઉપસ્થિત રહેલા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, યોગના માધ્યમથી નાગરિકો તંદુરસ્ત અને નિરોગી જીવન જીવી શકે છે. યોગ પ્રત્યે લોકોનો રસ જોતા આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા યોગ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માગતા યુવાનો માટે ભવિષ્યમાં અનેક તકો ઉભી કરવામાં આવશે. આ વર્ષે યોજાયેલો ખેલમહાકુંભમાં સૌપ્રથમ વાર યોગ સ્પર્ધાને સ્થાન અપાયું હતું જેમાં 80,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. તેમણે યોગાની વિશ્વવિખ્યાત ખ્યાતી આપવા બદ્દલ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો. ગૃહમંત્રીએ વધુમાં સુરત શહેરના તમામ લોકોને પોતાની સોસાયટી કે બાગ-બગીચામાં નિયમિત યોગાના કાર્યક્રમોનું આયોજન કરી હંમેશા સ્વસ્થ રહેવાનો સંદેશો પાઠવ્યો હતો.

યોગશિબિરમાં ઉપસ્થિત સુરત શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, શહેરના લોકો યોગ જેવા કાર્યક્રમોમાં વધુ સંખ્યામાં જોડાય અને નિયમિત યોગ કરે તે જરૂરી છે. આ કાર્યક્રમમાં સુરતની ‘રબર ગર્લ’ તરીકે વિખ્યાત અન્વી ઝાંઝરૂકિયાએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું. તેને વિવિધ યોગમુદ્રાઓનું પ્રદર્શન કરી હાજર તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ અવસરે પોલીસની મહિલા ‘She’ ટીમ દ્વારા શહેરમાં મહિલા સ્વ-બચાવને અનુલક્ષી અનેક તકનિકો દર્શાવવામાં આવી હતી.આ પ્રસંગે સુરત શહેર પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, વિવિધ યોગ સંસ્થાના સંચાલકો તેમજ યોગ શિક્ષકો અને અલગ અલગ શાળાના વિધાર્થીઓ સહીત અનેક યોગપ્રેમી શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત