
સુરત, 3 એપ્રિલ : સુરત રેન્જ પોલીસ પ્રેરિત અને સુરત જિલ્લા પોલીસ દ્વારા કામરેજ ખાતે નવનિર્મિત ‘બાળ સંભાળ કેન્દ્ર’ (ડે કેર સેન્ટર) તેમજ ‘ગામદૂત યોજના’નો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ કરાયો હતો.

કામરેજના દલપત રામા ભવન, રામકબીર કેમ્પસ ખાતે આયોજિત સમારોહમાં ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ જવાનોની ફરજ સાથે સેવાભાવનાને બિરદાવતા જણાવ્યું હતું કે,’ બાળકો માટે ડે કેર સેન્ટર એ સુરત જિલ્લા પોલીસનો નવતર પ્રયોગ અને સમાજ પ્રત્યે ઉત્તરદાયિત્વ માટેની ઉમદા પહેલ છે. ગરીબ પરિવારના શ્રમિકો રોજગારી અર્થે જતા હોઈ, બાળકો સાથે કોઈ અઘટિત બનાવ ન બને એ માટે બાળ સંભાળ કેન્દ્રની શરૂઆત પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં પોલીસ મહિલાકર્મીઓ શ્રમિકોના બાળકોની સારસંભાળ રાખશે. જેનાથી ગરીબ શ્રમિકોના બાળકોને સુરક્ષા છત્ર મળશે. પોલીસ વિભાગ હંરહંમેશા લોકોની સેવા માટે જ કાર્યરત છે, એ આજે સાર્થક થયું છે એમ મંત્રીએ આ પહેલની બિરદાવતા કહ્યું હતું.

વઘુમાં મંત્રીએ કહ્યું હતું કે,’સામાન્યજનને શાંતિ અને સુરક્ષાનો અહેસાસ કરાવતા પોલીસ જવાનો વરસાદ, તડકો કે ઠંડી હોય, પરિવારમાં શુભ કે અશુભ પ્રસંગ હોય તો પણ પોતાની ફરજને પ્રાધાન્ય આપે છે. સમાજને જ પોતાનો પરિવાર ગણીને ફરજ નિભાવે છે. જ્યારે આપણે ગત દિવાળી પર પરિવારજનો સાથે ઉત્સવ મનાવી રહ્યા હતા, ત્યારે આપણા સુરતના પોલીસ જવાનો પાંડેસરામાં થયેલા રેપ કેસના આરોપીને શોધી રહ્યા હતા અને ગણતરીના સમયમાં આરોપીને પકડીને જેલ હવાલે કરી પરિવારને ન્યાય અપાવ્યો હતો એમ જણાવતાં પોલીસના સમર્પણ અને ત્યાગની ભાવનાની સરાહના કરી સૌ પોલીસકર્મીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

સુરત રેન્જના અધિક પોલીસ મહાનિદેશક ડો.એસ.પી.રાજકુમારે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રક્ષા વિશ્વ વિદ્યાલયના પ્રથમ દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પોલીસ અને સશસ્ત્રદળના યુનિફોર્મને શક્તિ કે સત્તાના રૂપમાં ન જોવા શીખ આપી હતી. પોલીસકર્મીઓના યુનિફોર્મની ઈજ્જત ત્યારે વધે છે, જયારે તેમનામાં માનવતા જીવિત હોય.પોલીસ-પ્રજા વચ્ચેના સમન્વય હોવો જરૂરી છે. પોલીસ જવાનો સતત લોકોના સીધા સંપર્કમાં આવતા હોવાને કારણે તેમની કામગીરી, આચરણ અને વર્તનના આધારે સમગ્ર પોલીસ વિભાગની છબીનું નિર્માણ થાય છે. જેથી પોલીસ વિભાગ દ્વારા “ગામદૂત યોજના” થકી પોલીસ કર્મચારીઓ દરેક ગામોની મુલાકાત લઈ પ્રજાપ્રશ્નોનો નિકાલ કરી લોકોનો વિશ્વાસ જીતશે.

જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડાએ જણાવ્યું હતું કે, કડોદરા વિસ્તારમાં પ્રરપ્રાંતિય વસ્તી વધારે હોવાથી માતા-પિતા બંને આજીવિકા માટે નોકરી કરતાં હોય એવું જોવા મળે છે, ત્યારે માતાપિતાની ગેરહાજરીમાં ઘરે એકલા બાળકો સાથે બનતા અઘટિત બનાવોને નિવારવા જિલ્લા પોલીસનું ‘બાળ સંભાળ કેન્દ્ર’ આશીર્વાદરૂપ બની રહેશે. જેમાં હાલ 68 બાળકોની સંભાળ રાખવામાં આવી રહી છે.આ પહેલથી સ્થાનિક ગરીબ પરિવારના દંપતિઓ બાળકોની સુરક્ષાથી ચિંતામુક્ત થયા છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલ, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, ધારાસભ્ય ઈશ્વર પરમાર, વી.ડી.ઝાલાવાડીયા,મોહન ઢોડીયા સહિત નગરજનો અને પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત