સુરત : દીકરીના જન્મના કારણે સાસરિયાઓ દ્વારા બેઘર કરાયેલી પરીણિતાની વ્હારે આવી અભયમ ટીમ

સ્થાનિક
Spread the love

સુરત, 3 એપ્રિલ : સુરતના રાંદેર વિસ્તારમાંથી એક પરીણિતાનો 181 મહિલા હેલ્પલાઈનમાં કોલ આવ્યો કે પોતાની કૂખે દિકરીનો જન્મ થતા સાસરિયાઓએ ઘર બહાર કાઢી મૂકી છે, જેથી મદદરૂપ બનવા અપીલ કરતા કતારગામ અભયમ મહિલા રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમે સાસરી પક્ષના સભ્યોનું સમજાવટ સાથે અસરકારક કાઉન્સેલિંગ કરતા તેમને ભૂલ સમજાઈ હતી અને બાળકી સહિત પરીણિતાને ફરીથી અપનાવી લીધી હતી.
વિગતો મુજબ રાંદેરના પરિવારની પુત્રવધૂ યાસ્મિનબાનુ (નામ બદલ્યું છે)ને દિકરીનો જન્મ થતાં સાસુએ તેની સાથે ઝઘડો કરતા કહ્યું હતું કે, મને તો દીકરાની આશા હતી, પરંતુ તેં દીકરીને જન્મ આપ્યો જે અમને સ્વીકાર્ય નથી, આમ કહી ઘર બહાર કાઢી મૂકી હતી, અને દરવાજાને તાળું મારી દીધું હતું. જેથી પરિણીતા રસ્તા પર આવી જતા તેણે 181 મહિલા હેલ્પલાઈનમાં કોલ કરી પોતાની આપવિતી જણાવી મદદ માંગી હતી.

અભયમ ટીમે દર્શાવેલા સ્થળ પર પહોંચીને સાસરીવાળાઓને સમજાવ્યું કે, પુત્રવધુને ત્રાસ આપવો એ કાયદાકીય અને સામાજિક અપરાધ છે, જેના માટે જેલની સજા પણ થઈ શકે છે. પરિવારમાં સૌને અનુકૂળ થઈ પરસ્પર ગરિમા સાચવવાની અને દીકરો-દીકરી એક સમાન છે એવી સમજ આપી હતી. તેમજ દીકરી કે દીકરાને જન્મ આપવો એ સ્ત્રીના હાથમાં નથી. આજે આધુનિક યુગમાં દીકરીઓ દીકરા કરતા પણ સવાયી બની દેશ દુનિયામાં નામના મેળવી રહી છે. અભયમ ટીમની અસરકારક સમજાવટથી સાસરી પક્ષે પોતાની ભૂલ કબૂલી હતી, તેમજ બાળકી અને પુત્રવધૂની કાળજી સાથે સારસંભાળ રાખશે તેવી ખાતરી આપી હતી.આમ, ગેરમાન્યતાથી દોરવાયેલા આ પરિવારને અભયમે યોગ્ય રાહ દેખાડી પારિવારિક ઝઘડાનું સુખદ સમાધાન કરાવવામાં સફળતા મળી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *