
સુરત, 3 એપ્રિલ : સુરત પુણાગામ ખાતે આગામી 17 એપ્રિલના રોજ ગુજરાત વિકાસ સમિતી દ્વારા 21 મો ગૃહલક્ષ્મી સંસ્કાર સમારોહ યોજાશે. આ સમૂહલગ્ન માં 51 યુગલો પ્રભુતામાં ડગ માંડશે.સમિતિએ છેલ્લા 21 વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહલગ્ન કરીને 1000થી વધુ દિકરીઓને સાસરે વળાવી છે.આ સમૂહલગ્ન સમારોહ નિમિત્તે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, જેમના લગ્ન થવાના છે તેવા 51 યુગલો અને તેના માતા-પિતા સહિતના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર આયોજન અંગે અંગે સમિતીના અગ્રણી પ્રવીણ ભાલાળાએ જણાવ્યુ હતુ કે 17 એપ્રિલના રોજ યોજાનાર સમુહ લગ્નનુ નામ ગૃહલક્ષ્મી રખાયુ છે. અને દરેક દિકરીઓને દાતાઓ અને સંસ્થા તરફથી કન્યાદાનમાં ગાદી, બેડ, કબાટ, ખુરશી, પંખા, ટીપાઈ સહીતની 125થી વધુ ઘર વખરીની વસ્તુઓ લગ્નના દિવસે અર્પણ કરવામાં આવશે.
બેઠકમાં ઉપસ્થિત અગ્રણી સમાજસેવી ડો.પ્રફુલ્લ શિરોયાએ જણાવ્યુ હતુ કે સમૂહલગ્ન પહેલા આજે પુણાગામ ખાતે 51 યુગલોના 102 પરીવારોની ઉપસ્થીતીમાં મંથન કાર્યક્રમ યોજી થેલેસેમીયા અંગે તેઓને જાગૃત કરવામાં આવ્યા હતા. દરેક લોકોને સમજાવ્યા હતા કે લગ્ન બાદ થેલેસેમીયા ગ્રસ્ત બાળક ન જન્મે તે માટે વર્તમાન સમયમાં લગ્ન પહેલા કુડળી મેળવવા કરતા બ્લડ (મેજરમાઈનોર) મેળવવુ ખૂબ જરૂરી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત