સુરત : દંપતિના છૂટાછેડાના નિર્ણયમાં સમાધાન કરાવી દોઢ વર્ષના લગ્ન જીવનને તૂટતા બચાવતી અભયમ હેલ્પલાઈન

સ્થાનિક
Spread the love

સુરત, 5 એપ્રિલ : અભયમ 181મહિલા હેલ્પલાઈને પારિવારિક ઝઘડાથી છૂટાછેડા કરવાની અણી પર ઉભેલા દંપતિનું સફળ કાઉન્સેલિંગ કરી દોઢ વર્ષના લગ્નજીવનને તૂટતા બચાવવામાં સરાહનીય ભૂમિકા ભજવી હતી. પતિની હેરાનગતિથી છુટાછેડા લેવા માંગતી પરિણીતાને યોગ્ય સમજ આપી કતારગામ અભયમ ટીમે પત્નિ,પતિ અને સાસુના પરિવારના માળાને વીંખાતા બચાવ્યો હતો. સુરતના રિમા અને સુકેશ( નામ બદલ્યા છે)ના દોઢ વર્ષ પહેલાં લગ્નના બંધને બંધાયા હતાં. તેમને પાંચ મહિનાની દીકરી પણ છે. છેલ્લાં કેટલાક મહિનાઓથી રિમાના સાસુ અને પતિ ઘરની નાની નાની બાબતમાં ઝઘડો કરી હેરાન કરતાં હતાં. રિમાને અપશબ્દો ઉચ્ચારવા, હાથ ઉપાડવો અને સાસુની કાનભંભેરણીથી સુકેશ રિમા સાથે દુર્વ્યવહાર કરતો હતો. આખરે રિમાએ કંટાળીને છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો અને 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી આ અંગે સહાયરૂપ થવાં જણાવ્યું. કતારગામ અભયમ ટીમે ઘટનાસ્થળે પહોંચી દંપતી અને સાસુનું કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમે સફળ દાંપત્યજીવનના ઉદાહરણ આપી સુકેશને માતા અને પત્ની બન્નેને એકસમાન ધ્યાન રાખવા સમજ આપી હતી. કોઈ સમસ્યા થાય ત્યારે હંમેશા માતા અને પત્ની એમ બંને પક્ષને સાંભળ્યા બાદ જ કોઈ પણ નિર્ણય લેવા કહ્યું હતું. અંતે પતિને પોતાની ભૂલ સમજાતા તેણે હવે પછી પત્નીની સંપૂર્ણ કાળજી રાખી તેની અપેક્ષાઓ અને માનસન્માન જળવાય એનું પણ ધ્યાન રાખશે અને પત્નીને પ્રેમથી રાખશે એમ જણાવ્યું હતું.આમ, અભયમની અસરકારક દરમિયાનગીરીથી પરિવારમાં તિરાડ પડતાં અટકી હતી, અને સુખદ સમાધાનથી સાથે આ પરિવારના દરેક સભ્યો સાથે રહેવા સંમત થયા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *