
સુરત, 7 એપ્રિલ : કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે સુરત જિલ્લાના ઓલપાડ વિધાનસભામાં સમાવિષ્ટ 15 ગામોમાં અંદાજિત રૂ.7 કરોડના ખર્ચે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જેમાં નરથાણ ગામે રૂ.63 લાખ, વેલુકમાં રૂ.1.2 કરોડ, કાસલા ખુર્દમાં રૂ.33 લાખ, કાસલા બુજરંગ, સરસ, કુવાદ, કપાસીમાં રૂ.8 લાખ, કાછોલમાં રૂ.61.5 લાખ, કુદિયાણામાં રૂ.32 લાખ, દાંડીમાં રૂ.28.50 લાખ, લવાછામાં રૂ.90 લાખ, આડમોરમાં રૂ.35 લાખ, ભાંડુત, ડભારી, ટુંડા ખાતે ડામર, આર.સી.સી. રોડ, પેવર બ્લોક, ઓવારા, પ્રોટેક્શન વોલ, વાસ્મો અંતર્ગત પાણી પુરવઠાના કાર્યો, ગટરલાઈન, ગ્રામપંચાયતની પ્રોટેક્શન વોલ સહિતના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ કરાયું હતું.

આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ઓલપાડ તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં વિકાસકાર્યોને રાજ્ય સરકારના સહયોગથી ગતિ મળી છે. તેમણે ઓલપાડ તાલુકામાં કુપોષિત બાળકોને સેવાભાવી ગ્રામજનો દત્તક લેવા આગળ આવે એવું આહ્વાન કર્યું હતું, અને ગ્રામજનોને પોતાના ગામના કુપોષિત બાળકોને બે મહિનામાં સુપોષિત કરવા જણાવી બાળકને સુપોષિત કરવા તમામ પૌષ્ટિક આહાર રાજ્ય સરકાર આપશે એમ જણાવ્યું હતું.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ઓલપાડ તાલુકાના તમામ ગામોને ઝડપભેર ગેસલાઈનથી જોડવાનું લક્ષ્ય હોવાનું જણાવી આગામી સમયમાં મકાઈમાંથી ઇથેનોલ બનાવવાની ફેક્ટરી ઓલપાડ અને સુરતમાં સ્થપાશે, જેનો સીધો લાભ મકાઈ ઉત્પાદન કરતાં ખેડૂતોને થશે તેમ કહ્યું હતું.

આ પ્રસંગે સુરત જિલ્લા સંગઠન મહામંત્રી યોગેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ અમિત પટેલ, તાલુકા સંગઠન મહામંત્રી કુલદીપભાઈ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સામાજિક અગ્રણીઓ, સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત