
સુરત, 8 એપ્રિલ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે તા.8 થી 11 એપ્રિલ દરમિયાન આયોજિત ચાર દિવસીય ઔદ્યોગિક પ્રદર્શન ‘ ઉદ્યોગ-2022 ‘ને ઉદ્યોગ, સહકાર, વન-પર્યાવરણ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા(પંચાલ)એ ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલ, સાંસદ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મંત્રી જગદીશવિશ્વકર્માએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, ઓનલાઈન વ્યવસ્થાઓ, ફાસ્ટ એપ્રુવલ દ્વારા વ્યવસાયીઓ મુક્તપણે વેપારઉદ્યોગ કરી શકે તેવો માહોલ બનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાતની પરંપરા શરૂ કરી હતી, જેના પરિણામે આજે ઉદ્યોગ-વ્યવસાયોમાં ‘વાયબ્રન્સી’-ધબકાર જોવા મળી રહ્યો છે. વર્ષ 2002 પહેલાં ગુજરાતની કુલ નિકાસ રૂ.3 થી 4 હજાર કરોડ હતી, જે આજે રાજ્ય સરકારની દીર્ઘદ્રષ્ટિના પરિણામે રૂ. 4.50 લાખ કરોડને પાર કરી ગઈ છે. ભારતીય ઉદ્યોગકારોના ઉત્પાદનોએ વિકસિત દેશોના બજારોમાં આગવું સ્થાન મેળવ્યું છે.

તેમણે રાજ્યભરમાં સૌથી વધુ સોલર રૂફટોપ પેનલો સુરત શહેરમાં ઈન્સ્ટોલ થઈ હોવાનું જણાવી સૌર ઊર્જા પ્રત્યે જાગૃત્ત થવાં બદલ સુરતવાસીઓને અભિનંદન પાઠવ્યા હતાં.ટેક્ષટાઈલ, ગારમેન્ટ, સિલ્ક, જેમ્સ એન્ડ જવેલરી જેવા ક્ષેત્રોમાં સુરત શહેરે તેજગતિએ વિકાસના સિમાચિહ્નો સર કર્યા છે. આવનારા સમયમાં ટેકનિકલ ટેક્ષટાઈલ ક્ષેત્રનું ભાવિ ઉજળુ છે. ભારતમાં કુલ રૂ.20 હજાર કરોડનું ટેકનિકલ ટેક્ષટાઈલનું બજાર હોવાનું જણાવીને આ ક્ષેત્રમાં રહેલી ઉજ્જવળ તકો ઝડપી લઈને આગળ વધવાનો અનુરોધ મંત્રીએ કર્યો હતો.તમામ વ્યાપારીઓ, ગ્રાહકો અને ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ સાથે સતત સંવાદ કરીને તેમની કોઈ પણ સમસ્યાઓના નિવારણ તેમજ સૌની અપેક્ષાઓ પૂર્ણ કરવાની જવાબદારી રાજ્ય સરકાર નિભાવી રહી છે. રાજ્યના ઉદ્યોગોના સહકાર થકી વધુમાં વધુ રોજગારી આપવા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર અને લઘુ ઉદ્યોગોના વિકાસ થકી ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના નિર્માણ માટેની પણ નેમ છે.

મંત્રી મુકેશ પટેલે સોલર પાવર અને સોલર પ્લાન્ટમાં ગુજરાતને મેન્યુફેક્ચરીંગ હબ બનાવવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ‘ ઉદ્યોગ-2022 ‘માં ભાગ લઈ રહેલા એક્ઝિબીટર્સમાં મહત્તમ સૌર ઊર્જા સાથે સંકળાયેલા છે, જેના પાયામાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં જાગૃત્તિ અને તેમાં રહેલી ઉજળી તકો હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.સોલર પ્લાન્ટ માટેના 98 ટકા કોમ્પોનન્ટસ વિદેશથી આયાત કરવાં પડે છે, ત્યારે હવે રાજ્યમાં સોલર કોમ્પોનન્ટસનું ઉત્પાદન કરી વિદેશો પર નિર્ભર ન રહેતાં આત્મનિર્ભર બનવાની દિશામાં સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે.

સ્વાગત પ્રવચન કરતાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું કે, સુરત ન માત્ર ડાયમંડ કે કાપડ ક્ષેત્રમાં બલકે હવે સોલર પેનલના પ્રોડક્શન, એક્વાકલ્ચર, ઈલેક્ટ્રિક વાહનો, ફૂડ અને બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝમાં પણ નવી ઓળખ ઊભી કરી રહ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા 24 કલાક વીજળી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લીન વોટર અને સરકારી તંત્રનો મૈત્રીપૂર્ણ સહયોગ મળી રહ્યો છે, જે બદલ તેમણે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગ એક્ઝિબિશનની સફળતા માટે લિખિત સંદેશો પાઠવી દક્ષિણ ગુજરાતના વ્યવસાયકારોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે, ધારાસભ્ય સંગીતા પાટીલ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હેમંત શાહ, GJEPCના રિજીયોનલ ચેરમેન દિનેશ નાવડીયા, પાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ સહિત એક્ઝિબીટર્સ અને ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત