
સુરત, 12 એપ્રિલ : નિયામક આયુષની કચેરી-ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા, સુરત દ્વારા સુરત શહેર-જિલ્લામાં તા.3,6,7 એપ્રિલના રોજ ત્રણ સ્થળોએ વિનામૂલ્યે આયુર્વેદ અને હોમીયોપેથી આયુષ મેગા સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયા હતાં. જેમાં પંચકર્મ, સ્ત્રી રોગ, ચામડીના રોગો, બાળરોગ, જીરિયાટ્રિક, દંતરોગ, ડાયાબિટીસ, અગ્નિકર્મના તજજ્ઞ આયુર્વેદ તબીબોની ઓ.પી.ડી.નો કુલ 800 જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો.

તા.3જીએ પલસાણા તાલુકાના ગંગાધરા સ્થિત અલખધામ ખાતે, તા.6ઠ્ઠીએ માંડવી નગરપાલિકા લાઈબ્રેરી અને તા.7મી એપ્રિલે સુરતની નર્મદ યુનિવર્સિટીના હેલ્થ સેન્ટર ખાતે આયુષ મેગા કેમ્પ યોજાયા હતાં. કેમ્પમાં પ્રકૃત્તિ પરીક્ષણ, સ્વસ્થવૃત્ત ચાર્ટ પ્રદર્શન, વનૌષધિ પ્રદર્શન પણ યોજાયા હતાં. જેમાં ઘરની આસપાસ મળતી ઔષધિઓ, સ્વસ્થવૃત્ત માર્ગદર્શન અંતર્ગત દિનચર્યા, ઋતુચર્ચા, ગર્ભિણી, ધાત્રી માતાઓ અને બાળકોને પોષણ અંગે મુલાકાતીઓ માહિતગાર થયાં હતાં. લોકોને સ્વસ્થ રહેવા માટે પ્રકૃતિ અનુસાર આહાર અને વિહાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કેમ્પમાં ડાયાબિટીસ ઓ.પી.ડી.માં લોકોનું સ્થળ પર જ બ્લડસુગર તપાસ તેમજ કેલ્શિયમની ઉણપ જાણવા માટે બી.એમ.ડી.(Bonemarrow Density) તપાસ કરાઈ હતી. યોગટ્રેનરો દ્વારા વિવિધ રોગથી સ્વસ્થ રહેવા અને યોગાસનો વિષે પ્રાયોગિક માર્ગદર્શન અપાયું હતું. ઉપરાંત, 0 થી 12 વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશન, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અમૃતપેય ઉકાળાના દ્રવ્યો, સંશમની વટી તથા આર્સેનિક આલ્બ-30ની આયુષ કીટ બનાવીને વિતરણ કરાયું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત