
સુરત, 9 એપ્રિલ : ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક અને હાલ સુરતમાં રહેતાં ખ્યાતનામ મહિલા સાહસિક ભારૂલતા પટેલ-કાંબલે ‘મિશન ભારત’ પ્રોજેક્ટ હેઠળ પોતાના 2 બાળકો સાથે કાર ડ્રાઈવ કરી ‘આઝાદીના અમૃત્ત મહોત્સવ’ અંતર્ગત સમગ્ર ભારતમાં 65,000 કિમીની યાત્રા કરશે, અને ભારતના ચાર છેડે તિરંગો લહેરાવશે. તેઓ તા.15મી ઓગસ્ટ,2022ના રોજ સિયાચીન પહોંચી તિરંગો લહેરાવશે અને સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપશે. તેમના ‘ધ ટીમ ઓફ મમ એન્ડ ટુ કિડસ’ ડ્રાઈવિંગ મિશન (Expedition) હેઠળ 5 મહિના સતત કાર ડ્રાઈવિંગ કરશે અને દેશના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈને કેન્સર તેમજ ટીબી સામે જનજાગૃતિ ફેલાવશે.

તેમના બે પુત્રો- ધો.10માં અભ્યાસ કરતો 16 વર્ષીય પ્રિયમ અને ધો.8માં અભ્યાસ કરતો 14 વર્ષીય આરૂષ પણ ભારત મિશનમાં જોડાશે. સુરતના સાયન્સ સેન્ટરના સભાગૃહ ખાતે આયોજિત સમારોહમાં ભારૂલતા પટેલ-કાંબલેના ‘મિશન ભારત’ પ્રોજેક્ટને મેયર ડો.હેમાલી બોઘાવાલાએ લોન્ચ કર્યો હતો. જેમાં સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટીવ ટ્રીબ્યુનલ વિભાગ(અમદાવાદ બેંચ)ના વડા તથા કાનૂની સભ્ય જયેશ.વી.ભૈરવીયા, ડી.સી.પી. સરોજકુમારી, સામાજિક અગ્રણી મહેશ સવાણી, કોર્પોરેટર રૂપલબેન સહિત અનેકવિધ મહાનુભાવો-અગ્રણીઓએ ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં.
ઓટોમોબાઈલ એક્સપેડિટર તરીકે વિશ્વવિખ્યાત ભારૂલતાએ જણાવ્યું હતું કે, આગામી તા.18મી જૂને નવસારીના દાંડીથી મારી ભારત યાત્રા શરૂ થશે. સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ પાઠવવા તેમજ કેન્સર તેમજ ટીબી સામે જનજાગૃતિ કેળવાય એ મુખ્ય ધ્યેય છે. મારા બાળકો દેશની ભાતીગળ સંસ્કૃતિને નજીકથી નિહાળશે અને દેશની ‘વિવિધતામાં એકતા’ને આત્મસાત કરશે. અભિયાન પૂર્ણ થયાં બાદ તેઓ કાર ડ્રાઈવિંગના આ મોટા પડકારને પૂર્ણ કરનાર માતા અને બે બાળકોની પ્રથમ ટીમ બનશે એમ તેઓએ હર્ષ સાથે જણાવ્યું હતું.

ભારૂલતા પટેલ-કાંબલેનો પરિચય
ભારૂલતા પટેલ-કાંબલે ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક છે, અને માતૃભૂમિ પ્રત્યેના પ્રેમથી ખેંચાઈને બ્રિટન છોડી સુરતના વેસુ ખાતે પતિ અને બે પુત્ર સાથે નિવાસ કરી રહ્યાં છે. તેમના પતિ ડો.સુબોધ કાંબલે પ્રખ્યાત યુરોલોજીસ્ટ અને રોબોટિક સર્જન છે. રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈને તેઓ સ્વતંત્ર ભારતના 75 વર્ષની પૂર્ણતાના અવસરે 'આઝાદી કા અમૃત્ત મહોત્સવ'ની અનોખી ઉજવણી કરવાના આશયથી સમગ્ર ભારતમાં 65,000 કિમીની કાર દ્વારા યાત્રા કરી સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપશે, સાથોસાથ વિવિધ રાજ્યોના નાગરિકોમાં કેન્સર અને ટીબી પ્રત્યે જનજાગૃતિ ફેલાવશે.
સુશિક્ષિત અને મહિલાશક્તિની મિસાલ એવા ભારૂલતા પટેલ-કાંબલે યુકેમાંથી બેરિસ્ટરની પદવીપ્રાપ્ત છે. તેમણે વિશ્વભરમાં ઘણાં ડ્રાઈવિંગ અભિયાનો હાથ ધરીને ભારતને ગૌરવ અપાવ્યું છે. તેમણે આ વખતે ભારતમાં તેમના બે બાળકો સાથે વધુ એક પડકારજનક અભિયાન શરૂ કર્યું છે. ભારતના ચારેય છેડે પહોંચીને આપણો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાનો સંકલ્પ લીધો છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત