સુરત : ચેમ્બર ઓફ કોમર્સ ખાતે સ્માર્ટ મોડયુલર ઉપકરણ તેમજ કલ્પસર પ્રોજેકટ વિષયક સેમિનાર યોજાયો

સ્થાનિક
Spread the love

સુરત, 13 એપ્રિલ : નાનપુરા સ્થિત દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સમૃદ્ધિ બિલ્ડીંગ ખાતે ઉર્જા તેમજ પાણીના મહત્વ અંતર્ગત સ્માર્ટ મોડયુલર ઉપકરણ તેમજ કલ્પસર પ્રોજેકટ વિષયક સેમિનાર યોજાયો હતો. જેમાં ભારતની પરમાણું સહેલી ડો. નિલમ ગોયલે સુરતમાં સ્માર્ટ મોડ્યુલર ઉપકરણ સ્થાપવાથી શહેરના દરેક ઉદ્યોગપતિઓ અને કારોબારીઓ કોલસાની તંગી અને કોલસા ઉપર પૂર્ણરૂપે પ્રતિબંધ લાગે તે પહેલા જરૂરી ઉર્જાના નિરંતર સપ્લાય મેળવી શકશે એવો મત વ્યકત કર્યો હતો.

ડો. નિલમ ગોયલે કહ્યું કે, ઓફ ગ્રીડ સ્માર્ટ મોડયુલર ઉપકરણની સ્થાપનાથી પ્રતિ યુનિટ રૂ.3 થી 4 ના દરે વિજળી મળતી રહેશે. આ ઉપરાંત સુરત, અમદાવાદ અને મોરબી જેવા આથિક રીતે વેગીલા શહેરોમાં અપૂરતા વિજ પૂરવઠાનું સંકટ લાંબા ગાળા સુધી સમાપ્ત થઈ જશે. જેથી ગુજરાતની અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ થતા ઉદ્યોગવ્યાપાર સાથે સંકળાયેલા કામદારોને ઉત્તમ વેતન સાથેની રોજગારી મળી શકશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, સ્માર્ટ મોડ્યુલર ઉપકરણથી સુરત શહેરના હીરાના વેપારીઓ લેબોરેટરીમાં વિવિધ આકાર તેમજ રંગના હીરાઓ તૈયાર કરી વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવી શકશે. રાજયના કલ્પસર, પાર-તાપી-નર્મદા તથા નર્મદા સરોવર પ્રોજેકટની સફળ શરૂઆતથી રાજયની સિંચાઈ અને પીવાના પાણીની અછત દૂર થશે. ગુજરાતની ગ્રામીણ અને શહેરી જનતાની પ્રતિ વર્ષ આવકમાં ધરખમ વધારો થશે. સુરતની આ આગવી શરૂઆત સમગ્ર દેશના પ્રદેશો માટે પ્રેરણાસ્ત્રોત બનશે. સરકારી વિભાગો, ખાનગી અને જાહેર કંપનીઓ ભારતના પ્રત્યેક જિલ્લામાં 500 મેગાવોટના સ્માર્ટ મોડયુલર ઉપકરણ સ્થાપિત કરી શકશે, પરિણામે ભારત જાગૃત તેમજ વિકસિત દેશોની શ્રેણીમાં આવી જશે તેમ ડો.ગોયલે ઉમેર્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *