
સુરત, 13 એપ્રિલ : કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્ય મંત્રી દર્શના જરદોશે સુરત શહેરની પાંચ શાળાની વિદ્યાર્થિનીઓને ‘સુવિધા’ સેનિટરી પેડનું વિતરણ કરી હેલ્થ અને હાઈજીન જાળવવા માટે વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરી હતી. જેમાં કાપોદ્રા વિસ્તારની સુમન શાળા ક્ર.-09, અંબાબા ગર્લ્સ હાઈસ્કુલ-હરિપુરા, અડાજણની નગર પ્રા.શાળા ક્ર.-152, સુમુલ ડેરી રોડની સુમન શાળા ક્ર.-03 તથા રૂસ્તમપુરાની નગર પ્રા.શાળા ક્ર.-38સહિતની પાંચ શાળાઓની કુલ 2,300 વિદ્યાર્થિનીઓને માસિક ધર્મ વિશેની સમજ આપી સેનિટરી પેડની ભેટ આપવામાં આવી હતી. અડાજણની શાળા ક્ર.-88માં 800 જેટલી વિદ્યાર્થીનીઓનું ગત સપ્તાહે હેલ્થ ચેકઅપ કરાયું હતું, જેમાં હિમોગ્લોબીન અને આયર્નની ઉણપ ધરાવતી 32 વિદ્યાર્થિનીઓને મંત્રીના હસ્તે એક મહિનાની દવા આપવામાં આવી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે મહિલાલક્ષી વિવિધ યોજનાઓને પ્રાધાન્ય આપ્યું છે, તેમજ રાજય સરકારના બજેટમાં મહિલાઓલક્ષી વિવિધ યોજનાઓ માટે માતબર નાણાકીય ફાળવણી કરવામાં આવી છે. કિશોરીઓ અને મહિલાઓમાં માસિકધર્મ અંગે જાગૃતિ લાવવા અને સેનેટરી પેડ વિનામુલ્યે ઉપલબ્ધ કરાવવા રૂ.45 કરોડની જોગવાઈ કરી છે.આગામી સમયમાં સુરતની શાળાઓમાં વિદ્યાર્થિનીઓ માટે હેલ્થ ચેક કેમ્પો યોજાશે. જેમાં વિદ્યાર્થિનીઓને હિમોગ્લોબીન અને આયર્ન દવાઓ અપાશે.

વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, પી.એમ. જનઔષધિ કેન્દ્રોમાં મળતી જેનેરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓ જેટલી જ સલામત, ગુણવત્તાયુક્ત, ફાયદાકારક અને અન્ય દવાઓની તુલનાએ સસ્તી હોય છે. તેમણે કિશોરીઓને સ્વચ્છતા, સ્વસ્થતા જાળવવાની સમજ આપી ઉચ્ચ શિક્ષણ, મનગમતી પ્રવૃતિઓ અને કૌશલ્ય વિકાસ તરફ આગળ વધે એ માટે પ્રોત્સાહિત કરી હતી. તેમણે વિદ્યાર્થિનીઓ આકસ્મિક સ્થિતિમાં સ્વબચાવ, સ્વરક્ષા કરી શકે તે માટે પ્રત્યેક શાળાઓને તાલીમ કેમ્પ યોજવાનું રચનાત્મક સૂચન કર્યું હતું.

કોર્પોરેટર ઉર્વશી પટેલે પોતાની ટીમ દ્વારા ‘પરસ્પર: માનવતાની મહેંક’ અને ‘પસ્તીદાન, પેડદાન’ સામાજિક અભિયાન હેઠળ પસ્તીના વેચાણમાંથી થતી આવક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે ઉપયોગમાં લેવામાં આવતી હોવાનું જણાવી આજ સુધીમાં 1.73 લાખ સેનેટરી પેડનું વિનામુલ્યે વિતરણ કરી કિશોરીઓને જાગૃત્ત કરવામાં સફળતા મળી છે, ત્યારે હજુ પણ કિશોરીઓને ‘સ્વસ્થ અને સ્વચ્છ’ રાખવા અભિયાનને અવિરત રાખીશું એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય કિશોર કાનાણી અને કાંતિ બલર, કોર્પોરેટરો, સામાજિક આગેવાનો, શાળાના આચાર્યો અને શિક્ષકો તથા વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત