
સુરત, 18 એપ્રિલ : રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાના યજમાનપદે 18, 19 અને 20 એપ્રિલ દરમિયાન સુરતના આંગણે સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સ્માર્ટ સિટીઝ મિશન, મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) દ્વારા આયોજિત ‘સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન’ ત્રિદિવસીય નેશનલ સમીટનો કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતો, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદિપસિંહ પૂરીએ પ્રારંભ કરાવ્યો હતો.

દેશની આઝાદીના 75 વર્ષની પૂર્ણતાના અવસર-‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે ‘ ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટ 2022 ‘ હેઠળ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત કરવામાં આવેલ વિશિષ્ટ કામગીરી માટે સ્માર્ટ સિટીઝને “સિટી એવોર્ડ”, “ઈનોવેટિવ એવોર્ડ” તેમજ “પ્રોજેક્ટ એવોર્ડ” કેટેગરીઓમાં કુલ 51 એવોર્ડ એનાયત કરાયા હતાં. ઉપરાંત, ઈન્ડિયા સ્માર્ટ IUDX Case Compendium, Al Playbook for cities તેમજ આઉટપુટ્સ એન્ડ આઉટકમ્સ ડેશબોર્ડનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ સાથે વર્ચ્યુઅલ સેન્ટર બાબત MoU સાઈન કરાયું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતો, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદિપસિંહ પૂરીએ જણાવ્યું કે, સ્માર્ટ સિટી યોજના એ ભવિષ્યલક્ષી યોજના છે, જેના થકી દેશમાં વિકાસસુવિધાઓ વધવાની સાથે ભાવિ જરૂરિયાતો પણ પૂર્ણ થશે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટના મોનિટરીંગ માટે અતિ આવશ્યક એવા ICCC- ઈન્ટીટ્રેગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દેશના 100 શહેરો પૈકી 80 શહેરોમાં કાર્યરત થઈ ચૂક્યા છે, જ્યારે બાકી રહેલા સેન્ટરો આગામી 15 ઓગષ્ટ સુધીમાં કાર્યરત થઈ જશે.

પૂરીએ સ્માર્ટ સિટી મિશન હવે ‘મિશન ટુ મુવમેન્ટ’ બન્યું હોવાનું જણાવતાં ઉમેર્યું કે, આ યોજના સાથે કેન્દ્ર, રાજ્ય સરકાર અને પ્રશાસનિક અધિકારીઓએ ખભેખભા મિલાવીને કાર્ય કરતાં આ યોજના સૌથી વધુ સફળ સાબિત થઈ રહી છે. સુરત મહાનગરપાલિકાને અભિનંદન આપતા મંત્રીએ જણાવ્યું કે, સુરતે શહેરે સ્માર્ટ સિટી યોજનાને જનસુખાકારીના ધ્યેય સાથે જમીન પર ઉતારીને યથાર્થ રીતે લાગુ કરી છે.

આ પ્રસંગે કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતો વિભાગના રાજ્યમંત્રી કૌશલ કિશોરે જણાવ્યું હતું કે, દેશના સ્માર્ટ સિટીઝ ‘સ્મોક ફ્રી, આલ્કોહોલ ફ્રી અને ડ્રગ્સ ફ્રી’ બને તે પણ ખૂબ આવશ્યક છે. પ્રધાનમંત્રીએ સ્માર્ટ સિટી વિઝન માટે રૂ.48 હજાર કરોડની ફાળવણી કરી છે, પ્રત્યેક સ્માર્ટ સિટી માટે રૂ.500કરોડની આવશ્યકતા રહે છે. સ્માર્ટ સિટી એવી સુવિધા ધરાવતા શહેરો જે માત્ર સુવિધાજનક જ નહીં, પણ ઈકો ફ્રેન્ડલી, રોજગારીના અવસરો પ્રદાન કરનાર અને ઈઝ ઓફ લિવિંગ વધારે તેવા હોવા જોઈએ.
મંત્રીએ વડાપ્રધાનના વોકલ ફોર લોકલની ભાવનાને આત્મસાત કરવાથી લોકલ બ્રાન્ડ ગ્લોબલ બની જશે એમ જણાવી સ્માર્ટ સિટી નેશનલ સમિટનું સુવ્યવસ્થિત આયોજન કરવા બદલ સુરત પ્રશાસનને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશે જણાવ્યું કે, અવારનવાર ભયાનક પૂરની પરિસ્થિતિ સર્જાવા છતાં પણ સુરત ફિનિક્સ પંખીની માફક રાખમાંથી બેઠું થયું છે. સુરતના સર્વાંગી વિકાસના મૂળમાં સુરતવાસીઓનો મહેનતકશ મિજાજ છે. સુરત ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટીઝમાંનું એક છે. કોરોનાની વિકટ સ્થિતિમાં આરોગ્યની સુવિધાઓ આપવામાં તેમજ શ્રમિકોને વતન પહોંચાડવામાં ઉમદા જવાબદારી નિભાવી હતી.
શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદ મોરડીયાએ જણાવ્યું હતું કે, દેશમાં શહેરીકરણ ઝડપથી વધી રહ્યું છે, ત્યારે સ્માર્ટ સિટી અંતર્ગત ડિજીટલ, ગુડ ગર્વનન્સ, સ્માર્ટ ડેટા, ફાઈનાન્સ જેવા અનેકક્ષેત્રે સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સરકાર કાર્ય કરી રહી છે. પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ દુંરદેશી યોજનાઓ સાથે શહેરો સ્વયં આત્મનિર્ભર બને તેવા વિઝન સાથે સરકાર આગળ વધી રહી છે ગુજરાતના છ શહેરો સ્માર્ટ સિટી તરીકે પસંદગી પામ્યા છે, ત્યારે સુરત શહેર આગામી સમયમાં સ્વચ્છ અને સ્માર્ટ શહેર તરીકે દેશભરમાં લીડ લેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

મેયર હેમાલી બોઘાવાલાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, મિની ભારત સુરતમાં સમૃદ્ધિની સાથોસાથ તેમનામાં સ્માર્ટનેસ પણ છે. સુરતમાં જે આવે છે એ સુરતના થઈ જાય છે એવો મિજાજ સુરતનો છે. મેયરએ સ્માર્ટ સિટીની તમામ લાયકાત સુરત શહેરમાં હોવાથી સુરત એ દેશનું સૌથી પ્રથમ સ્માર્ટ સિટી બની દેશના અન્ય રાજ્યોને પ્રેરણા આપે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.
પ્રદેશ સંગઠન અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં કહ્યું કે, પ્રધાનમંત્રી દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટની જાહેરાત થઈ ત્યારે લોકોને આ પ્રોજેક્ટ સપના સમાન અને અશક્ય લાગતો હતો, પરંતુ દેશના 100 શહેરોએ સખ્ત પરિશ્રમથી આ સપનુ સાકાર કરી બતાવ્યું છે. સુરત સમગ્ર દેશને રાહ ચીંધી શકે તેવી ક્ષમતા ધરાવે છે. ટૂંકા ગાળામાં જનસુવિધાઓ અને માળખાગત સુવિધાઓ વિકસાવવામાં સુરત શહેરે નવા સીમાચિહ્ન સર કર્યા છે.ગુજરાતીઓ હંમેશા આપવા માટે જ હાથ લાંબો કરે છે, લેવા માટે નહીં. લોકોના સહકારથી સુરતમાં 80કરોડના ખર્ચે સી.સી.ટી.વી. પ્રોજેક્ટ સાકારિત થવાથી ટ્રાફિક નિયમનની સાથે લોકોની સુરક્ષામાં પણ વધારો થયો છે.

કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતોના કેન્દ્રીય સચિવ મનોજ જોશીએ સ્માર્ટ સિટી પ્રોજેકટમાં અન્ય શહેરોને પ્રેરણા આપવાની ક્ષમતા ધરાવતાં સુરતને આદર્શ શહેર ગણાવ્યું હતું. તેમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જનસુવિધા સાથે ઈઝ ઓફ લિવિંગને બહેતર બનાવવા અને સ્માર્ટ સિટીને લિવેબલ બનાવવા માટે સુરત પાલિકા અને પ્રશાસનના પ્રયાસોની સરાહના કરી હતી. જૂન 2023 સુધીમાં સ્માર્ટ સિટીઝના પ્રકલ્પોને પૂર્ણ કરવા પર વિશેષ ધ્યાન આપવા તેમણે અનુરોધ કર્યો હતો.
રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશ કુમારે સ્માર્ટ સિટીઝ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા થવી જરૂરી હોવાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે દેશના આર્થિક વિકાસમાં ગુજરાત કી રોલ ભજવી રહ્યું છે, ત્યારે ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, દાહોદ શહેરો સ્માર્ટ પ્રોજેક્ટમાં માઈલ સ્ટોન બનશે એમ જણાવ્યું હતું.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડીઓ સંદેશ પાઠવી જણાવ્યું કે, વડાપ્રધાનએ વર્ષ 2015માં સ્માર્ટ સિટી મિશન શરૂ કરી શહેરોનો કાયાકલ્પ કરવાનું બીડું ઉઠાવ્યું છે. વધતા જતાં શહેરીકરણની સાથે અનેક પડકારો ઉભા થાય છે, પરંતુ વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિને અનુસરી પડકારો-મુશ્કેલીઓને અવસરમાં પરિવર્તિત કરવાનો ગુજરાતનો મિજાજ છે. મુખ્યમંત્રીએ આ સમીટના સફળ આયોજન બદલ સુરત મહાનગરપાલિકા અને શહેરી વિકાસ વિભાગને અભિનંદન પાઠવ્યા હતાં.

આ પ્રસંગે આંધ્રપ્રદેશના શહેરી વિકાસ મંત્રી એ.સુરેશ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, સુડાના સી.ઈ.ઓ.વી.એન.શાહ, ધારાસભ્યો, કોર્પોરેટરો, પાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, વિવિધ સ્માર્ટ સિટિઝના ડેલિગેટ્સ, સ્માર્ટ સિટીઝના મ્યુનિ.કમિશનરો, ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત