
સુરત : દેશમાં તા.14થી 20એપ્રિલ દરમિયાન ‘નેશનલ ફાયર સર્વિસ વીક’ની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતમાં વર્ષ 1852માં ફાયર વિભાગની સ્થાપના કરવામાં આવી હતી. શહેરમાં નાના મોટા બનાવો, પૂર, ભારે વરસાદ, વાવાઝોડું જેવી કુદરતી આફતો તેમજ રમખાણો, ઔદ્યોગિક હોનારતો જેવી આફતોથી પ્રજાજનોને સુરક્ષિત રાખવા ફાયર વિભાગ 24×7 સેવામાં અડીખમ છે. લાઈફ જેકેટ, મલ્ટીફંકશનલ રેસ્ક્યુ વ્હીકલ, એડવાન્સ ફાયર એન્જિન, ફર્સ્ટ રીસ્પોન્ડર ક્રેઈન, ડિવોટરીંગ પંપ, એમ્બુલન્સ સહિત 113 વાહનો અને સાધનસામગ્રીથી સજ્જ છે.

સુરત મહાનગરપાલિકાના ઈ.ચીફ ફાયર ઓફિસર બસંતકુમાર પારીકે જણાવે છે કે, શહેરીજનોની સુરક્ષા હેતુ શહેરના વિવિધ વિસ્તારમાં વધુ 12 ફાયર સ્ટેશનો બની રહ્યાં છે. આગની ઘટના બનતા જ લોકોએ સમય વેડફ્યા વિના ફાયર વિભાગને ત્વરિત જાણ કરવી જોઈએ. જેથી ફાયરકર્મીઓ સમયસર સ્થળ ઉપર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવી શકે. સામાન્યતઃ ઉનાળાની સિઝનમાં આગ લાગવાના સંખ્યાબંધ કોલ્સ આવતા હોય છે. જેનું મૂળ કારણ ઈલેકટ્રીક સાધનોમાં ખામી અથવા શોર્ટ સર્કિટ હોય છે. તેમણે લોકોને ઇલેક્ટ્રિક વાયરીંગની સમયાંતરે ચકાસણી અને મરામત કરવા અને ઓવરલોડેડ કનેક્શન લેવાનું ટાળવાની અપીલ કરી હતી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, શહેરીજનોની સુરક્ષાને ધ્યાને લેતા ફાયર વિભાગમાં જરૂરિયાત મુજબ આધુનિક ટેક્નોલોજીના સાધનો, ફાયર વ્હીકલ અને આવશ્યક ફાયર સ્ટાફની ભરતીની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત ફાયર વિભાગ દ્વારા આગની ઘટના રોકવા પાવર ચેઈન શો મશીન, પેટ્રોલ ચેઈન શો મશીન, લાઈફ જેકેટ, મલ્ટીફંકશનલ રેસ્ક્યુ વ્હીકલ, એડવાન્સ ફાયર એન્જિન, ફર્સ્ટ રિસ્પોન્ડર ક્રેઈન, ડિવોટરીંગ પમ્પ, હુક આર્મ ટ્રક, મેડિકલ કન્ટેનર અને એમ્બ્યુલન્સ જેવા 113 વાહનો અને સાધન સામગ્રીઓ સામેલ કરવામાં આવી છે.
ગત તા.23-02-2022ના રોજ કતારગામ વિસ્તારના ડિવાઈન સેન્ટરના ત્રીજા માળે આગ લાગવાની ભયાનક ઘટનામાં ફાયર વિભાગના કર્મચારીઓએ પોતાના જીવના જોખમે કુલ 22 વિદ્યાર્થીઓને સુરક્ષિત બચાવ્યા હતા. આ કર્મચારીઓમાં સામેલ એવા કતારગામ વિભાગના ફાયર ઓફિસર હિતેશ ઠાકોર અને હાર્દિક પટેલ, સબ ફાયર ઓફિસર બળવંતસિંહ રાજપૂત, ડ્રાઈવર અને હાઈડ્રોલિક પ્લેટફોર્મ ઓપરેટર રાજેશ ડોડીયા, ફાયર માર્શલ ગૌરવ સેલર અને અજય વસેલીયાએ પોતાના અનુભવો જણાવ્યા હતાં..

કતારગામ વિભાગના ફાયર ઓફિસર હિતેશ ઠાકોરે (કતારગામ વિભાગ) જણાવ્યું હતું કે, સિંગણપોર ચાર રસ્તા પાસે ડિવાઈન સેન્ટર નામની કોમર્શિયલ બિલ્ડિંગમાં આગનો બનાવ બન્યો હતો. જેની જાણ કંટ્રોલ સેન્ટરને મળતા જ કતારગામ, મુગલીસરા અને કોસાડ એમ ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે પહોચી હતી. ડિવાઈન સેન્ટરના ત્રીજા માળે લાઈબ્રેરીમાં વાંચવા આવતા ૨૨ બાળકો ફસાયા હોવાની જાણકારી પણ મળી હતી. જેથી તાત્કાલિક અગ્નિશામક અને રેસ્ક્યુ ટીમે રેસ્ક્યુ ઈક્વિપમેન્ટ સાથે હાઈડ્રોલિક પ્લેટફોર્મ મારફતે ઉપર જઈને બાળકોને સહી સલામત રેસ્ક્યુ કર્યા હતાં, અને જાનહાનિ નિવારી હતી.

આ ઘટનામાં સેફટી સુટ પહેરવાનો સમય ના રહેતાં સેફટી સુટ વિના કતારગામ વિભાગના ફાયર ઓફિસર હાર્દિક પટેલ બાળકોને બચાવવા રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા. તેમણે આ અંગે કહ્યું કે, ડિવાઈન સેન્ટરના બેઝમેન્ટમાં લાગેલી આગનો ધુમાડો ઉપરના માળે ફેલાઈ રહ્યો હતો. ત્રીજા માળે આવેલા ટ્યુશન ક્લાસમાં ફસાયેલા બાળકોનું નીચે આવવું અશકય બની રહ્યું હતું. જેથી એક ટીમ આગને કાબુ કરવામાં અને બીજી ટીમ બાળકોને રેસ્ક્યુ કરવામાં લાગી હતી. હું અને મને મારા સાથી બળવંતસિંહ ઉપર પહોંચ્યા ત્યારે જોયેલા બાળકોના ભયભીત ચહેરા હજુ પણ આંખો સામે તરવરે છે. સૌ બાળકોને સાંત્વના આપી સાવચેતીના પ્રથમ પગલા તરીકે બાળકોને પોતાની પાસે ઉપલબ્ધ ઓઢણી કે રૂમાલને ભીનો કરીને નાક અને મોઢાના ભાગે બાંધવા કહ્યું હતું, જેથી આગના ઝેરી ધુમાડાથી બચી શકાય. ત્યારબાદ ફાયર રેસ્ક્યુ ટીમ દ્વારા હાઈડ્રોલિક પ્લેટફોર્મથી એક પછી એક તમામ બાળકોને સહીસલામત નીચે લાવવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, આ વર્ષે નેશનલ ફાયર સર્વિસ સપ્તાહની થીમ ‘સલામતી શીખો અને ઉત્પાદકતા વધારો’ છે. વધતાં શહેરીકરણ અને ઔદ્યોગિક વિકાસની સાથે આગ, અકસ્માત હોનારતો જેવા બનાવો બનતા હોય છે, જેના નિવારણ માટે ફાયર વિભાગ પોતાની ફરજ સાથે ઉદ્યોગો, રહેણાંક વિસ્તારો, કોમર્શીયલ બિલ્ડિંગો, શાળાઓ અને હોસ્પિટલોમાં આગ અકસ્માતો રોકવા તાલીમ કાર્યક્રમો યોજી લોકજાગૃતિ કેળવવામાં પણ અગ્રેસર છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત