
સુરત : ભારત દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે દરેક નાગરિકો સ્વસ્થ રહે તે માટે રાજય સરકારે તમામ તાલુકા મથકોએ આરોગ્ય મેળાઓનું ઉજવણી કરવાનું મહાઅભિયાન ઉપાડયું છે. તા.18થી 22મી એપ્રીલ સુધી ચાલનારા અભિયાનમાં દરેક તાલુકા મથકોએ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને એક જ સ્થળેથી આરોગ્ય સેવાઓ અને જુદી જુદી આરોગ્યલક્ષી યોજનાઓના લાભો આપવામાં આવી રહ્યા છે.જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા તથા તાલુકા આરોગ્ય કચેરી બારડોલી દ્વારા બારડોલીની સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં 763 નાગરિકોએ આરોગ્યની સેવાઓનો લાભ લીધો હતો. બ્લડ ડોનેશન કેમ્પમાં પણ 19 રકતદાતાઓએ સ્વૈચ્છિક રકતદાન કર્યું હતું.

આ આરોગ્ય મેળાનું ઉદ્દધાટન પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ જીગ્નેશ ભાવસાર, નાગરપાલિકા પ્રમુખ ફાલ્ગુની દેસાઈ, તા.પં.પ્રમુખ અંકિત રાઠોડ, રાકેશ ભાવસાર તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ મેળામાં તબીબી તજજ્ઞો જેવા કે, સ્રીરોગ નિષ્ણાંત, બાળ રોગ, ચર્મ ચિકિત્ચક, ડેન્ટલ સર્જન, જનરલ સર્જન દ્વારા તપાસ, નિદાન અને સારવાર કરવામાં આવી હતી.આ ઉપરાંત ટી.બી.નિર્મુલન કાર્યક્રમને સફળ બનાવવા માટે પણ સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી હતી. આયુર્વેદિક તથા હોમીયોપેથીક ચિકિત્સા પધ્ધતિ અંગે લોકોના જનજાગૃતિ વધે તે પણ સ્ટોલ દ્વારા વિગતો પ્રદર્શિત કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખચૌધરી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.લાખાણી, બારડોલીના મામલતદાર પ્રતિક પટેલ, તાલુકા વિકાસ અધિકારી તથા અન્ય અધીકારીઓ, તાલુકા આરોગ્ય અધિકારી ડો.પંકજ ફણસીયાની ટીમ તથા સત્યાગ્રહ હોસ્પિટલની ટીમના સૌ સભ્યોએ સેવાઓ આપી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત