
સુરત, 20 એપ્રિલ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સરસાણા ખાતે ‘ઉદ્યોગો માટે આરઓ પ્લાન્ટનું સિલેકશન’ વિષય ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે વોટર તથા વેસ્ટ વોટર ઇન્ડસ્ટ્રીમાં 40 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા શંકર સાતમે ઉદ્યોગોમાં કયા પ્રકારના આરઓ પ્લાન્ટ લગાવવા જોઈએ તેના વિશે ટેકનીકલ માહિતી આપી હતી. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગો માટે પાણી એ વેલ્યુએબલ કોમોડિટી બની છે. સરકાર પણ તેને ગંભીરતાથી લઇ રહી છે તથા પાણીને બચાવવા માટે અને તેના સંગ્રહ ઉપર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. એના માટે જલશકિત અભિયાન, સ્માર્ટ સિટી મીશન અને નમામી ગંગે વિગેરે અભિયાન હાથ ધરવામાં આવ્યા છે. ઉદ્યોગોમાં રિસાયકલ કરીને પાણીનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. જો પાણી જ નહીં રહેશે તો ઉદ્યોગ ચલાવવા પણ અઘરું બની જશે. આથી ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતા આરઓ પ્લાન્ટ માટે જરૂરી એવા મેમ્બ્રેન વિશે ટેકનીકલ માહિતી ઉદ્યોગકારોને આપવા માટે આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

નિષ્ણાંત વકતા શંકર સાતમે ખાસ કરીને પ્રિ–ટ્રિટમેન્ટ ઉપર ભાર મુકયો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઉદ્યોગોમાં પાણીને રિસાયકલ કરવા માટે આરઓ પ્લાન્ટ જરૂરી છે. જો પ્રિ–ટ્રિટમેન્ટ વગર આરઓ પ્લાન્ટ લગાવવામાં આવે તો મેમ્બ્રેનને નુકસાન થઇ શકે છે. ઉદ્યોગોની જરૂરિયાત પ્રમાણે જુદા–જુદા આરઓ પ્લાન્ટ લગાવવામાં આવે છે. આથી તેમણે કયા પ્રકારના આરઓ પ્લાન્ટ તથા કયા પ્રકારના કેમિકલ વાપરવા જોઇએ તેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ઉદ્યોગોમાં જે આરઓ પ્લાન્ટ લગાવવામાં આવે છે તેમાં મેમ્બ્રેનનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપી હતી. મેમ્બ્રેન પાણીમાંથી હાર્ડનેસને દૂર કરે છે. યોગ્ય મેમ્બ્રેન સાથેનો આરઓ પ્લાન્ટ લગાવવાથી આરઓ પ્લાન્ટની લાઇફ વધે છે, મેમ્બ્રેન ઓપરેશન કોસ્ટ ઓછી થાય છે અને વીજળીની બચત પણ થાય છે. એના માટે શું કાળજી રાખવાની તથા ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કયા પ્રકારના આરઓ પ્લાન્ટ હોવા જોઇએ તેના વિશે તેમણે ઉદ્યોગકારોને સમજણ આપી હતી. વોટર ટેકનોલોજીસ એન્ડ સોલ્યુશન્સના દક્ષિણ એશિયાના પ્રોડકટ્સ સેલ્સ તથા મેનેજમેન્ટ એન્ડ માર્કેટીંગના લીડર અવિનાશ પાત્રોએ વોટર ટ્રિટમેન્ટ માટેની સુએઝ કંપનીના પ્રોડકટ વિશે માહિતી આપી હતી. સુએઝ એ વોટર ટ્રિટમેન્ટ માટેની વિશ્વની બીજા નંબરની કંપની છે.

ચેમ્બરની એન્વાયરમેન્ટ / પોલ્યુશન કન્ટ્રોલ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન કુન્હાલ શાહે કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, પીવા માટે તથા ઉદ્યોગો માટે પાણીની માંગ વધારે હોવાથી જમીનમાંથી સતત પાણી ખેંચવામાં આવી રહયું છે. આથી જમીનમાં ગ્રાઉન્ડ વોટરમાં પાણીની ગુણવત્તા બગડતી જઇ રહી છે અને તેમાં ટીડીએસની માત્રા ખૂબ જ વધી રહી છે. પહેલા પાણીમાં 300 ટીડીએસની માત્રા રહેતી હતી જે હવે સુરત શહેરના કડોદરા વિસ્તારમાં 1000 ટીડીએસ સુધી પહોંચી ગઇ છે. આથી ઉદ્યોગો માટે આરઓ પ્લાન્ટની જરૂરિયાત વધી છે.ચેમ્બરની વોટર ટ્રિટમેન્ટ કમિટીના સભ્ય ઉમંગ શાહે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત