
સુરત, 20 એપ્રિલ : હાથશાળ-હસ્તકલાના કલા-કારીગરોને માર્કેટિંગ પ્લેટફોર્મ મળે એ માટે રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઈન્ડેક્ષ્ટ-સી દ્વારા સુરતના સિટીલાઈટના સાયન્સ સેન્ટર, આર્ટ ગેલેરી ખાતે તા.22 થી 26 એપ્રિલ દરમિયાન ‘હસ્તકલા હાટ’ યોજાશે. જેમાં ગુજરાત સહિત ઉત્તર પૂર્વના 8 રાજ્યોના 50થી વધુ કલા-કારીગરોની હસ્તકલાકૃત્તિઓનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. ‘હસ્તકલા હાટ’ને તા.22મીએ સાંજે 5 વાગ્યે મેયર હેમાલી બોઘાવાલા ખૂલ્લો મૂકશે.

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર આયોજિત આ ‘હસ્તકલા હાટ’માં હાથશાળ-હસ્તકલાનાં કારીગરોને રાજ્યના વિવિધ શહેરો તથા ગુજરાત બહારના અન્ય રાજ્યોમાં વેચાણની તક મળશે, સાથોસાથ રાજ્યના અંતરિયાળ ગામોના હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોદ્યોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરો થકી રાજ્યના ભવ્ય, ભાતિગળ અને વૈવિધ્યપૂર્ણ કલાવારસાને ઘરઆંગણે અને નજીકથી નિહાળી શકાશે.

હાટમાં ઉત્તર પૂર્વનાં આસામ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા સહિત ગુજરાત મળી કુલ 8 રાજયોની શીતલપટ્ટી, કેન એન્ડ બાબુ, બ્લેક સ્મિથ, ડ્રાય ફ્લાવર, બાસ્કેટ ટ્રે, જ્યુટ વુડન વર્ક, જ્વેલરી, ડોલ એન્ડ ટોઝ તેમજ ટેક્ષટાઈલ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફટની વિવિધ કલા-કારીગરીનાં ક્રાફ્ટ સ્ટોલ રહેશે. ગુજરાતના સુરત, કચ્છ, વડોદરા, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, અમદાવાદ વિગેરે જિલ્લાના કલા-કસબીઓ પણ આ પ્રદર્શનમાં જોડાયા છે. આ કલા કારીગરો દ્વારા વાંસકામ, કચ્છી બાંધણી, અજરખ બ્લોક પ્રિન્ટ, કચ્છી મિરર એમ્બ્રોઈડરી, લેધર વર્ક, બીડ વર્ક, પિઠોરા પેઈન્ટીંગ, ડબલ ઈકત પટોળા વણાટ, હેન્ડલૂમ વસ્તુનું વણાટ, ટ્રાઈબલ કેન વર્ક, નખચિત્ર, અકીક આઈટમો, ગૃહ સુશોભન વિગેરે હાથશાળ-હસ્તકલાની ચીજોનું પ્રદર્શન અને વેચાણ કરાશે. આ સાથે ગુજરાતની હાથશાળ-હસ્તકલાની વિવિધ ચીજ વસ્તુની એક આગવી ઓળખ ઉભી થાય તે માટે ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ દ્વારા ગરવી-ગુર્જરી અમ્પીરીયાનો શો રૂમ પણ બનાવાયો છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત