સુરત, 22 એપ્રિલ : સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા સુરતના ગ્રીષ્મા વેકરીયા હત્યા કાંડમાં આરોપી ફેનિલ ગોયાણીને ગુરુવારે કોર્ટે તકસીરવાર ઠેરવ્યો હતો.આ હત્યાકાંડના આરોપી અંગે આજે ચુકાદો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ,આજે આખો દિવસ સજા પર દલીલો થઈ હતી.આ દલીલોના અંતે નામદાર જજ દ્વારા આગામી 26મી એપ્રિલની તારીખ આપી છે ત્યારે, આગામી 26 એપ્રિલના રોજ ફરી વધુ દલીલો સાથે સુનાવણી થશે.સંભવત: આ દિવસે ચુકાદો પણ આવી શકે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરત શહેરના પાસોદરા વિસ્તારમાં ગત 12 ફેબ્રુઆરીએ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણીએ સરાજાહેર હત્યા કરી હતી.જે અંગે આજે કોર્ટમાં બન્ને પક્ષો વચ્ચે આજે ગુરુવારે લાંબી દલીલો થઇ હતી.સરકાર પક્ષે કહ્યું હતું કે આરોપીએ વેબસિરિઝ જોઈને હત્યા કરી છે. ત્યારે બચાવ પક્ષે દલીલ કરતાં જણાવ્યું હતું કે વેબસિરીઝ જોતો હતો એટલે લટકાવી દેશો ? હત્યા કેસમાં સજાની સુનાવણી દરમિયાન કોર્ટે ફેનીલને સવાલ કર્યો હતો કે, ‘તમને મૃત્યુદંડ શા માટે ન આપવામાં આવે?’
ગુરૂવારના રોજ ફેનીલને હત્યા કેસ મામલે દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. આ કેસમાં સુરત કોર્ટ ખાતે 25મી ફેબ્રુઆરીથી સુનાવણી શરૂ કરવામાં આવી રહી છે.ગ્રીષ્મા હત્યા કેસ મામલે ગ્રીષ્માનો પરિવાર આરોપીને ફાંસીની સજા આપવા માગણી કરી રહ્યો છે.ત્યારે હવે આ અતિ ચર્ચાસ્પદ કેસમાં 26મી એ ચુકાદો આવે છે કે હજુ પણ સુનાવણી માટે મુદ્દત પડશે તે માટે હવે 26મી સુધી રાહ જોવી રહી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત