સુરત, 23 એપ્રિલ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના જીએફઆરઆરસી (ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર) દ્વારા ‘ટેક્ષ્ટાઇલ વીક’નું આયોજન કરવામાં આવ્યું છે. સોમવાર, તા.25 એપ્રિલ, 2022ના રોજ સાંજે 5 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ટેક્ષ્ટાઇલ વીકનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. જેનું ઉદ્ઘાટન ભારતના ટેક્ષ્ટાઇલ કમિશનર રૂપ રાશી (IA & AS) ના હસ્તે કરવામાં આવશે. જેમાં ભારતના કાપડ મંત્રાલયના ડેપ્યુટી ડાયરેકટર જનરલ ઉષા પોલ, એડીશનલ ટેક્ષ્ટાઇલ કમિશનર એસ. પી. વર્મા અને ITTA ના ચેરમેન અમિત અગરવાલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.ટેક્ષ્ટાઇલ કમિશનર રૂપ રાશી તથા અન્ય મહાનુભાવો ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને મહત્વનું માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમમાં જોડાવવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3vjWNQH પર ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

ટેક્ષ્ટાઇલ વીકના ભાગરૂપે બુધવાર,27 એપ્રિલ, 2022ના રોજ સાંજે 5 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘શટલલેસ લૂમ્સમાંથી બનતા નવા ફેબ્રિકસ’ વિષય ઉપર કાર્યક્રમ યોજાશે. જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતી ‘વોટરજેટ વિવિંગ’ વિશે સંબોધન કરશે. અલ્ટ્રા ડેનિમના જીએમ જી. એસ. કુલકર્ણી ‘ડેનિમ અને એરજેટ વિવિંગ’ વિશે માહિતી આપશે. જ્યારે Pinacol ના ASM કિશોર કુકડીયા ‘રેપિયર વિવિંગ’ વિશે ઉદ્યોગકારોને માહિતી આપશે. આ કાર્યક્રમમાં જોડાવવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3KNoWpw પર ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.ટેક્ષ્ટાઇલ વીકના ભાગરૂપે ત્રીજા દિવસે શુક્રવાર, 29 એપ્રિલ, 2022ના રોજ સાંજે 5 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ સ્પેશિયલ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે. ‘વેસ્ટર્ન ગારમેન્ટ માટેના ફેબ્રિકસ’ વિશે યસ ફેશનના મનન ગોંડલિયા અને એફ સ્ટુડિયોના સુભાષ ધવન માહિતી આપશે. જ્યારે ‘શટલલેસ લૂમ્સ પ્રોજેકટ રિપોર્ટ (વોટરજેટ, રેપિયર, એરજેટ) અને ટફ સ્કીમ્સ’ વિશે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજીવ કપાસિયાવાલા મહત્વનું માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમમાં જોડાવવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3uKS3UQ પર ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

ઉપરોકત ટેક્ષ્ટાઇલ વીકમાં ટેક્ષ્ટાઈલ ક્ષેત્રના ઉદ્યોગકારોને એક છત હેઠળ લાવીને તેઓને વિવિધ વિષયોની જાણકારી આપવામાં આવશે તેમજ પરસ્પર સંવાદ યોજાશે. ત્રણેય દિવસ ઔદ્યોગિક અગ્રણીઓ તથા જાણીતા શિક્ષણવિદો દ્વારા ઉદ્યોગ – ધંધા માટે જરૂરી તેમજ મહત્વનું માર્ગદર્શન આપવામાં આવશે. તદુપરાંત ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં આવેલી અત્યાધુનિક ઉત્પાદન પ્રક્રિયા તથા તેના નવા સ્ત્રોત અને તેના સંબંધિત નવિનતમ માહિતીથી ઉદ્યોગકારોને વાકેફ કરવામાં આવશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત