
સુરત, 26 એપ્રિલ : બદલાતી દુનિયા સાથે ખેડૂતો અને કૃષિ પદ્ધતિઓ પણ બદલાઈ રહી છે. આજના ખેડૂતો તેમના કૃષિ પાકોનું ઓનલાઈન વેચાણ કરીને ખેતીને વધુ નફાકારક બનાવી રહ્યાં છે. ઘણાં ખેડૂતોને ખેતરમાં ઉપજાઉ પાક વાવવાથી લઈને પાકના વેચાણ માટે ડાયરેક્ટ-ટુ-માર્કેટ અથવા ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર વિકલ્પો શોધવા સુધીના ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. મહેનત કરીને પાકની વાવણીથી લણણી સુધીની મથામણ કરી હોય, પરંતુ ઘણીવાર યોગ્ય બજારભાવ ન મળતાં ખેડૂતને નિરાશાનો સામનો કરવો પડે છે. આ સ્થિતિના નિવારણ માટે તેમજ કિસાનોને ડિજીટલ વિશ્વ સાથે જોડીને તેમના ઉત્પાદનોનું વધુ વળતર મળી રહે એ માટે સુરતના ઉત્સાહી યુવા કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ ડૉ.પ્રતિક દેસાઈ અને તેમની ટીમે Titodi એપ અને www.titodi.com વેબસાઈટ બનાવ્યા છે, જેના માધ્યમથી ખેડૂત પોતાનો ડિજીટલ એગ્રી સ્ટોર બનાવી દેશના કોઈ પણ ખૂણે પાકનું યોગ્ય કિંમતે વેચાણ કરીને આવક મેળવી શકે છે.

ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને મરાઠી એમ ચાર ભાષાઓમાં ઉપલબ્ધ ‘ટીટોડી’ પ્લેટફોર્મ ખેડૂતોને દેશભરના 768 પાકોની 10 હજાર જેટલી વેરાયટી માટેના શ્રેષ્ઠત્તમ ભાવો અને બજાર ઉપલબ્ધ કરાવી આપે છે. એટલું જ નહીં, સીડ્સથી લઈને સેલ્સ (બિયારણની ખરીદીથી શરૂ કરી વેચાણ સુધીની) તમામ સુવિધાઓ પૂરી પાડે છે. મૂળ સુરતના વતની અને હાલ સિલિકોન વેલી (કેલિફોર્નિયા, યુએસએ)માં રહેતાં યુવા કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ ડૉ. પ્રતિક દેસાઈએ એગ્રીટેક સ્ટાર્ટઅપ શરૂ કરી ફક્ત સુરત કે ગુજરાત જ નહીં પણ દેશભરના ખેડૂતો માટે સુવિધાજનક પ્લેટફોર્મ પૂરૂ પાડ્યું છે.

ખેડૂત પરિવારમાં ઉછરેલા અને ટીટોડી પ્રોજેક્ટના સ્થાપક ડો.પ્રતિક દેસાઈએ અમેરિકાની ઓહાયો રાજ્યની યુનિવર્સિટીમાંથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ પર પી.એચ.ડી. કર્યું છે. તેઓ હાલ કેલિફોર્નિયા, યુએસએમાં રહે છે, જ્યારે તેમની ટીમ સુરતના પાલ વિસ્તારમાં આવેલી હેડઓફિસથી આ સ્ટાર્ટ અપ પર કાર્યરત છે. પ્રતિક દેસાઈ જણાવે છે કે, અમારો મુખ્ય હેતુ સમગ્ર કૃષિક્ષેત્રની તમામ કડીઓને સાંકળીને ડેટા માઈનિંગ, મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી કિસાનોને કૃષિ જણસોના પોષણક્ષમ ભાવો મળે, આંગળીના ટેરવે દેશના કૃષિ બજારોની જાણકારી મળે એવો છે. અમે ખેડૂતને નિઃશુલ્ક ડિજિટલ શોપ આપવાની સાથે એમને નવીનતમ કૃષિ સંશોધનો, લેટેસ્ટ બજારભાવોની અપડેટ પણ આપી રહ્યાં છીએ.

ડો.પ્રતિક દેસાઈએ પ્રોજેક્ટ ટીટોડી વિષે વાત કરતાં કહ્યું કે, ‘ટીટોડી’ પક્ષી ભારતીય ઉપમહાદ્વીપમાં જોવા મળતું પક્ષી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા અગાઉ ટીટોડીના વર્તન પરથી વરસાદની આગાહી કરવામાં આવે છે. કહેવાય છે કે, ટીટોડી જેટલી વધુ ઉંચાઈ પર ઈંડા મૂકે એટલો વધુ વરસાદ પડે છે. બીજી તરફ ખેડૂતને સાપ અને ઝેરી જીવજંતુઓ સામે ચેતવણી પણ આપે છે. ટીટોડી પક્ષીના નામ પરથી ટીટોડી એપ પાક ઉત્પાદનનું પૂર્વાનુમાન અને કિસાનને વધુમાં વધુ વળતર મળે એ માટે દિશાદર્શન આપે છે. ટીટોડી કિસાનોને સહાયરૂપ બનતી હોવાથી અમે આ પ્લેટફોર્મનું નામ ટીટોડી રાખ્યું છે.

ડો.દેસાઈએ આ પ્લેટફોર્મની વિશેષતાઓ અંગે વધુમાં જણાવ્યું કે, ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા ઈચ્છતા ગ્રાહકો વચેટિયા વગર કોમોડિટીની શોધ, એનાલિસીસ, ખરીદી, વેચાણ-વેપાર કરી શકે છે. વ્યાપારીઓ યોગ્ય ભાવે વેચાણ કરી શકે છે, જ્યારે ગ્રાહકો તેમના નાણાંનું શ્રેષ્ઠ મૂલ્ય મેળવે છે. આ પ્લેટફોર્મ APMC (કૃષિબજારો) માટે કોમોડિટીઝ લિસ્ટિંગનું સ્ટોક માર્કેટ જેવંક ઈન્ટરફેસ પૂરૂ પાડે છે. અત્યાધુનિક ડેટા માઈનિંગ અને મશીન લર્નિંગ અલ્ગોરિધમ્સ પર આધારિત પૂર્વાનુમાન માટે પણ ‘ટીટોડી’ મદદરૂપ બન્યું છે.વર્ષ 2016માં આ પ્રકારનું ડિજીટલ પ્લેટફોર્મ બનાવવાનો વિચાર આવ્યો હતો, અને બે વર્ષની મહેનત બાદ 2018માં કેન્દ્ર સરકારની સ્ટાર્ટ અપ યોજના હેઠળ રેકગ્નીશન મળ્યું. સમય અને બજારની માંગ અનુસાર ઘણાં ફેરફારો કરીને યુઝર ફ્રેન્ડલી બનાવ્યું. આ વર્ષથી ફૂલફ્લેજ એક્ટિવ થયુ છે અને કુલ 300 જેટલા પ્રગતિશીલ ખેડૂતો અને વ્યાપારીઓ જોડાઈ ચૂક્યા છે.

આ સ્ટાર્ટ અપના (હેડ ઓફ ગ્રોથ અને બિઝનેસ ઓપરેશન, કોફાઉન્ડર) ચિંતન પપૈયા જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાકૃતિક ખેતીને અપનાવવાના આહ્વાનને ઝીલી લેતાં ટીટોડી દ્વારા ગુજરાતની સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી (SPNF) ચળવળ સમિતિ સાથે સમજૂતી કરી છે. ટીટોડીએ નવસારી કૃષિ યુનિવર્સિટી સાથે MoU પણ કર્યા છે, યુનિવર્સિટી નિર્મિત ઉત્પાદનોનું પણ વેચાણ કરવામાં આવે છે. ‘ટીટોડી’ ખેડૂતો, વેપારીઓ અને કૃષિ સંગઠનોને તેમના ક્લાયન્ટ સુધી સીધા પહોંચવા માટેનું સરળ પ્લેટફોર્મ પૂરૂ પાડે છે. કુદરતી ખેતીના ફાયદાઓ વિશે ગ્રાહક જાગૃતિ ફેલાવવા અને ભારતના છેવાડે રહેલા ખેડૂતની ગુણવત્તાયુક્ત કૃષિ જણસને દેશભરનું વિશાળ માર્કેટ પ્રદાન કરવું એ પણ અમારૂ લક્ષ્ય છે એમ તેઓ ઉમેરે છે.
ટીટોડીની ટીમમાં ડિરેક્ટર હર્ષ દેસાઈ અને ઉમેશ દેસાઈ, ટેકનિકલ કોફાઉન્ડર લોકેશ દેસાઈ, ચિંતન પપૈયા સહિત 11 ઉત્સાહી કર્મચારીઓએ એપ અને વેબસાઈટ પર અવનવા સંશોધનો કરીને તેને વધુ સુગમ અને સરળ બનાવી છે. વડાપ્રધાનના દેશના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને પૂર્ણ કરવામાં આ પ્રકારના સ્ટાર્ટ અપ ખૂબ મદદગાર બનશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત