
સુરત, 25 એપ્રિલ : સુરતના સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે આગામી 29 એપ્રિલથી 1 મે દરમિયાન સરદારધામ દ્વારા ત્રિદિવસીય SRK ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 યોજાશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમિટ અને એક્ઝિબિશનનું 29મીએ સવારે 11 વાગ્યે વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરશે. પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીગણની પણ પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
સરદારધામ દ્વારા મિશન 2026 અંતર્ગત રાજ્ય સરકારના વાઈબ્રન્ટ ગુજરાત સમકક્ષ દર 2 વર્ષે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજવામાં આવે છે. વર્ષ 2018માં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે તેમજ 2020માં હેલિપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજવામાં આવી હતી. જેની ભવ્ય સફળતા બાદ સુરતના સરસાણા ખાતે પણ સમિટ યોજાશે. જેમાં 30 હજાર ચો.મી. વિસ્તારમાં 950 સ્ટોલ રહેશે. જેમાં આઈ.ટી. ફૂડ અને બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ, ડેરી, કૃષિ, એન્જિનિયરીંગ, રબર, ડાયમંડ અને ટેક્ષટાઈલ સહિતના 15થી વધુ સેક્ટરના ઉદ્યોગકારો એક્ઝિબિશનમાં ભાગ લેશે. મહિલા ઉદ્યોગ સાહસિકો, કૃષિ અને ડેરી માટે એક્ઝિબિશન સ્ટોલમાં 50 ટકા રાહત અપાશે.
સરદારધામના પ્રમુખ સેવક ગગજી સુતરીયાએ માધ્યમોને વિગતો આપતાં જણાવ્યું હતું કે, સુરત એ ગુજરાતનું આર્થિક અને ઔદ્યોગિક કેપિટલ તરીકે સુવિખ્યાત છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી સ્થળાંતર થઈને આવેલ પાટીદારોએ સખત પરિશ્રમ અને સાહસિકતાના ગુણોથી ડાયમંડ, ટેક્ષટાઈલ્સ, રિયલ એસ્ટેટ તેમજ વિવિધ વ્યવસાયોમાં પ્રગતિ કરી છે, ત્યારે મિશન 2026 હેઠળ રાજ્યમાં સર્વ ક્ષેત્રમાં ઉદ્યોગ/વ્યાપારનો વિકાસ થાય, નવા ઉદ્યોગ સાહસિકો મળે, અને તે દ્વારા રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે વધુ રોજગારીના અવસરો પેદા થાય, સાથોસાથ યુવા ઉદ્યોગસાહસિકોને પ્રગતિ માટે ગ્લોબલ પ્લેટફોર્મ મળે તેવો પાટીદાર ગ્લોબલ સમિટનો મુખ્ય હેતુ છે.
તેમણે વધુમાં કહ્યું કે સમીટમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય પશુપાલન, મત્સ્ય અને ડેરી વિભાગના મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ સહિત રાજ્ય સરકારના મંત્રીગણ સહિત ઉદ્યોગજગતના અગ્રણીઓ, બિઝનેસમેનો તેમજ દેશવિદેશમાંથી ડેલિગેટ્સ પણ ઉપસ્થિત રહેશે. ખાસ કરીને ત્રણ દિવસ દરમિયાન 15થી વધુ સેશનમાં તજજ્ઞ વક્તાઓ, ટેકનોક્રેટ તેમજ યુવા સાહસિકો માર્ગદર્શન આપશે.આ પ્રસંગે પાટીદાર અગ્રણી મનહર સાસપરા અને મનિષભાઈ કાપડીયા, ગણપતભાઈ ધામેલીયા ઉપસ્થિત રહ્યાં હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત