
વલસાડ, 26 એપ્રિલ : ‘અંગદાનથી જીવનદાન’ના સૂત્રને સાર્થક કરતા વલસાડના ઉમરગામના વર્મા પરિવારે પોતાના યુવાનવયના બ્રેઈનડેડ સ્વજન સ્વ.યશ વર્માના કિડની અને લિવરનું અંગદાન કરી 3 વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે વાપીની હરિયા એલ. જી. રોટરી હોસ્પિટલથી અમદાવાદની IKDRC સુધીના 362 કિ.મિ. ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.
ઉમરગામના બાવન હેક્ટર, પાણીની ટાંકી સામે, નવી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં રહેતાં ઝવેરીલાલ બાબુલાલ વર્માના 25 વર્ષીય પુત્ર યશ જીનલ ટાયરના નામથી વિવિધ કંપનીઓના ટાયરની ડીલરશીપ ધરાવતાં હતાં. યશ તા.13 એએપ્રિલના રોજ રાત્રે 8:30 કલાકે દુકાનેથી મોટરસાઈકલ પર સાવર થઈને ઘરે જઈ રહ્યો હતો, ત્યારે ગોવાડા કોસ્ટલ હાઈવે, ખાડીના પુલ પાસે મોટરસાયકલ સ્લીપ થઇ જતા તેને માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી. જેથી પરિવાર દ્વારા ઉમરગામમાં પબ્લિક હેલ્થ સેન્ટરમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાત્રે 11:50 કલાકે વાપીની હરિયા એલ. જી. રોટરી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ફરજ પરના ન્યુરોર્જન ડૉ.વાસુદેવ ચંદવાણીએ નિદાન અને સારવાર દરમિયાન સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું જણાયું હતું.
સ્થિતિ ગંભીર હોવાથી હોસ્પિટલ દ્વારા યશને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. હરિયા હોસ્પિટલના કોર્ડિનેટર આનંદ શિરસાઠે ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી યશની પત્ની માનસી, પિતા ઝવેરીલાલ, ભાઈ દુર્ગેશ, સાળા કરણ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. યશના પરિવારમાં તેની પત્ની માનસી, 4વર્ષની પુત્રી જીનલ, 2 વર્ષનો પુત્ર તનિષ્ક, પિતા ૬૪ વર્ષીય ઝવેરીલાલ છે. યશની માતાનું છ મહિના પહેલા અવસાન થયું હતું.

સ્વ.યશની પત્ની માનસીએ જણાવ્યું કે મારા પતિ બ્રેઈનડેડ છે, અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે. આખરે શરીર બળીને રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આગળ વધવાની સંમતિ આપી હતી.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા ડોનેટ લાઈફ દ્વારા સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગ.(SOTTO)નો સંપર્ક કરી કિડની અને લિવરના અંગદાન માટે જણાવ્યું SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટરને ફાળવવામાં આવ્યા.દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીમાંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ જેતપુરના રહેવાસી 31 વર્ષીય વ્યક્તિમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 39 વર્ષીય વ્યક્તિમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 43 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની અમદાવાદની ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર(IKDRC) માં કરવામાં આવ્યું હતું.
કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે વાપીની હરિયા હોસ્પિટલથી અમદાવાદની IKDRC સુધીના ૩૬૨ કિ.મિ. ના માર્ગને ગ્રીન કોરિડોર બનાવાયો હતો. જેમાં રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો. અંગદાનની સમગ્ર પ્રક્રિયા સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત