સુરત રેન્જના એડિશનલ ડી.જી. ના અધ્યક્ષસ્થાને માર્ગ સુરક્ષા અને અકસ્માત નિવારણની બેઠક યોજાઈ

સ્થાનિક
Spread the love

સુરત, 27 એપ્રિલ : સુરત રેન્જ પોલીસના એડિશનલ ડી.જી. ડો.એસ.પી.રાજકુમારના અધ્યક્ષસ્થાને રેન્જ કચેરી, અઠવાલાઈન્સ ખાતે માર્ગ સુરક્ષા અને અકસ્માત નિવારણ અંગેની બેઠક યોજાઈ હતી. જેમાં SVNITના તજજ્ઞોએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરી રેન્જ વિસ્તારના માર્ગો, હાઈવે પર ટ્રાફિક નિયમન, માર્ગ સલામતી અને અકસ્માત નિવારણના ઉપાયો અંગે વિચારવિમર્શ કર્યો હતો. બેઠકમાં ડો.એસ.પી.રાજકુમારે જણાવ્યું હતું કે, સંપૂર્ણ માર્ગ સલામતીના ધ્યેય સાથે જીવલેણ અકસ્માતો નિવારવા રેન્જ પોલીસ પ્રતિબદ્ધ છે. રાત્રિ દરમિયાન વાહનચાલકને રોડ પરના વળાંક તેમજ રોડ ઓળંગતી વ્યક્તિઓ અને પશુઓ સ્પષ્ટ રીતે દેખાય એ માટે રિફલેકટર પટ્ટીઓ, કેટ આઈબોર્ડ લગાવવાની કામગીરીને સઘન કરવામાં આવશે. ઈન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, ઓટોમેટીક નંબર પ્લેટ રિકોગ્નીશન સિસ્ટમની મદદથી ફેટલ અકસ્માતોના નિવારણ અને નિયમભંગ કરતાં વાહનચાલકો સામે વધુ કડક અને દંડનીય કાર્યવાહી કરવાની દિશામાં તંત્ર આગળ વધી રહ્યું છે.ઘણાં અકસ્માતો રોડ પર રખડતા પશુઓ તેમજ રસ્તો ઓળંગતા વ્યક્તિઓને કારણે થાય છે. જેથી આવા બ્લેકસ્પોટને આઈડેન્ટિફાય કરીને આ સ્થળે ટૂંકાગાળાની સમસ્યાના નિવારણ માટે બ્લીન્કટ લાઈટ, રમ્બલ સ્ટ્રીપ લગાવવી તેમજ માર્ગ સલામતી માટે આમજનતાની સહભાગિતા સુનિશ્ચિત કરી જનજાગૃત્તિ માટેના પ્રયાસોને વેગ આપવામાં આવશે.

બેઠકમાં SVNIT કોલેજના તજજ્ઞ ટીમે ‘રોડ સેફટી ઓડિટ નેશનલ હાઈવે-48 પીપોદરા ટુ કામરેજ’ વિષય પર પીપોદરાથી કામરેજ આસપાસના 28 કિલોમીટરના વિસ્તારમાં ટ્રાફિક નિયમન અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિતેષ જોયસર, એ.એસ.પી. વિશાખા જૈન, ઈ.આર.ટી.ઓ. હાર્દિક પટેલ, SVNITના આસિ. પ્રો.ડો.શ્વેતા શાહ, નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર સરોજ કે.શાહ, કડોદરા ઈન્ડસ્ટ્રીયલ એરિયાના ઉદ્યોગ આગ્રણીઓ, પ્રતિનિધિઓ અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *