
સુરત : રાજ્ય સરકારના રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટીતંત્ર તથા જિલ્લા રમતગમત અધિકારી-સુરત ગ્રામ્ય કચેરી દ્વારા તા.29 એપ્રિલથી 2 મે દરમિયાન ભાણકી સ્ટેડિયમ, મોરા ભાગળ ખાતે દિવ્યાંગ બાળકો માટે સ્પેશ્યલ ખેલમહાકુંભ યોજાયો હતો, જેના સમાપનના અંતિમ દિને ગૃહ, રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મંત્રીએ દિવ્યાંગ ખેલાડીઓ સાથે રમતો રમીને ઉત્સાહ વધારવા સાથે ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે બે વર્ષ સુધી ખેલમહાકુંભ અટક્યો હતો, પરંતુ હવે સ્થિતિ સુધરતા રાજ્ય સરકારે નવી ઉર્જા સાથે ખેલમહાકુંભને આગળ ધપાવ્યો છે. રાજ્યનું યુવાધન સ્પોર્ટ્સમાં કૌશલ્યવાન બને એ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કાર્યકાળમાં ખેલમહાકુંભનો પ્રારંભ કર્યો હતો. જેને રાજ્ય સરકારે વધુ વેગ આપી દિવ્યાંગજનો સુધી વિસ્તાર્યો છે. રાજ્યમાં આ વર્ષે બાળકો, યુવાનો અને વડીલો સહિત કુલ 56 લાખ લોકોએ ખેલમહાકુંભમાં ભાગ લીધો છે.દિવ્યાંગ સ્પર્ધકો પણ સામાન્ય ખેલાડીઓની જેમ રમત રમી શકે છે અને તેમની કુશળતા નિદર્શિત કરી શકે તે માટે ખેલમહાકુંભ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓ પ્રોત્સાહક સાબિત થઈ છે. દિવ્યાંગ બાળકો ખેલમહાકુંભના માધ્યમે દેશની જનતાને અત્યંત કપરી પરિસ્થિતિમાં પણ ટકી રહી તેનો હિંમતપૂર્વક સામનો કરવાનો સંદેશ આપે છે.

તેમણે વધુમાં કહ્યું કે, દિવ્યાંગ બાળકો,વ્યક્તિઓમાં પણ સુષુપ્ત પ્રતિભા હોય છે, તેમને સહકાર, લાગણી અને યોગ્ય પ્લેટફોર્મ મળે તો તેમના રહેલી ખૂબીઓને બહાર લાવી શકાય છે. દિવ્યાંગજનોના ચહેરા પર ખુશી છવાય, તેમની સુષુપ્ત શક્તિઓને પાંખો મળે અને કૌશલ્ય દર્શાવવાની ઉમદા તક મળે એવો સ્પેશ્યલ ખેલમહાકુંભ થકી રાજ્ય સરકારનો પ્રયાસ છે.

આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી(સુરત શહેર) દિનેશ કદમ, જિલ્લા રમતગમત અધિકારી(સુરત ગ્રામ્ય) વિરલ પટેલ, કોર્પોરેટર કુણાલ શેલર, રાંદેર પીપલ્સ બેન્કના પ્રમુખ કમલેશ શેલર, સિનીયર કોચ કનુ રાઠોડ, શહેરીજનો સહિત દિવ્યાંગ રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત