
સુરત, 5 મે : આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત નવસારી કૃષિ યુનિવર્સિટી સંલગ્ન મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર-સુરત દ્વારા સુમુલ ડેરી-સુરતના સહયોગથી ખેડુત દિન’ નિમિત્તે કૃષિ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને ‘જુવારની જાતો અને “વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ’ અંગે તાલીમ શિબિર યોજાઈ હતી.

સિટીલાઈટના મહેશ્વરી ભવન ખાતે આયોજીત શિબિર પ્રસંગે મંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે, આધુનિક જીવન શૈલીના કારણે લોકોની ખાણી-પીણીમાં બદલાવ આવ્યો છે ત્યારે લોકો પોતાના ભોજનમાં જુવારનો ઉપયોગ કરતા થાય તે જરૂરી છે. રાજ્ય સરકારે ખેડૂતોના હિતોને અનુલક્ષીને બજેટ ફાળવ્યું છે. ખેડુતો વધુમાં વધુ જુવારનું ઉત્પાદન વધારે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. આધુનિક પદ્ધતિ અપનાવી ઓલપાડ તાલુકાના ખેડૂતોએ સ્ટોબેરી અને હળદરનું ઉત્પાદન કરી સારૂ એવું વળતર પ્રાપ્ત કરતાં થયા છે. ખેડૂતો આંગળીના ટેરવે યોજનાઓની માહિતી મેળવી શકે તે માટે સ્માર્ટ ફોનની ખરીદી માટે રૂા.૬ હજારની સબસિડી આપવામાં આવી છે.

કૃષિમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આધુનિક ટેકનોલોજીથી બનેલા સ્વદેશી ડ્રોનથી 500ના દરે એક હેક્ટર જેટલા વિસ્તારમાં દવાનો છંટકાવ શક્ય બન્યો છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ‘સનેડા ટ્રેક્ટર’ તરીકે જાણીતા બનેલા ટ્રેકટરની ખરીદી માટે આગામી સમય સબસિડી આપવામાં આવશે. સુરત અને ઓલપાડમાં મકાઈથી ઈથેનોલ બનાવવાના પ્લાન્ટ સ્થાપવા રૂ.4500કરોડના MOU કરાયા છે. રાજ્યમાં આગામી સમયમાં પાલ્મ ઓઈલનું ઉત્પાદન અને લીલા કચરામાંથી બાયોગેસ બનાવવાના પ્લાન્ટના નિર્માણ માટેનું આયોજન કરાશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે સુરત દૂધ ઉત્પાદક સંઘના (સુમુલ) ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના યોજનાઓના સંથવારે પાયલટ પ્રોજેક્ટ, બિયારણ સંશોધન, બિયારણ વ્યવસ્થા થકી ખેડૂતને લાભ થયો છે. પ્રધાનમંત્રીશ્રીના વિઝન અને લક્ષ્ય પ્રમાણે ખેડૂતોની આવક ડબલ કરવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. સુરતમાં રોજ 20 લાખ લીટર દૂધ ભેગું થાય છે અને પ્રોસેસ થઇ 15 લાખ લીટર દુધ અને દૂધની વસ્તુઓનું રૂ. 8 થી 10 કરોડનું વેચાણ થાય જે સીધા પશુપાલકોના ઘરમાં જાય છે. માંગરોળ, ઉમરપાડા, ઓલપાડ જેવા આદિવાસી દુર્ગમ વિસ્તારમાં રાજ્ય સરકારની યોજનાઓ થકી વીજળી અને પાણી પોહોચ્યું જેથી ખેતી, પશુપાલનનું ઉત્પાદન વધ્યું અને ખેડૂત તેમજ પશુપાલક સમુદ્ધ બન્યા છે. ખેડૂતો એકત્ર આવી મંડળી બનાવી ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી પાકનું ઉત્પાદન કરી તેનું શહેર, વિદેશમાં વેચાણ વિષે ચિંતન કરવું જોઈએ.

આ પ્રસંગે ખેડૂતો અને પશુપાલકોને મુખ્ય જુવાર સંશોધન કેન્દ્રના ફાર્મ ખાતે દાણા તથા ઘાસચારાની જુવારની વિવિધ જાતોના બીજ ઉત્પાદન તથા પાક સંવર્ધનનું પ્રત્યક્ષ નિદર્શનનો લાભ મળ્યો તથા પ્રતિષ્ઠિત ખેડતોનું સન્માન કરવામાં આવ્યું હતું.
સુરત જુવાર સંશોધન વૈજ્ઞાનિક ડૉ.ભરત કે.દાવડાએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં જુવાર, ધાસચાર માટેની જુવારની 46 જાતો જોવા મળે છે તેમાંથી સુરત જુવાર સંશોધન કેન્દ્રએ 19 જેટલી જાતો બહાર પાડી છે જે 17 રાજયકક્ષાએ તથા બે રાષ્ટ્રીયકક્ષાએ બે જાતો સંશોધિત કરીને બહાર પાડી છે. જુવારમાંથી કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ જેવા રોગો સામે અસરકારક સાબિત થાય છે. આ ઉપરાંત વિટામીન, મિનરલ્સ, ફાયબર જેવા અનેક પોષકતત્વોથી ભરપુર હોય છે. જેથી દરેક નાગરિકોએ પોતાના ખોરાકમાં જુવારને સ્થાન આપવાનો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઝેડ.પી.પટેલ, સંશોધન વૈજ્ઞાનિક(જુવાર) ડૉ.ભરત કે.દાવડા, સુમુલના મેનેજિંગ ડિરેકટર એ. એચ. પુરોહિત, નવસારી કૃષિ યુનિવર્સિટીના નિયામક સદસ્ય પ્રો. નરેન્દ્ર .ડી.મોદી, મનોજભાઈ પટેલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા અને જીલ્લા ખેતી અધિકારી એન જી. ગામીત, સુમુલ ડેરી ડાયરેક્ટર જયેશ પટેલ, બળવંત પટેલ, નવસારી કૃષિ યુનિવર્સિટીના બોર્ડ મેમ્બર મનોજ પટેલ, મુખ્ય જવાર સંશોધન કેન્દ્ર, મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અસ્પી સકીલમ બાયો ટેકનોલોજી ઇન્સ્ટીટ્યુટ તથા નવસારી કૃષિ યુનિવર્સિટીના વડાઓ સહિત તાલીમાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત